દેશ અને દુનિયામાં અનેક કિલ્લાઓ અને મહેલોની રચના કરવામાં આવી. એ દરેકની રચના અને તેની પાછળનો ઇતિહાસ અનોખો રહ્યો છે. અમુક કિલ્લા તો શૌર્યગાથાનું અમર પ્રતીક બની ગયા છે. એમાંનો એક ઇઝરાયેલમાં હજારો ફૂટની ઊંચાઇએ આવેલો મસાડા કિલ્લો છે. આ કિલ્લો માત્ર પથ્થર અને ચૂનાનું સ્થાપત્ય નથી, પરંતુ માનવ ઇતિહાસની સૌથી રોમાંચક, આશ્ચર્યજનક અને આત્મસન્માન માટે ખેલાયેલ બલિદાનની
મહાગાથા છે.
મસાડાના સ્થાપત્યનો ચમત્કાર
જુડિયાના રાજા `હેરોડ ધ ગ્રેટ'ને પોતાના શાસન સામે બળવાની અને વિદેશી આક્રમણોનો સતત ડર રહેતો હતો. આથી તેણે પોતાના માટે એક અજેય અને સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે મસાડાની પસંદગી કરી. તેનો પ્રારંભ ઇ.સ. પૂર્વે 37થી 31 વચ્ચે કરવામાં આવ્યો. વિષમ અને સૂકા રણ વિસ્તારમાં હેરોડે એક એવો આલિશાન કિલ્લો તૈયાર કરાવ્યો જે સમય કરતાં ઘણો આગળ હતો. પહાડની ધાર પર એક પછી એક નીચે ઊતરતા ત્રણ સ્તરમાં આ મહેલ બાંધવામાં આવ્યો હતો. જે એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો હતો. રણની ભીષણ ગરમી વચ્ચે પણ કિલ્લામાં રોમન શૈલીનાં સ્નાનાગારો હતાં, જેમાં ગરમ અને ઠંડા પાણીની પાઇપલાઇન સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. મસાડાનો સૌથી મોટો ચમત્કાર તેની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા હતી. અચાનક આવતાં પૂર અને વરસાદના પાણીને નહેરો દ્વારા પહાડ કોતરીને બનાવેલા વિશાળ અંડરગ્રાઉન્ડ ટાંકાઓમાં વાળવામાં આવતું. આ ટાંકાઓમાં લાખો ગેલન પાણી વર્ષો સુધી સુરક્ષિત રહી શકતું હતું. આ તો વાત થઇ પાણીની, પણ અનાજ રાખવાના ભંડારની રચના પણ અદ્ભુત રીતે કરવામાં આવી હતી. વિશાળ વખારોમાં તેલ, વાઇન, ખજૂર અને ધાન્યનો એટલો જથ્થો રાખવામાં આવતો જે હજારો લોકો માટે વર્ષો સુધી ચાલી શકે.
960 વિરુદ્ધ 15,000
મસાડાનો સૌથી રોમાંચક અને કરુણ ઇતિહાસ ઇ.સ. 70 પછી લખાયો. રોમન સામ્રાજ્યે જ્યારે જેરુસલેમ પર આક્રમણ કરી તેને તબાહ કર્યું અને યહૂદીઓના પવિત્ર મંદિરનો નાશ કર્યો, ત્યારે `ઝીલોટ્સ' તરીકે ઓળખાતા યહૂદી ક્રાંતિકારીઓનો એક સમૂહ પોતાના પરિવાર સાથે ભાગીને મસાડા પહોંચ્યો. તેમના નેતા `એલેઆઝાર બેન યૈર' હતા.
ઇ.સ. 73માં રોમન ગવર્નર ફ્લાવિયસ સિલ્વાએ મસાડા પર કબજો કરવાના હેતુથી 15,000થી વધુ સૈનિકો અને ગુલામો સાથે મસાડાને ચારેય તરફથી ઘેરી લીધો. કિલ્લાની અંદર માત્ર 960 યહૂદીઓ હતા, જેમાં મોટાભાગની સ્ત્રીઓ અને બાળકો હતાં. કુદરતી રીતે અજેય એવા આ પહાડ પર સીધો હુમલો શક્ય નહોતો. આથી રોમનોએ પહાડની પશ્ચિમ દિશામાં માટી, લાકડા અને પથ્થરોનો એક અદ્ભુત કૃત્રિમ રેમ્પ બનાવવાનું શરૂ કર્યું. મહિનાઓની મહેનત બાદ આ રેમ્પ તૈયાર થયો અને રોમનો તેમના વિશાળ યુદ્ધ મશીનો અને દીવાલ તોડવાનાં સાધનો કિલ્લાની દીવાલો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા.
આત્મસન્માન માટે મૃત્યુની પસંદગી
જ્યારે યહૂદીઓને ખાતરી થઈ ગઈ કે સવારે દીવાલ તૂટી જશે અને રોમન સૈનિકો અંદર ઘૂસી આવશે, ત્યારે તેઓ જાણતા હતા કે તેમનું ભવિષ્ય શું હશે. પુરુષોની હત્યા, સ્ત્રીઓ પર અત્યાચાર અને બાળકોને રોમન સામ્રાજ્યના ગુલામ બનાવાશે. એ રાત્રે એલેઆઝાર બેન યૈરે તમામ લોકોને એકત્રિત કર્યા અને એક ઐતિહાસિક ભાષણ આપ્યું, જેનો સાર એવો હતો કે, રોમનોની દયા કે ગુલામી પર જીવવા કરતાં ઈશ્વરના શરણમાં મુક્ત થઈને મરવું વધુ શ્રેષ્ઠ છે.
યહૂદી ધર્મમાં આત્મહત્યાને પાપ માનવામાં આવતું હોવાથી તેમણે એક ચોક્કસ યોજના બનાવી જેમાં દરેક પુરુષે પોતાના પરિવારને ભેટીને વિસર્જન આપ્યું. એ પછી 10 પુરુષોની પસંદગી કરવામાં આવી, જેમણે બાકીના તમામ પુરુષોનો અંત કર્યો. આ 10 પુરુષોમાંથી માટીની ચિઠ્ઠીઓ ઉપાડીને એક વ્યક્તિ પસંદ કરાયો, જેણે બાકીના 9નો અંત કર્યો અને અંતે કિલ્લામાં તમામ સંપત્તિ સળગાવીને પોતે પણ પ્રાણ ત્યજી દીધા.
તેમણે અનાજના ભંડારોને સળગાવ્યા નહોતા, જેથી રોમનોને ખબર પડે કે તેઓ ભૂખ કે તરસથી લાચાર થઈને નહીં, પણ પોતાની મરજીથી સ્વાભિમાન ખાતર મૃત્યુ પામ્યા છે. બીજા દિવસે સવારે જ્યારે રોમનો વિજયની કિકિયારી કરતા અંદર પ્રવેશ્યા, ત્યારે ત્યાં કોઈ યુદ્ધ નહોતું. કિલ્લામાં સંપૂર્ણ શાંતિ હતી, માત્ર 960 મૃદુ શરીર અને બળેલા મહેલો હતા. રોમનો આ દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. કિલ્લાના ગુપ્ત ભોંયરામાં છુપાયેલી બે સ્ત્રીઓ અને પાંચ બાળકો જ જીવતાં બચ્યાં હતાં, જેમણે પ્રાચીન ઇતિહાસકાર ફ્લાવિયસ જોસેફસને આ આખી ઘટનાની આપવીતી જણાવી હતી.
મસાડા સાથે જોડાયેલી રોમાંચક બાબતો
1963થી 1965 વચ્ચે જ્યારે પ્રોફેસર યિગેલ યાદિનના નેતૃત્વમાં મસાડાનું પુરાતત્ત્વીય ખોદકામ થયું, ત્યારે માટીનાં વાસણોના ટુકડા મળ્યા. જેના પર નામો લખેલાં હતાં. તેમાં એક નામ `બેન યૈર' પણ હતું. માનવામાં આવે છે કે આ એ જ ચિઠ્ઠીઓ હતી જેનો ઉપયોગ અંતિમ રાતે થયો હતો. આજે મસાડા ઇઝરાયેલની રાષ્ટ્રીય અસ્મિતાનું કેન્દ્ર છે. 2001માં મસાડાને યુનેસ્કો દ્વારા તેની અદ્ભુત પ્રાચીન ઇજનેરી અને માનવીય બલિદાનના મૂલ્ય માટે `વિશ્વ વિરાસત સ્થળ' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
