શિયાળાની ઋતુ હોય અને `સરસોં કા સાગ' (સરસવનું શાક) તથા મકાઈનો રોટલો મળી જાય તો પછી પૂછવું જ શું? રસપ્રદ વાત તો એ છે કે આ વાનગી માત્ર ભારતમાં જ નહીં, પણ વિદેશોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આજે આ વાનગી સમગ્ર વિશ્વમાં પંજાબની ઓળખ બની ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે મકાઈ અને સરસવ બંનેનો ઈતિહાસ મૂળ પંજાબ સાથે જોડાયેલો નથી?
ઉત્તર ભારતમાં શિયાળો શરૂ થતાં જ ઘરે-ઘરે આ વાનગી બનવા લાગે છે. આજે આ વાનગી એટલી લોકપ્રિય છે કે દુનિયાની મોટી મોટી રેસ્ટોરાંના મેનૂમાં પણ જોવા મળે છે. આજે જાણીએ મકાઈના રોટલા અને સરસોંના સાગ વિશેની કેટલીક અજાણી વાતો...
મેક્સિકોથી ભારત આવી મકાઈ
સૌથી પહેલાં મકાઈના રોટલાની વાત કરીએ. એ વાતમાં કોઈ શંકા નથી કે પંજાબ જેવો સ્વાદિષ્ટ મકાઈનો રોટલો બીજે ક્યાંય નથી મળતો, પરંતુ શું તમે જાણો છો કે મકાઈના મૂળ પંજાબ કે ભારત નહીં, પણ યુરોપ અને અમેરિકા સાથે જોડાયેલાં છે?
મકાઈ લગભગ 400 વર્ષ પહેલાં જ ભારતમાં આવી હતી. ઇતિહાસકારોના મતે મકાઈના દાણા 16મી સદીમાં યુરોપથી ભારત આવ્યા હતા. મેક્સિકો અને દક્ષિણ આફ્રિકામાં પણ તેનું મોટા પાયે ઉત્પાદન થતું હતું. એવું માનવામાં આવે છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે શરણાર્થીઓ દ્વારા આ વાનગી (મકાઈનો રોટલો) વધુ પ્રચલિત થઈ. આ શરણાર્થીઓમાં મોટાભાગના લોકો પંજાબના હતા અને ધીરે-ધીરે મકાઈનો રોટલો પંજાબી ભોજનનો અભિન્ન અંગ બની ગયો.
સદીઓ જૂનો છે સરસોંના સાગનો ઈતિહાસ
ભારતના અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ પ્રકારના `સાગ' (પાંદડાંવાળાં શાક) બને છે. જેમ પંજાબ સરસવના શાક માટે જાણીતું છે, તેમ ઉત્તર પ્રદેશમાં લાલ ચોળીનું શાક અને અન્ય વિસ્તારોમાં પાલકનું શાક પ્રખ્યાત છે. સરસોંનું સાગ એટલે સરસવનાં પાંદડાંમાંથી બનનારી વાનગી. ભારતમાં પજાંબ-હરિયાણામાં સદીઓથી સરસવની ખેતી કરવામાં આવે છે. સરસવના છોડનો દરેક ભાગ ઉપયોગી છે - પાંદડાં શાક માટે, બીજ મસાલા અને તેલ માટે તથા તેલ કાઢ્યા પછી વધતો ખોળ પશુઓના ખોરાક માટે વપરાય છે. સરસવના શાકનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે. જેમ કે, સરસોંના સાગનો ઉલ્લેખ પહેલીવાર ઈ. પૂર્વે ત્રીજી શતાબ્દીમાં લખાયેલા પુસ્તક `અચારાંગ સૂત્ર'માં કરવામાં આવ્યો હતો, જેમાં ધર્મ અને જૈન જીવનશૈલીની વ્યાખ્યા કરવામાં આવી છે. આ સિવાય લગભગ 2,500 વર્ષ પહેલાં લખાયેલા આ આયુર્વેદિક ગ્રંથ `સુશ્રુત સંહિતા'માં પણ સરસવના ગુણોનું વર્ણન છે. જોકે, આધુનિક સમયમાં આ કેવી રીતે પંજાબની વિખ્યાત ડિશ બની ગયું તેના વિશે ખાસ કોઈ જાણકારી ઉપલબ્ધ નથી, પરંતુ એ વાત સો ટકા સાચી કે સરસોંનું સાગ માત્ર સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
સરસવ : એક `સુપર ફૂડ'
સરસવનું શાક માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે. તેને `સુપર ફૂડ' માનવામાં આવે છે, કારણ કે
તેમાં વિટામિન A અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે.
શિયાળામાં થતી શરદી-ઉધરસ જેવી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.
તે શરીરને અંદરથી ગરમી પૂરી પાડે છે.