ઉનાળાની કાળઝાળ ગરમીમાં એક સળગતો પ્રશ્ન આપણને ખૂબ દઝાડતો હોય છે. એ પ્રશ્ન છે `કેરી ક્યાંથી લાવીશું?' `સરકાર ઓઈલ ક્યાંથી ખરીદશે?' એના કરતાં `આપણે કેરી ક્યાંથી ખરીદીશું?' એ સમસ્યા વધારે જટિલ છે. કેરીની ખરીદી એ સીધી સાદી ઘટના નથી. એ પરિવારની કેબિનેટ બેઠક, બજેટ સત્ર અને ગુપ્તચર વિભાગનો સંયુક્ત પ્રોજેક્ટ છે.
પ્રથમ પ્રશ્ન `ક્યાંની કેરી ખરીદવી?' કોઈ કહેશે, `તલાલાની લો', કોઈ કહેશે, `કચ્છની લો', કોઈ મોટેથી કહેશે, `વલસાડની જ લેજો હોં.' પછી તમે એનું માની વલસાડની કેરી લઈ આવો તો કોઈ ડોળા કાઢી કહેશે `ભૈ, કેરી તો રત્નાગીરીની જ લેવાય.' આના લીધે કેરી ચાહકની હાલત ભારતીય ક્રિકેટ ટીમના સિલેક્ટર જેવી થઈ જતી હોય છે. ક્યાંની લેવી અને ક્યાંની ન લેવી?
આ દરમ્યાન સોશિયલ મીડિયામાં તમારા પર કેરીની જાહેરાતોનો હુમલો શરૂ થાય છે. મોબાઇલ ખોલો કે તરત જ જાહેરાતો શરૂ થાય.`ફાર્મથી ડાયરેક્ટ કેરી.' `સો ટકા કેમિકલ ફ્રી.' `ઓરિજિનલ તલાલાની કેરી.' `મોટું ફળ, મીઠો સ્વાદ, લિમિટેડ સ્ટોક.' આ બધી જાહેરાતો જોઈને એવું લાગે કે આ જગતની તમામ કેરીઓ અહીંયાં જ મળે છે અને લોકો ભોજનમાં માત્ર કેરી જ ખાય છે.
આ દરમ્યાન શહેરમાં ચારેબાજુ કેરીની સિઝનલ દુકાનો ખૂલી જાય છે. જેના બોર્ડ પર મારેલાં હોય છે, `બેસ્ટ ક્વોલિટી, ઓરિજિનલ કેસર, સચ્ચાઈ અમારી ઓળખ.' કેરી લેવા જાઓ તો દુકાનદાર આત્મવિશ્વાસથી કહે, `ભાઈ, આંખ બંધ કરીને લઈ જાવ.' તમે આંખ બંધ કરીને લઈ જાઓ પછી ઘરે પત્ની આંખો કાઢે.
ભાવ બાબતે તો જબરો ખેલ ચાલતો હોય છે. અલગ અલગ દુકાનમાં અલગ અલગ ભાવ હોય છે. ઓનલાઇન કંઈક જુદો ભાવ હોય, ઘરે ડિલીવરી આપી જનારનો જુદો ભાવ હોય. એટલે ભાવમાં ગ્રાહક બરાબર ગૂંચવાઈ જતો હોય છે. દુકાનદારને પૂછીએ કે, `ભાવમાં આટલો ફરક કેમ છે?' તો એ કહેશે `ભાઈ, આ કેરીનો નહીં, વિશ્વાસનો ભાવ છે.' આપણને થાય, `અલ્યા, વિશ્વાસ કિલોના ભાવે બોક્સ પેકિંગમાં મળે છે?'
કેરી સાઈઝનો મુદ્દો પણ એકદમ ભેદી છે. વેપારી અને ગ્રાહક બંને મોટી સાઈઝનાં ફળ માટે ખૂબ રકઝક કરતા હોય છે. કૃષ્ણ ભગવાને ગીતામાં ભલે ફળની ચિંતા ન કરવા માટે કહ્યું હોય, પણ કેરી લેનાર તો ફળ માટે હંમેશાં ચિંતિત હોય જ છે. ગ્રાહકોની આવી માનસિકતાનો લાભ અમુક વેપારીઓ ઉઠાવતા હોય છે. એ લોકો દસ કિલોની પેટીમાં ઉપર મોટી કેરીઓ ગોઠવી નીચે નાની કેરીઓ પધરાવી દેતા હોય છે. દેખાવ પરથી કેરીનું સિલેક્શન કરતી વખતે મુરતિયા માટે કન્યા શોધતા હોઈએ એવી ફીલિંગ થતી હોય છે. અને આ બધામાં સૌથી ગંભીર મુદ્દો છે તો એ છે `કેરી કેમિકલ ફ્રી છે કે નહિ?'
બધા વેપારીઓ કહેતા હોય છે, `અમારી કેરી એકદમ નેચરલી પાકેલી છે.' પણ ચકાસવું કેવી રીતે? કેરીને પૂછવાનું કે, `બહેન, તમે કુદરતી રીતે પાકેલાં છો કે કેમિકલ મૂકીને પકવેલાં છો?'
ઘરે કેરી લઈ આવો પછી નવી જફા શરૂ થતી હોય છે. પાડોશી પૂછે, `ક્યાંથી લીધી?' આપણે કહીએ `ફલાણા પાસેથી' એટલે તરત એ કહે, `અરે! ત્યાંથી કેમ લીધી? એ તો બહુ મોંઘી આપે છે. એના કરતાં મને પૂછ્યું હોત તે પાંચસો ઓછામાં મળી જાત' એ સાંભળીને આપણને લાગે કે અમે કેરી નહીં, શેરબજારમાંથી ખોટો સ્ટોક ખરીદી લાવ્યા છીએ.
કેરીને બે-ચાર દિવસ ઘરે પકાવ્યા પછી ખાઈએ ત્યારે આપણી `કેરી ઝુંબેશ'નો અંત આવે છે. કાપીને ખાઓ અને કેરી મીઠી નીકળે તો પૂર્વજન્મનાં સત્કર્મોનું ફળ મળ્યું હોય એવું લાગે અને જો કેરી ખાટી નીકળે તો કેરી આપનારને ભાંડી, આપણા નસીબનો વાંક કાઢીએ છીએ.
સાચી વાત તો એ છે કે કેરી ખરીદવી એ લોટરી ખરીદવા જેવી ઘટના છે. કેરી આપણે ખરીદીએ, આશા પરિવાર રાખે, પરિણામ ભગવાન આપે. કેરી ખાટી નીકળે તો આપણે ક્યારેય હાર માનતા નથી. ફરીથી આપણે પ્યારી કેરીની શોધમાં લાગી જઈએ છીએ. સો, કેરી ઓન ઇટિંગ કેરી!
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો