હિન્દી ફિલ્મના "સાથી હાથ બઢાના'' ગીતમાં ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવતનો ભાવ રહેલો છે. દુનિયામાં સદ્કાર્યો માટે પણ એ ગીત એટલું જ પ્રસ્તુત બની રહે છે. આખી દુનિયામાં આર્થિક અસમાનતા ખૂબ જ મોટી છે. એ ખાઈને પૂરવા માટે સખાવતનો મહિમા રહ્યો છે. એક જ વ્યક્તિ પાસેથી મોટું દાન મળે એવી સંભાવના ઓછી હોય છે, ત્યારે અનેક લોકો પાસે થોડું થોડું મેળવી મોટાં સખાવતી કાર્યો કરી શકાય છે, એ પુરવાર થયેલી હકીકત છે. હા, દરેકનો એ રીતે દાન મેળવવાનો માર્ગ અલગ અલગ હોય છે. બ્રિટનમાં દાન મેળવવાનો એવો એક અનોખો પ્રયાસ એટલે મેલ્ડોન મડ રેસ!
નામ પ્રમાણે જ મેલ્ડોન મડ રેસમાં બ્રિટન જ નહીં, આસપાસના દેશોના અનેક લોકો કાદવમાં દોડવા માટે દર વર્ષે એક વખત ભેગા થાય છે. આપણે ત્યાં પહેલાં રસ્તા પેવર બ્લોકથી જમીન ઢાંકી દેવાનું ચલણ ન હતું, ત્યારે ચોમાસામાં કાદવ કીચડમાંથી જવા-આવવાનું રહેતું. જોકે, હવે તો ગામડાના લોકો પણ કીચડમાંથી ચાલવાનું પસંદ કરતા નથી. લંડનની નજીકમાં મેલ્ડોન નગરની પાસેથી બ્લેકવોટર નદી વહે છે. દરિયામાંથી ભરતી પતે એટલે નદીના કિનારે પાણી ઓછા થઈ કાદવ થઈ જાય છે. બસ એ જ કીચડમાં લોકો દોડવા માટે ભેગા થતા હોય છે. એ ઉપરાંત કિનારે કાદવમાં શરીરે ઘસડાઈને પણ આગળ વધવાનું હોય છે! બ્રિટન, ઈટાલી અને જર્મની સહિતના આસપાસના સેંકડો લોકો આ દોડમાં ભાગ લેવા આવતા હોય છે. એ દોડ કંઈ જેવી તેવી નથી.
પૂરા 400 મીટરની એ દોડ છે! ફક્ત કાદવમાં દોડવાનું જ હોય તો મજા શું આવે? એટલે જ આયોજકો દર વર્ષે સાવ અનોખા પોશાક પહેરીને સ્પર્ધકોએ દોડ લગાવવાની હોય છે. સુપરહીરોથી માંડીને કેળા જેવો પોશાક પહેરીને સ્પર્ધકોએ કીચડમાં ઊતરીને દોડવાનું હોય છે. ચિત્રવિચિત્ર કપડાં પહેર્યાં હોવાને કારણે દોડવાનું મુશ્કેલ થઈ જતું હોય છે. કાદવમાં પગ ખૂંપી જતા હોય એ મુશ્કેલીની સાથે સાથે આખા શરીર પર કીચડ લાગી જતો હોય, તેથી જોવા આવનારાઓ માટે આ દોડ મનોરંજક બની જતી હોય છે. દર વર્ષે ભરતી અને ઓટને ધ્યાનમાં રાખીને આ દોડ વસંતઋતુમાં એટલે કે એપ્રિલ કે મેમાં યોજાતી આ મડ રેસની શરૂઆત તો છેક 1973માં થઈ હતી. એ સમયે પબમાં બેઠાં બેઠાં જુવાનિયાઓ વચ્ચે નદીકિનારે કાદવમાં દોડ લગાવવાની શરત લાગી હતી. એ શરતથી શરૂ થયેલી એ મડ રેસ આજે પણ ચાલુ છે. એ દોડ જોવા માટે હજારો લોકો એકત્ર થતા હોય છે.
આ સ્પર્ધામાં હાર-જીતનું મહત્ત્વ જ નથી, પરંતુ શરીરે કીચડ લાગે ત્યારે લોકો એવા ચિત્રવિચિત્ર દેખાતા હોય છે કે લોકો હસીહસીને બેવડ વળી જતા હોય છે. એમાંથી પોતાની જાત પર હસવાનું પણ શીખવા મળે છે. આ દોડ માટે આખું વર્ષ મહેનત કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ આ દોડ માટે અવનવા પોશાક તૈયાર કરવાથી માંડીને તેની જાહેરાતો કરવાની હોય છે. આયોજન સુપેરે પાર પડે એટલું પૂરતું નથી, પરંતુ એ આયોજન પાછળનો ઉમદા હેતુ પણ સફળ થવો જોઈએ. હા, આ કીચડમાં દોડીને આખા શરીરે કાદવ લપેટાઈ જાય અને ચિત્રવિચિત્ર દેખાય એટલે લોકોને મજા પડી જાય એટલું પૂરતું નથી. એ મનોરંજનની પાછળનો મૂળ હેતુ તો ઉમદા કાર્યો માટે દાન મેળવવાનો છે.
દુનિયામાં દાનનો મહિમા છે. આજની ભાષામાં જેને ક્રાઉડ ફંડિંગ કહે છે, એ પ્રથા અનેકરૂપે વર્ષોથી જોવા મળે છે. મડ રેસ એવી જ એક પ્રથા બની ગઈ છે. સારાં કામો કરવા માટે દરેકની હિસ્સેદારી હોય અને દાન પણ આસાનીથી લોકો આપી શકે એ માટે આ રેસ જોનારાઓ, ભાગ લેનારાઓ અને તેનું આયોજન કરતી સંસ્થાઓ દાન ઉઘરાવવાનું કામ કરે છે. એ દાન થકી બ્રિટનમાં આર્થિક રીતે નબળા લોકો માટે અનેક સેવાકીય કામો થતા હોય છે. આખરે એકબીજાને સાથ આપ્યા વિના કોઈ પણ રેસ ક્યાં જીતી શકાય છે?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો