બ્રહ્મપુત્રા નદીના કિનારે સ્થિત માજુલી એ માત્ર વિશ્વનો સૌથી મોટો વસવાટ ધરાવતો રિવર આઇલેન્ડ જ નથી, પરંતુ તે આસામની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું હૃદયધામ છે. પ્રકૃતિનો અદ્ભુત વૈભવ, શાંત વાતાવરણ અને શતાબ્દીઓ જૂની પરંપરાઓ માજુલીને અનન્ય બનાવે છે.  

  માજુલીનો સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો  

માજુલીનો ઇતિહાસ 16મી સદીના આસામના સુવર્ણકાળ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. આ સમયગાળામાં સંત શ્રીમંત શંકરદેવ અને તેમના પરમ શિષ્ય માધવદેવે અહીં નવવૈષ્ણવ ધર્મ અને એકશરણ નામધર્મનો વ્યાપક પ્રચાર કર્યો હતો. શંકરદેવે તત્કાલીન સમાજમાં વ્યાપ્ત કુરિવાજો અને ભેદભાવો દૂર કરીને ભક્તિ, કલા અને સમતા પર આધારિત નવી સાંસ્કૃતિક ચેતના જગાડી હતી.  

 સ્થાનિક લોકો, જનજાતિઓ અને એમની અનોખી જીવનશૈલી  

માજુલીની સામાજિક વ્યવસ્થા અત્યંત રસપ્રદ અને વૈવિધ્યસભર છે. માજુલીમાં મુખ્યત્વે મિશિંગ જનજાતિ ઉપરાંત દેઓરી, સોનોવાલ કચારી અને અસમિયા સમુદાયના લોકો વસે છે, પરંતુ મિશિંગ જનજાતિ અહીંની વસ્તીનો મોટો હિસ્સો છે. બ્રહ્મપુત્રા નદીમાં દર વર્ષે આવતા પૂરના પાણી અને ચોમાસાની વિષમ પરિસ્થિતિઓથી રક્ષણ મેળવવા માટે સ્થાનિક લોકો અહીં વાંસ અને લાકડાના ઊંચા સ્તંભો પર પોતાના ઘરો બનાવે છે, જેને સ્થાનિક ભાષામાં 'ચાંગ ઘર' કહેવામાં આવે છે. આ ઘરો સ્થાપત્ય અને પર્યાવરણ અનુકૂલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, માછલી પકડવી, પશુપાલન અને વણાટકામ છે. માજુલીની ઓર્ગેનિક ખેતી અને ખાસ કરીને અનોખા રાતા ચોખા ખૂબ જાણીતા છે. મિશિંગ સમુદાયની મહિલાઓ વણાટકામમાં અત્યંત કુશળ હોય છે. તેઓ ઘરમાં જ પરંપરાગત મેખલા ચાદર અને ધાબળાઓ વણે છે.  

કમલાબારી સત્ર : આ સત્ર શાસ્ત્રીય સંગીત, કળા, સત્રિયા નૃત્ય અને નાટ્ય સંસ્કૃતિનું મોટું કેન્દ્ર છે.

આઉનીઆટી સત્ર : અહીં પ્રાચીન અસમિયા હસ્તકલાના વાસણો, પરંપરાગત ઘરેણાં, પ્રાચીન શસ્ત્રો અને ઐતિહાસિક કલાવસ્તુઓનું સુંદર સંગ્રહાલય આવેલું છે.

સામાગુરી સત્ર : આ સત્ર પારંપરિક માસ્ક બનાવવાના પ્રાચીન કૌશલ્ય માટે આખી દુનિયામાં ખ્યાતનામ છે.

માજુલીના મહોરા શિલ્પ : સામાગુરી સત્રમાં વાંસ, માટી, કાપડ, છાણ અને પ્રાકૃતિક રંગોમાંથી ધાર્મિક અને પૌરાણિક પાત્રોના રંગબેરંગી પરંપરાગત ફેસ-માસ્ક બનાવવામાં આવે છે. રાસલીલા અને નાટકોમાં તેનો ઉપયોગ થાય છે.

મિશિંગ જનજાતિના ગામડાઓ : સ્થાનિક મિશિંગ ગામડાઓની મુલાકાત લઈને તેમની વિશિષ્ટ જીવનશૈલી, સ્થાનિક ખાનપાન, પરંપરાગત ચા અને હાથશાળની કળાનો નજીકથી અનુભવ કરી શકાય છે.

નદી કિનારે સૂર્યાસ્ત અને પક્ષીદર્શન : બ્રહ્મપુત્રા નદીના વિશાળ પટ પર સાંજના સમયે સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ જ મનમોહક હોય છે. શિયાળાની ઋતુમાં અહીં અનેક દુર્લભ માઇગ્રેટે થયેલા પક્ષીઓ પણ જોવા મળે છે, જે પક્ષીપ્રેમીઓ અને ફોટોગ્રાફર્સ માટે સ્વર્ગસમાન છે. જો સંભવ હોય તો નવેમ્બર મહિનામાં કાર્તિક પૂર્ણિમા આસપાસ આવતા રાસ ઉત્સવ દરમિયાન ચોક્કસ જવું જોઈએ. આ સમયે આખું માજુલી રોશની, કૃષ્ણલીલાના સુંદર નાટકો, મુખોટા નૃત્યો અને પરંપરાગત લોકનૃત્યો જોવા મળશે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો