વિશ્વપ્રસિદ્ધ અમેરિકન પર્વતારોહક એલેક્સ હોનોલ્ડે ફરી એકવાર અશક્યને શક્ય કરી બતાવ્યું છે. `ફ્રી સોલો' (Free Solo) ક્લાઇમ્બિંગના કિંગ ગણાતા હોનોલ્ડે તાજેતરમાં તાઇવાનની આઇકોનિક ગગનચુંબી ઈમારત `તાઇપેઇ 101' પર કોઈ પણ જાતની સેફ્ટી, દોરડા કે હાર્નેસ વિના ચઢાણ કરીને નવો વિશ્વવિક્રમ રચ્યો છે. હોનોલ્ડે અગાઉ અમેરિકાના `અલ કેપિટન' પહાડને સુરક્ષા વિના સર કર્યો હતો.

તેમણે આ વખતે કુદરતી ખડકોને બદલે કોંક્રીટ અને કાચની સીધી દીવાલો પસંદ કરી હતી. ગત 25 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયેલી આ ઐતિહાસિક ઇવેન્ટમાં તેમણે 1667 ફૂટ ઊંચી અને 101 માળ ધરાવતી તોતિંગ ઈમારતને આશ્ચર્યજનક ઝડપે સર કરી હતી. પહાડો પર પથ્થરોની કુદરતી પકડ (grips) મેળવવી અલગ બાબત છે, પરંતુ કાચ જેવી લીસી ઈમારત પર સેંકડો ફૂટ ઊંચે પકડ જમાવવી અત્યંત જોખમી હોય છે. તેમ છતાં હોનોલ્ડે અદ્ભુત માનસિક સંતુલન અને શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર સાહસનું જીવંત પ્રસારણ એક ઓટીટી એપ પર કરવામાં આવ્યું હતું, જેણે દુનિયાભરના લોકોને શ્વાસ થંભાવી દેવા મજબૂર કર્યા હતા. તેમની આ સિદ્ધિ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ માનવ મર્યાદાઓને પડકારતું એક અનોખું ઉદાહરણ છે.

`સ્કિન સ્કેન'થી જાણી શકાશે હૃદયની સ્થિતિ

જર્મનીના સંશોધકોએ તબીબી આલમમાં એક ચમત્કારિક શોધ કરી છે, જેનું નામ છે `Fast-RSOM'. આ એક એવી અત્યાધુનિક ઈમેજિંગ સિસ્ટમ છે, જે લોહીનો નમૂનો લીધા વિના કે શરીરમાં કોઈ પણ સોય ભોંક્યા વિના, માત્ર ચામડીના સ્કેનિંગ દ્વારા ગંભીર અને જીવલેણ બીમારીઓનું નિદાન કરી શકે છે. આ ટેક્નોલોજીનો મુખ્ય આધાર આપણી ચામડી છે. ચામડીની અંદર રહેલી સૂક્ષ્મ રક્તવાહિનીઓ (Blood Vessels) આપણા સમગ્ર સ્વાસ્થ્યનો અરીસો હોય છે. જ્યારે શરીરમાં હૃદયરોગ, હાઈ બ્લડપ્રેશર કે ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે, ત્યારે સૌથી પહેલાં ફેરફાર આ નાની નસોમાં જોવા મળે છે. સામાન્ય પદ્ધતિઓમાં આ ફેરફારો પકડવા મુશ્કેલ હોય છે, પરંતુ Fast-RSOM સિસ્ટમ પ્રકાશ અને ધ્વનિ તરંગોનો ઉપયોગ કરીને આ ફેરફારોને સેકન્ડોમાં ખૂબ જ સચોટ રીતે પકડી પાડે છે. આ સિસ્ટમની સૌથી મોટી ક્રાંતિ એ છે કે તે રોગનાં લક્ષણો બહાર દેખાય તે પહેલાં જ અંદર ચાલી રહેલી ગરબડ વિશે ચેતવણી આપી દે છે. આનાથી ડોક્ટરો દર્દીની સારવાર ખૂબ વહેલી શરૂ કરી શકશે, જેનાથી ભવિષ્યમાં આવનારા હાર્ટએટેક કે સ્ટ્રોક જેવાં જોખમો નિવારી શકાશે. આમ, જર્મનીમાં બનેલી આ ટેક્નોલોજી આવનારા સમયમાં મેડિકલ સાયન્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

ચીનમાં દહેજમાં `ચેમ્બર પોટ' અપાય છે

ચીનના હુનાન પ્રાંતનાં કેટલાંક ગામડાંઓમાં લગ્ન સમયે એક અત્યંત વિચિત્ર લાગતી, પણ રસપ્રદ પરંપરા આજે પણ જોવા મળે છે. અહીં જ્યારે નવવધૂ સાસરે જાય છે, ત્યારે તે દહેજમાં સાથે લાલ રંગનો એક `ચેમ્બર પોટ' (પેશાબ કરવાનું વાસણ/નાનું સંડાસ) પણ ખાસ સાથે લઈ જાય છે. જેનો હેતુ `સંતાનસુખ' છે. આ લાલ પોટને `વંશવૃદ્ધિની ડોલ' (Bucket of Descendants) માનવામાં આવે છે. મૂળ સાસરીમાં લવાતા આ પોટમાં લાલ કવરમાં પૈસા, ફળ, શુકનવંતા ઈંડાં અને ડ્રાયફ્રૂટ્સ ભરવામાં આવે છે, જેથી નવદંપતીનું જીવન સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે છે અને તેઓ જલદી જ તંદુરસ્ત સંતાનોનાં માતા-પિતા બને છે. આજે પણ ત્યાંના ગ્રામીણ વિસ્તારોમાં આ રિવાજ શુકન તરીકે સચવાયેલો છે. પિયર પક્ષ આ ભેટ આપીને દીકરીને આશીર્વાદ આપે છે કે તેનું સાસરું ધન અને બાળકોના કલરવથી ગુંજતું રહે. આમ, આ સામાન્ય દેખાતું વાસણ ત્યાંના લોકો માટે ભવિષ્યની પેઢી અને ફળદ્રુપતાનું પવિત્ર પ્રતીક ગણાય છે. નોંધનીય છે કે, દશકો પહેલાં આ ચેમ્બર પોટનો ઉપયોગ સ્ત્રીઓ રાત્રિના સમયે કુદરતી હાજતે બહાર ન જવું પડે તે માટે કરતી હતી અને ત્યારબાદ તે જ માનવમળનો ઉપયોગ ખેતીવાડીમાં ખાતર તરીકે કરવામાં આવતો હતો. જોકે, હવે આધુનિકતા હોવાથી પરંપરા યથાવત્ છે, પરંતુ તેનો ઉપયોગ બીજી રીતે કરાય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો