કરિયર ફર્સ્ટ. એ પછી ફેમિલીની વાત આવે. છોકરીઓ પણ હવે ભણીગણીને ઠરીઠામ થાય પછી જ લગ્ન કરવા માંગે છે, ત્યારે નોકરીનો તણાવ અને એકલા રહેવાથી પેદા થતી એકલતા, કંટાળો અને નિરાશાથી દૂર રહેવા માટે કોઈક એવું જોઈએ.
જે લાગણીથી ભીંજવી દે. આપણા મુન્નાભાઈની જાદુની ઝપ્પી એમાં કારગત નીવડે છે. હવે એ ઝપ્પી જ અનોખો બિઝનેસ થઈ ગઈ છે અને એમાંથી શરૂ થયો છે એક નવો ટ્રેન્ડ મેન મમ્સ! હવે છોકરીઓ પણ સમોવડી બનવા માંડી છે. સારું ભણતર મેળવીને બિઝનેસ કે નોકરી કરવા ઈચ્છે છે. એ થકી આર્થિક સ્વતંત્રતા મેળવીને ઠરીઠામ થયા બાદ જ સંસાર માંડવા ઈચ્છે છે, પરંતુ અભ્યાસ બાદ નોકરી કરવી એટલે તણાવનો બીજો એક તબક્કો શરૂ થતો હોય છે. નોકરી કરવી એટલે વાસ્તવમાં તો એક પ્રકારની ગુલામી જ હોય છે. કર્મચારી સાથે ઝઘડો થાય, કોઈ ભૂલ થાય તો બોસ ખખડાવી નાંખે, આખો દિવસ કામ જ કામ કર્યા બાદ સાંજે થાકી ગયા હોય, ને પાછું ઘરે જાવ ત્યાં પણ જઈને કામ કરવાનું હોય, ને એમાં પાછી એકલતા ઘેરી વળે. ચારે બાજુ નિરાશાનો માહોલ હોય એવી યંત્રવત્ જિંદગી થઈ ગઈ હોય, ત્યારે કંટાળો જ આવે. કોઈક એવું હોય, જે માથે હાથ પસરાવીને હળવા કરી દે એવી હૂંફની જરૂર હોય, પણ કરિયરની હાય હાયમાં ક્યાંક બીજા શહેરમાં રહેતા હોય, ત્યારે પરિવારનો એ પ્રેમ કે હૂંફ તો મળે જ ક્યાંથી?
ચીન વિકાસના પથ પર ભારે દોડ લગાવી રહ્યું છે, તેની કિંમત યુવા પેઢી ચૂકવી રહી છે. ઓફિસમાં ઓવર ટાઈમથી માંડીને બ્રેકઅપ સુધીની તમામ સ્થિતિઓમાં છોકરીઓ એકલાપણું મહેસૂસ કરતી હોય છે. એ વખતે કોઈ પુરુષ પાંચ મિનિટ નિરાશ થયેલી યુવતીને ગળે લગાડીને તેને એક પુરુષ મા બનીને હૂંફ આપે તો જાણે જીવનમાં થોડી હળવાશ આવી જાય. બસ, એ જ વિચારમાંથી ચીનમાં હવે મેન મમ્સનો વિચાર પૂરજોશમાં વાસ્તવિક બની રહ્યો છે. દેખાવમાં હિમેન જેવા લાગતા મસ્ક્યુલર પુરુષો પ્રેમથી વાતો કરવાની આવડત ધરાવતા હોય છે. તેને ભેટો, તેની સાથે વાત કરો એટલે તમારો થાક, તણાવ અને નિરાશામાંથી રાહત મળી જાય.નોકરીમાંથી થાકીને ઘરે આવ્યા હોય કે બોસ ખિજાયા હોય, કોઈ સાથે ઝઘડો થયો હોય કે પ્રેમમાં બ્રેક અપ થયું હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ ચારે બાજુ નિરાશા છવાયેલી હોય છે. એવી મન:સ્થિતિમાંથી બહાર આવવું જરૂરી હોય છે.
એવી જ નિરાશાની ગર્તામાં એક ડોક્ટરેટની વિદ્યાર્થિની ધકેલાઈ ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું કે, ડોક્ટરેટની થીસિસ લખતાં એવી કંટાળી છે કે કોઈ તેને જાદુની ઝપ્પી આપે. એ માટે તે પૈસા પણ આપવા તૈયાર છે. બસ, એ પોસ્ટ વાઇરલ થઈ એ સાથે જ અનેક છોકરીઓએ એવી ઝપ્પી શોધવા માટે ચીનના સોશિયલ મીડિયાને ફંફોસી માર્યું. એમાંથી આ એક નવો જ બિઝનેસ શરૂ થયો છે. નિરાશ થયેલી યુવતીઓ પહેલાં તો આ મેન મમ્સ સાથે ચેટિંગ કરીને તેના સ્વભાવ, શરીર સૌષ્ઠવ અને વાત કરવાની રીતભાત જાણી લે. જો છોકરીને મેન મમ મનમાં વસી જાય તો કોઈ મેટ્રો સ્ટેશન, શોપિંગ મોલ કે પાર્ક જેવાં જાહેર સ્થળે મળવાનું ગોઠવાતું હોય. મળવાનું નક્કી થાય એટલે પેલો પુરુષ પણ સારાં કપડાં પહેરી પરફ્યૂમ લગાવીને જાણે ઈમોશનલ થેરાપિસ્ટ હોય એ રીતે તૈયાર થઈ મળવા જતો હોય છે. નક્કી કરેલા સ્થળે મેન મમ પહોંચે એટલે `ભાડે રાખનારી' યુવતી તેને ભેટે કે તેના ખભા પર માથુ રાખીને હૈયાવરાળ ઠાલવે. સાથે બેસીને રેસ્ટોરાંમાં કોફી પીએ કે બાગમાં જઈને વાતો કરતો રહે. બસ, ઊભરો ઠલવાઈ જાય એટલે હળવાફૂલ થઈ જવાય.
જાહેર સ્થળે જ મળવાનું હોઈ યુવતીઓની સલામતી પણ અકબંધ રહેતી હોય છે, તો પેલો પુરુષ વાતો સાંભળીને પાછો અજનબી જ બની જાય. પરિવારથી દૂર રહેવાનો આ મોટો ગેરફાયદો સુખ કે દુઃખ શેર કરવા માટે તમારી પાસે કોઈ જ નથી, ત્યારે એ બધી લાગણીઓનું મનમાં ચાલતું તોફાન માનસિક રીતે નુકસાન કરતું હોય છે. એ સંજોગોમાં આ રીતે હળવા થઈ જવાતું હોય તો ખોટું શું? એ સાંભળે, સાંત્વનાનો હોંકારો ભણે, તમે હળવા થઈ જાવ એટલે તમને ઓળખતો ન હોય એ રીતે ચાલતી પકડે અને એ પુરુષને પણ એ પાંચ મિનિટના 600 રૂપિયા મળી જાય, છેને નવો બિઝનેસ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો