ભારતનાં ઘણાં રાજ્યોમાં પશુમેળો ભરાતો હોય છે, જેમાં ખાસ કરીને વધુ દૂધ આપતી ભેંસ, ગાય કે ઊંટની ડિમાન્ડ વધુ હોય છે. અલબત્ત, આ પશુઓને જોવા ભારતભરમાંથી પશુપ્રેમીઓ અને ખેડૂતો આવતા હોય છે.
જોકે, રાજસ્થાનના પશુમેળામાં મુર્રા જાતિના `સિંઘમ' નામના પાડાએ પશુપ્રેમીઓ અને ખેડૂતોમાં કુતૂહલ જમાવ્યું હતું, કારણ કે આ પાડાની કિંમત રૂપિયા 3 કરોડથી પણ વધુ આંકવામાં આવી હતી. આ પાડાના માલિકનું નામ ડો. મુકેશ દૂધવાલ છે અને તેઓ વેટરનરી ડોક્ટર પણ છે! તેમના જણાવ્યા પ્રમાણે સિંઘમ નામના પાડાના ડીએનએમાં જ કુતૂહલ જન્માવે એવી ક્વોલિટી છે, કારણ કે આ પાડાના પિતા `ભીમ' પણ એક બ્રાન્ડ છે, જેની કિંમત 24 કરોડ રૂપિયા અંકાઇ છે. વધુમાં સિંઘમની માતાની પણ વિશેષ બોલબાલા હતી, કેમ કે એક સમયે તે 24 લિટર દૂધ આપનારી મુર્રા જાતિની ભેંસ હતી! આ પાડો માત્ર દેખાવમાં જ નહીં, પરંતુ બ્રીડર્સ માટે ખૂબ જ અમૂલ્ય છે, કારણ કે તેના વીર્યનું એક ટીપું 2400 રૂપિયાની આસપાસ વેચાય છે. સિંઘમના એકવારના 10થી 14 ml વીર્યમાં 700થી 900 ડોઝ તૈયાર થાય છે, જે વર્ષમાં 1 કરોડથી પણ વધુની કમાણી કરી આપે છે.
8 કિગ્રાની સોના-ચાંદી, પ્લેટિનમની સાડી!
હંમેશાં સાડી પહેરેલી સ્ત્રી વધુ સુંદર લાગતી હોય છે અને તેમાં પણ જો સાડીમાં સોના-ચાંદી, હીરા-પન્ના હોય તો પૂછવું જ શું! અહીં જે સાડીની વાત કરવામાં આવી છે તે સાડીની કિંમત 39.93 લાખ રૂપિયા છે અને તેનું વજન અંદાજિત 8 કિગ્રા છે. આશ્ચર્યની વાત એ છે કે આ સાડીમાં 59.7 ગ્રામ સોનું, 3.913 કેરેટ હીરા, 120 મિગ્રા પ્લેટિનમ, 5 ગ્રામ ચાંદી, 2.985 કેરેટ રૂબી, 55 સેન્ટ પન્ના ઉપરાંત નવરત્ન પથ્થર, મોતી અને મૂંગાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાડીને હજી પણ વધુ આકર્ષક બનાવવામાં 64 રંગો અને 10 અદ્ભુત ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અલબત્ત, વિશ્વની સૌથી મોંઘી સાડી તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ સાડીની નોંધ લેવામાં આવી છે. સાડીમાં કલાત્મક ડિઝાઈનની સાથે સાથે રાજા રવિ વર્માના પેઇન્ટિંગ્સને કંડારવામાં આવ્યાં છે. પ્રસ્તુત સાડીમાં `ગેલેક્સી ઓફ મ્યુઝિશિયન્સ'નાં પેઇન્ટિંગ્સ દર્શાવાયાં છે, જેમાં અલગ અલગ રાજ્યોની મહિલાઓ પોતપોતાનાં પરંપરાગત વાદ્યો વગાડતી જોવા મળે છે. ભલે આ સાડીનું વજન વધારે છે, પરંતુ તેને સામાન્ય સાડીની જેમ સરળતાથી પહેરી શકાય છે. આ સાડી બેંગલુરુના એક બિઝનસમેને તેમની પત્ની માટે ગિફ્ટ તરીકે ખરીદી હતી.
બ્રેઇન બાયો બેંકમાં સ્યુસાઇડર પર રિસર્ચ
એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ભારતમાં અંદાજિત 1.7 લાખ લોકો આત્મહત્યા કરે છે. તે પાછળ તણાવ, બેરોજગારી, સંબંધોમાં ખટાશ અને આર્થિક તંગી જેવાં કારણો જવાબદાર હોય છે, પરંતુ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આત્મહત્યા કરનાર વ્યક્તિની પાછળ જૈવિક અને માનસિક બદલાવ પણ મોટી ભૂમિકા ભજવતા હોય છે, જેનાં રહસ્યો સમજવા માટે `બ્રેન બાયો બેંક' મહત્ત્વની સાબિત થાય છે. દિલ્હીની એઇમ્સ અને અમેરિકાની યુટા યુનિવર્સિટી સાથે મળીને એક પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે. આ બાયો બેંકમાં સ્યુસાઇડરના મસ્તિષ્કના સેમ્પલને સુરક્ષિત રાખવામાં આવશે અને તે તમામ સેમ્પલ પર આગામી પાંચ વર્ષ સુધી રિસર્ચ કરવામાં આવશે. સાચવી રાખેલા મસ્તિષ્કના સેમ્પલથી જાણી શકાશે કે આત્મહત્યા કરનાર વ્યક્તિએ કયા જૈવિક કે માનસિક કારણોથી આત્મહત્યા કરી હતી! વધુમાં જે વ્યક્તિઓ જીવિત છે અને આત્મહત્યા જેવા વિચારો લઇને ફરી રહી છે તેઓનું વ્યવસ્થિત સ્ક્રીનિંગ અને કાઉન્સેલિંગ પણ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં આત્મહત્યા કરનાર 4,000 લોકો અને અમેરિકામાં આત્મહત્યા કરનાર 8,000 લોકોનાં સેમ્પલ પર રિસર્ચ કરવામાં આવશે અને નજીકના ભવિષ્યમાં આત્મહત્યાના કિસ્સાઓ ઘટાડી શકાશે.