મારિયાના ટ્રેન્ચ એવું સ્થળ છે, જ્યાં સમુદ્ર સૌથી ઊંડો છે. એ સ્થળે સમુદ્રનું તળ એટલું ઊંડું છે કે જેમાં આખો માઉન્ટ એવરેસ્ટ સમાઈ જાય!

ધરતી પર અદ્ભુત રચના જોવા મળે છે, ક્યાંક પહાડ છે, તો ક્યાંક નદી, તો વળી સમુદ્ર પણ ખરા જ. હા, ધરતી પર ત્રીજા ભાગમાં સમુદ્ર ઘૂઘવતો જોવા મળે છે, પરંતુ એ સમુદ્ર પણ વિવિધ સ્થળોએ એકસરખો નથી. ક્યાંક તે ઊંડો છે, તો ક્યાંક છીછરો છે. ધરતી પર પર્વત ગગનને ચુંબતા જોવા મળે, તો સમુદ્રની ઊંડાઈનો તો તાગ પણ મળતો નથી. સમુદ્ર આખી ધરતી પર વહેતો જોવા મળે છે, પરંતુ તેનું પેટાળ એકસરખું ઊંડું નથી. ક્યાંક સમુદ્ર છીછરો હોય છે, તો ક્યાંક ખૂબ જ ઊંડો હોય છે. વિશ્વના અન્ય રહસ્યમય સ્થળોની જેમ સમુદ્રમાં પણ એક એવું સ્થળ છે, જ્યાં સમુદ્ર સૌથી ઊંડો છે. એ સ્થળ અનેક રહસ્યો દબાવીને બેઠું છે. એમ તો સમુદ્રના નામકરણ તો થયાં છે, પરંતુ સમુદ્રમાં વિવિધ સ્થળોનાં નામ નથી. છતાં કેટલાક વિસ્તારોની ઓળખ મળી રહે એ માટે નામ અપાયા છે. વિમાન અને જહાજો માટે જોખમી એવા એટલાન્ટિક સમુદ્રના વિસ્તારને બર્મ્યુડા ત્રિકોણનું નામ આપવામાં આવ્યું છે. એ જ રીતે સમુદ્ર સૌથી ઊંડાઈ ધરાવતો વિસ્તાર મારિયાના ટ્રેન્ચ તરીકે ઓળખાય છે.

પેસિફિક મહાસાગરમાં આવેલી મારિયાના ટ્રેન્ચ વિશ્વની સૌથી ઊંડી ખાઈ છે. મારિયાના ટ્રેન્ચ પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં મારિયાના ટાપુઓથી લગભગ 200 કિલોમીટર દૂર આવેલી છે. આ ટ્રેન્ચ અર્ધચંદ્રાકાર આકારમાં જોવા મળે છે. લગભગ 2550 કિલોમીટર સુધી ફેલાયેલી આ ટ્રેન્ચ 69 કિલોમીટર પહોળી છે. એ રીતે ધરતી પર પહાડો બે ટેક્ટોનિક પ્લેટની અથડામણથી પેદા થાય છે. એ જ રીતે સમુદ્રી વિસ્તારમાં પણ બે ટેક્ટોનિક પ્લેટની અથડામણથી ક્યાંક પહાડ રચાયો છે, તો ક્યાંક ખાઈ. મારિયાના ટ્રેન્ચમાં પણ સૌથી ઊંડી ખાઈ ચેલેન્જર ડીપ નામની ખીણ છે. અમેરિકાની સાયન્સ એજન્સી નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના મતે મારિયાના ટ્રેન્ચમાં દક્ષિણ છેડે ચેલેન્જર ડીપ નામની ખીણ આવેલી છે. ચેલેન્જર ડીપ વિસ્તાર દરિયાઈ સપાટીથી 10935 મીટર ઊંડી ખીણ આવેલી છે. નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન દ્વારા આ અંદાજ ડીપ સી રિસર્ચ જર્નલમાં પ્રકાશિત સમુદ્રશાસ્ત્રીય સંશોધન પત્રો પર આધારિત છે.

જોકે, ચેલેન્જર ડીપની ઊંડાઈ ચોક્કસ કેટલી છે, એ અંગે મતમતાંર છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, 1960માં ત્યાંના પ્રથમ ક્રૂ મિશન દ્વારા ચેલેન્જર ડીપની ઊંડાઈ 10,911 મીટર હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફિરિક એડમિનિસ્ટ્રેશને ચેલેન્ડર ડીપ વધુ ઊંડી હોવાનો અંદાજ માંડ્યો છે. જોકે, ચેલેન્જર ડીપની ઊંડાઈ કેટલી છે, એ માપવું પણ એક મોટો પડકાર છે. અમેરિકાની નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન સમુદ્રની ઊંડાઈ બે રીતે માપે છે. સામાન્ય રીતે ઊંડાઈ માપવા માટે સોનારનો ઉપયોગ કરવામાં આવે છે. સોનારનો ઉપયોગ કરી સમુદ્રની ઊંડાઈ માપી શકાય છે. સોનાર બીમ ફેંકીને તે સપાટી પર અથડાઈને પાછા ઝીલવામાં આવે અને એ પરથી એ સ્થળની ઊંડાઈ માપી શકાય છે. આ ઉપરાંત દરિયાના પેટાળ પર રાખવામાં આવેલા પ્રેશર સેન્સર દ્વારા પણ પાણીની માત્રાને માપીને ઊંડાઈનો અંદાજ આપે છે.

સ્વાભાવિક જ છે કે સમુદ્રમાં જેમ ઊંડા જઈએ તેમ પાણીનું દબાણ અસહ્ય બનવા માંડે છે, તે કારણે માનવજાતે એ ઊંડાઈએ પહોંચવું ખૂબ જ જોખમી કામ છે. એમ છતાં કેટલાક સાહસિકો સમુદ્રની ઊંડાઈએ પહોંચવા માટે જાનની બાજી લગાવી દેવા પણ તૈયાર હોય છે. છતાં મારિયાના ટ્રેન્ચ સુધી પહોંચવાનું સાહસ અત્યાર સુધીમાં ફક્ત ત્રણ લોકો જ કરી શક્યા છે. એ ત્રણમાં ટાઇટેનિક ફિલ્મના દિગ્દર્શક જેમ્સ કેમેરોન, નાસાના નિવૃત્ત સમુદ્રશાસ્ત્રી ડૉ. જીન ફેલ્ડમેન અને અન્ય સંશોધક, ટેક્સાસના રોકાણકાર વિક્ટર વેસ્કોવો છે. સમુદ્રના પેટાળમાં સાવ અંધારું હોય છે, એ વિસ્તારમાં દબાણ સહન કરવું પણ મુશ્કેલ હોય છે. છતાં કેટલાય ચિત્રવિચિત્ર જીવો ત્યાં વસતા હોય છે. ભારે દબાણ હેઠળ અંધારામાં જીવન ગુજારનારી જીવસૃષ્ટિ સાવ અલગ જ હોય છે, પરંતુ એ જીવસૃષ્ટિનાં રહસ્યોનો તાગ માનવી મેળવી શક્યો નથી.