ભારતનું હૃદય ગણાતા મધ્યપ્રદેશમાં વિંધ્યાચલ પર્વતમાળાના ખોળે વસેલું માંડુ (માંડવગઢ) એક અદ્ભુત ઐતિહાસિક સ્થળ છે. ઇન્દોરથી આશરે 100 કિલોમીટરના અંતરે આવેલું આ સ્થળ તેના ભવ્ય સ્થાપત્ય, પ્રેમકથાઓ અને પ્રાકૃતિક સૌંદર્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. માંડુને ભૂતકાળમાં `શાદિયાબાદ' એટલે કે `આનંદની નગરી' તરીકે ઓળખવામાં આવતું હતું અને આજે પણ ત્યાંનાં ખંડેરો અને મહેલો તે ભવ્યતાની સાક્ષી પૂરે છે.

પ્રેમ અને રોમાન્સનું પ્રતીક

માંડુનો ઇતિહાસ રાણી રૂપમતી અને માળવાના સુલતાન બાઝ બહાદુરની અમર પ્રેમકથા સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે સંગીતપ્રેમી બાઝ બહાદુર રાણી રૂપમતીના અવાજ અને સૌંદર્યથી મોહિત થઈ ગયા હતા. રાણી રૂપમતી પવિત્ર નર્મદા નદીનાં દર્શન કર્યા વિના ભોજન ગ્રહણ કરતાં ન હતાં, તેથી બાઝ બહાદુરે પર્વતની ટોચ પર `રૂપમતી પેવેલિયન' બનાવડાવ્યું હતું, જ્યાંથી નર્મદા નદીનાં દર્શન થઈ શકે. આજે પણ આ મહેલ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.

અજોડ સ્થાપત્ય કળા

માંડુ એ અફઘાન સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે. અહીંનાં સ્થાપત્યો મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલાં છે: રોયલ એન્ક્લેવ, સેન્ટ્રલ ગ્રૂપ અને રેવા કુંડ ગ્રૂપ.

જહાજ મહેલ : આ માંડુનું સૌથી સુંદર આકર્ષણ છે. બે કૃત્રિમ તળાવો `કપૂર તળાવ' અને `મુંજ તળાવ'ની વચ્ચે બનેલો આ મહેલ દૂરથી જોતાં એવું લાગે છે કે જાણે પાણીમાં કોઈ વિશાળ જહાજ તરતું હોય. ચોમાસામાં જ્યારે બંને તળાવો ભરાઈ જાય છે ત્યારે આ દૃશ્ય અદ્ભુત લાગે છે.

હિંડોળા મહેલ : આ મહેલની દીવાલો 77 ડિગ્રીના ખૂણે નમેલી છે, જેના કારણે તે હવામાં ઝૂલતા હિંડોળા (ઝૂલા) જેવો ભાસ કરાવે છે. આ મહેલનો ઉપયોગ રાજાના દરબાર તરીકે થતો હતો.

હોશંગ શાહનો મકબરો : ભારતની સૌથી પહેલી સંગેમરમર(આરસપહાણ)ની ઇમારત તરીકે આ મકબરો જાણીતો છે. એવું માનવામાં આવે છે કે મુઘલ બાદશાહ શાહજહાંએ તાજમહાલ બનાવવા માટે અહીંથી પ્રેરણા લીધી હતી અને પોતાના કારીગરોને આ મકબરાનો અભ્યાસ કરવા મોકલ્યા હતા.

જામા મસ્જિદ : દમાસ્કસની મસ્જિદની તર્જ પર બનેલી આ મસ્જિદ તેની વિશાળતા અને ગુંબજો માટે જાણીતી છે.

પ્રકૃતિ અને વાતાવરણ

જોકે, માંડુ બારેમાસ જોવાલાયક છે, પરંતુ ચોમાસામાં તેનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. જ્યારે વાદળો પર્વતોને સ્પર્શે છે અને મહેલો ધુમ્મસમાં ઢંકાઈ જાય છે, ત્યારે વાતાવરણ ખૂબ જ રોમેન્ટિક અને રહસ્યમય બની જાય છે. અહીં ચોતરફ લીલોતરી છવાઈ જાય છે. માંડુની બીજી એક ખાસિયત અહીં જોવા મળતા `ખુરાસાની આંબલી' છે. આ વૃક્ષો મૂળ આફ્રિકાનાં છે, પરંતુ ભારતમાં તે ભાગ્યે જ જોવા મળે છે. તેનાં ફળ ખૂબ મોટાં હોય છે અને તેને `માંડુ કી ઈમલી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

નજીકની જોવાલાયક જગ્યા

મહેશ્વર માંડુથી આશરે 40થી 45 કિમી. દૂર આવેલું છે. અહીં પહોંચતાં 1 કલાક જેટલો સમય લાગે છે. તેને પ્રાચીન સમયમાં `માહિષ્મતી' તરીકે ઓળખવામાં આવતું હતું અને તે હોલકર વંશના મહારાણી અહલ્યાબાઈ હોલકરની રાજધાની હતું. અહીંનો ભવ્ય અહલ્યા ફોર્ટ, નર્મદા ઘાટ, શિવમંદિરો તથા `મહેશ્વરી સાડી' મુખ્ય આકર્ષણો છે. આ ઉપરાંત મહેશ્વરથી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ આશરે 65 કિમી. દૂર છે અને માંડુથી તેનું અંતર આશરે 100થી 110 કિમી. છે. માંડુથી અહીં પહોંચતાં 2.5થી 3 કલાક લાગે છે. અહીંનું મમલેશ્વર મંદિર તથા ઝૂલતો પુલ દર્શનીય સ્થળો છે.