સંતાનપ્રાપ્તિ માટે ભારતીય માતા-પિતા પથ્થર એટલા દેવ પૂજે છે. શું બાળક માટેની આપણી આ ભાવના વાસ્તવિક જીવનમાં ચરિતાર્થ થાય છે ખરી? આમ તો ભારતીય પતિ-પત્ની મા-બાપ બન્યાં પછી સ્વતંત્ર વ્યક્તિ કરતાં મા-બાપ બનીને જ વધુ જીવે છે. એમના જીવનના મોટાભાગના નિર્ણયોમાં બાળક મોખરે હોય છે. છતાં ગરીબ કે ધનવાન બંને વર્ગનાં બાળકોના ચહેરા પર બાળગોપાલનું સ્મિત અદૃશ્ય છે. અથવા ઝાંખું છે. આમ કેમ? આ પ્રશ્ન વિચારવા જેવો છે. એ છે કે એમને રોટી-કપડા-મકાન જેવી બેઝિક સુવિધા જ નથી મળતી, તેથી એમના પ્રશ્નો આર્થિક-સામાજિક છે.
મંદિરોમાં કરોડો રૂપિયા ખર્ચનાર લોકોને આ બાળકમાં ભગવાન નથી દેખાતા. વંચિત બાળકો માટે સરકારી, સામાજિક કે વ્યક્તિગત સ્તરે જે કામ થવું જોઇએ એ નથી થતું. સરકારી યોજનાનો લાભ એમને પૂરો મળતો નથી. આપણે ત્યાં 30 ટકા બાળકો ગરીબી રેખાની નીચે જીવે છે. 22 ટકા બાળકો કુપોષણથી પીડાય છે. ગ્રામ્ય વિસ્તારમાં 30 ટકા બાળકો ત્રીજા ધોરણ પછી અભ્યાસ છોડી મજૂરી કરે છે. જે દેશનાં આટલાં બાળકો ભૂખથી ટળવળતાં હોય, એનિમિક હોય અને એમને શિક્ષણ નસીબ ન હોય એ બાળકોનું અને દેશનું ભવિષ્ય કેવું હોય? ગરીબી અને ગુનાખોરી સમાંતર ચાલે છે. `પાપી પેટ કે લિયે કુછ ભી કરના પાપ નહી' આ ફિલ્મી ડાયલોગ નથી, પરંતુ કરુણ વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતા નહીં બદલાય ત્યાં સુધી એ `સોનાની થાળીમાં લોઢાની મેખ'ની જેમ આપણને પીડતી રહેશે. એના માટે આપણે એકાદ બાળકના શિક્ષણ, મેડિકલ કે ન્યૂટ્રિશનની જવાબદારી લઇને એક માનવતાનો દીપ અવશ્ય જલાવી શકીએ. ભગવાનના સાચા ભક્ત અને સાચા માનવ કે નાગરિક બનવાનું આ પ્રથમ પગથિયું છે.
બીજું, સાધન સંપન્ન પરિવારનાં બાળકો પાસે સગવડો છે, પણ સાથે મા-બાપની અપેક્ષાઓનો ભાર છે. એમની પાસે વિશાળ આકાશ છે, પરંતુ કઇ દિશામાં ઉડાન ભરવી એની સમજણ આપનાર સાચો રાહબર નથી. એ જંકફૂડ અને ઓવર ઇટિંગથી ઓબેસિટી અને જુવેનાઇલ ડાયાબિટીસનો ભોગ બને છે એની પાસે ક્યાંક જરૂરિયાત જેટલું છે તો ક્યાંક જરૂરિયાત કરતાં વધુ છે. એને પોતે બેસ્ટ છે એ સાબિત કરવા સતત એની ઉંમરનાં બાળકો સાથે સ્પર્ધામાં ઊતરવું પડે છે. એના પર `સુપર કિડ' તથા પરિવારનાં પોસ્ટર બોય બનવાનું પ્રેશર છે. એવું નથી કે એમની પાસે સ્વતંત્રતા નથી, મોકળાશ નથી, પરંતુ એમનું બાળપણ સહજ નથી. ખુદને સાબિત કરવાનું પ્રેશર નર્સરીથી સીડી ચડતાં જ આવી જાય છે. એમાંય સોશિયલ મીડિયાએ આ પ્રેશર બમણું કર્યું છે. સક્સેસ અને વિક્ટરી શબ્દ એ રીતે એમને ગળથૂથીમાં પીવડાવાય છે કે તેઓ મોટા જેવા ચાલાક બનતાં જાય છે. કાચી ઉંમરે બિનજરૂરી માહિતી એમના મગજમાં એટલી બધી ઠલવાય છે કે તેઓ ખુદ આપણાં મા-બાપ હોય એમ વર્તે છે. ટેક્નોલોજીએ એમને ઘણું આપ્યું છે, પરંતુ એમનું બાળપણ-નિર્દોષતા-અલ્લડતા છીનવી લીધી છે. ઇન્સ્ટા, રિઆલિટી શો કે સ્પોર્ટ્સમાં ફેન ક્લબ ધરાવનારાં બાળકોની માનસિક તાણ પ્રસિદ્ધિના પાવર હેઠળ દબાઈ જાય છે. બાળકને બાળક ન રહેવા દેવાથી જ આજે બાળકો પણ ડિપ્રેશનમાં સરે છે. ડ્રગ્ઝ અને ક્રાઇમ તરફ વળે છે.
બાળકમાં બાળપણ જળવાઈ રહે એ માટે કેટલાક પ્રયાસો ભેગા મળીને કરવા પડશે. જેમ કે,
બાળક જેવું છે તેવું સ્વીકારો. જાડું-પાતળું, હોશિયાર-ઠોઠ, શાંત-ચબરાક. એ બાળક છે એટલે ચાહવા યોગ્ય જ છે. સતત જજમેન્ટલ બનીને એના કુમળા મગજ પર લેબલિંગના હથોડા મારવાથી એની નિર્દોષતા લોહીલુહાણ બને છે.
જીવનની કઠિન વાસ્તવિકતાઓ જેમના જીવનમાં છે એમનો ભરોસો જિંદગી પર ટકી રહે એ માટે ભવિષ્યનો આશા નામનો દીપક જલતો રહે એવા પ્રયાસો કરવા જરૂરી છે. આપણું નસીબ ખરાબ છે કે દુનિયા ખરાબ છે એવું બાળકના મગજમાં ઠસાવવાને બદલે આ સ્થિતિ બદલાશે, બદલાઈ શકે છે એવી હૈયાધારણ આપો. અભાવ એના માટે નકારાત્મકતા નહીં, પણ કંઇ કરવાના જુસ્સાને બરકરાર રાખે એવી ધરપત આપો. દુનિયામાં ખરાબ છે તો સારું પણ છે અને દુઃખ પછી સુખ પણ છે એ વાત વાર્તાઓ અને ઉદાહરણો દ્વારા સતત સહજ રીતે સમજાવતાં રહો.
ગરીબ કે ધનવાન કોઇ પણ પરિવારનાં બાળકો માટે પેરેન્ટ્સનો સમય અને સાથ મોટી દવા છે, પણ આ સાથમાં પ્રેમ જોઇએ ટીકા નહીં, મસ્તી જોઇએ સતત સલાહ નહીં. બાળકને શિસ્ત અને સદાચારના પાઠ સલાહની રીતે નહીં, પરંતુ પોતાના આચરણ દ્વારા શીખવવા જોઇએ. બાળકો પરિપક્વ ન બને ત્યાં સુધી એમની સાથે વીતાવેલો સમય લાગણી અને મજાથી ભરપૂર હોવો જોઇએ.
બાળકો ઘરના લોકો સાથે કમ્ફર્ટેબલ ફીલ કરે એવું વાતાવરણ હશે તો આભાસી દુનિયા યાનિ સોશિયલ મીડિયા-ગેમ્સ, ચેટિંગને બદલે લોકો સાથે પ્રવૃત્તિ કરવાનું પસંદ કરશે અને જીવનને વધુ સ્વસ્થ અને સુંદર બનાવવાની દિશામાં આગળ વધશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો