હેલો મિત્રોઝ, હું છું મમરો. એ જ મમરો જેને તમે રોજે મુઠ્ઠા ભરી ભરીને ખાઓ છો ને પછી કહો છો, `યે દિલ માંગે મોર મમરા.' આજે હું મારી આત્મકથા ઉર્ફે `મમરાત્મકથા' તમારી સમક્ષ ખુલ્લી મૂકું છું.
હું ચોખાકુળનો વંશજ છું. કોઈ સાધુ બને તે પહેલાંના એના જીવનને પૂર્વાશ્રમ કહેવામાં આવે છે. હું મમરો મારા પૂર્વાશ્રમમાં પાતળો ચોખ્ખો ચોખો હતો, પણ પછી `વન ફાઇન મોર્નિંગ' મને અને મારા ભાઈઓને ગરમ તવા પર ગરમ રેતીમાં કે ગરમ મીઠામાં નાખવામાં આવ્યા અને અમે બધા ફૂલીને પાતળા ચોખામાંથી મમરાની જમાતમાં `કન્વર્ટ' થઈ ગયા. એ દિવસે સમજાયું કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ગરમી પકડે તો ફૂલીને કંઈક બીજું જ બની જાય છે.
અંગ્રેજીમાં મને `પફ્ડ રાઈસ' કહે છે. મને તો આ નામ થોડું ફૂલેલું લાગે છે, પણ ચાલે, વિદેશમાં નામ હોવું એ પણ ગર્વની જ વાત છેને? સાચું કહું મિત્રો, અમે મમરા તો એકદમ હલકા છીએ. અરે ભાઈ, અમે હલકા કેરેક્ટરના છીએ એવું નથી કહેતો. હું એમ કહું છું કે અમે મમરા પચવામાં ખૂબ જ હલકા છીએ. વળી, ઓછા ભાવમાં મળતા હોવાથી અમે દરેક ઘરમાં લોકપ્રિય પણ છીએ. વળી, અમારું આયુષ્ય પણ લાંબું છે. ફૂડ એક્સપર્ટ કહે છે અમારી શેલ્ફ લાઇફ લાંબી છે એટલે લાંબા સમય સુધી હવાચુસ્ત ડબ્બામાં આરામથી પડ્યા રહીએ છીએ. આમ તો અમને રાંધ્યા વગર પણ ખાઈ શકાય છે, પણ સાચી મજા તો ત્યારે આવે જ્યારે મમરાને વઘારવામાં આવે. થોડું તેલ, રાઈ, લીલાં મરચાં, મીઠો લીમડો, સિંગ-ચણા અને બસ, પછી હું બની જાઉં સૌના દિલનો રાજા `વઘારેલા મમરા'.
મારી એક મોટી સમસ્યા છે. મારું સ્ટેટસ નક્કી જ નથી થતું! હું મુખ્ય વાનગી છું કે સાઇડ ડિશ? નાસ્તો છું કે ભોજન? લોકો ખાવા બેસે ત્યારે `થોડા વઘારેલા મમરા લઈએ' કહીને શરૂ કરે છે અને પછી મમરાનો આખો ડબ્બો ઝાપટી જાય છે! મને ખાવાનું શરૂ કરનાર અટકવાનું નામ જ નથી લેતો. લોકો બુકડા ભરી ભરીને ખાય તો પણ ધરાતા જ નથી. એક ભજન છે કે, `હરીને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે.' તો મારા માટે એટલે કે મમરા માટે એવું ભજન બનાવી શકાય કે `મમરાને ખાતાં હજી કોઈની ભૂખ ભાંગતા નથી જાણી રે.'
દોસ્તો, હું માત્ર મમરો નથી, હું તો મલ્ટિ ટેલેન્ટેડ છું! મારી ગળી લાડુડી બને છે, ચિક્કી બને છે. ભેળમાં જાઉં તો હું ચટપટો બની જાઉં. ચેવડામાં જાઉં તો હું ક્રિસ્પી હીરો બની જાઉં અને `સેવ મમરા?' અરે! એ તો મારું `ધુરંધર' ફિલ્મી બ્લોક બસ્ટર વર્ઝન છે.
ક્યારેક તબિયત સારી ન હોય તો લોકો કોરેકોરા મમરા પણ ખાઈ જાય છે, કેમ કે આયુર્વેદની દૃષ્ટિએ મમરા `સુપાચ્ય' ખોરાક છે. ક્યારેક લોકો મારા ભુક્કા બોલાવી ભેળવીને એના પાઉડરને છાશમાં નાખી છાશને રગડા જેવી બનાવે છે.
મારી એક ખાસ વાત છે. હું જોડાણ કરાવવામાં નિષ્ણાત છું. જેમ અમુક સેવાભાઈ લોકો સમાજના વિવિધ વર્ગોને જોડવાનું કામ કરે છે એમ હું પણ વાનગીઓમાં બાઇન્ડિંગ એજન્ટનું કામ કરું છું. ભેળ હોય, ચેવડો હોય કે લાડુ હું બધાને એકસાથે રાખું છું. મારા વગર તો ઘણી વાનગીઓનો ફેમિલી ફોટો અધૂરો લાગે છે.
અમે મમરા આખા ભારતમાં ખવાઈએ છીએ. ગુજરાતથી લઈને બંગાળ સુધી, દરેક જગ્યાએ `અપૂન ને એન્ટ્રી પાડેલા હૈ' એટલે એમ કહી શકાય કે રાષ્ટ્રીય એકતામાં મારો મોટો ફાળો છે. રાજકારણીઓ દેશમાં એકતા લાવે કે ન લાવે, પણ મમરા તો દેશને જોડે જ છે.
અને છેલ્લે એક સિક્રેટ - અન્નપૂર્ણા દેવીના મારા પર ચાર હાથ છે, એટલે જ હું ક્યારેય ખૂટતો નથી. તમે જેટલું ખાઓ, હું એટલો જ વધી જાઉં છું!
તો આગળથી જ્યારે તમે મમરા ખાઓ ત્યારે યાદ રાખજો કે આ મમરો પણ એક સંઘર્ષમય જીવન જીવીને તમારા થાળીમાં આવ્યો છે. પછી વધુ એક બુકડો મમરાનો મારી લેજો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો