જાણીતા ફિલ્મકાર શેખર કપૂરે 1983ની તેમની લોકપ્રિય ફિલ્મ `માસૂમ'ની સિક્વલ બનાવવાની જાહેરાત કરી છે.

નવી પેઢીને ધ્યાનમાં રાખીને તેમણે તેનું શીર્ષક `માસૂમ - ધ નેક્સ્ટ જનરેશન' રાખ્યું છે. આ ફિલ્મ કેવળ સંબંધો પર નથી (જે મૂળ `માસૂમ'નો વિષય હતો), પરંતુ `ઘર' કોને કહેવાય અને તેમાં પોતાની ઓળખ શોધવાની મથામણ વિશે છે. ફિલ્મમાં મૂળ કલાકારો શબાના આઝમી અને નસીરુદ્દીન શાહની સાથે મનોજ બાજપાઈ અને (શેખરની દીકરી) કાવેરી કપૂર પણ છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શેખરે લખ્યું છે, `આ ફિલ્મ ઘરની જટિલતાઓ અંગે છે અને મને આ કહાની બનાવતાં 10 વર્ષ લાગી ગયાં, જે મૂળ ફિલ્મ જેટલી જ સરળ હોય, પણ લાગણીઓ અને ગહેરા અર્થોથી ભરપૂર હોય.'

તે પછી જૂની `માસૂમ'ને યાદ કરીને તેમણે લખ્યું છે, `હું આજે આટલા વર્ષો પછી પણ જ્યાં જાઉં છું ત્યાં લોકો `માસૂમ'ની વાત કર્યા વગર રહેતા નથી. મોટાભાગના લોકો તો ત્યારે માંડ જન્મ્યા પણ ન હતા. તેમણે કદાચ ટીવી કે યુ ટ્યૂબ પર ફિલ્મ જોઈ હશે.'

`માસૂમ' અન્ય હિન્દી ફિલ્મોની જેમ પહેલા જ દિવસથી બ્લોકબસ્ટર નહોતી, કારણ કે આ ફિલ્મ શોરબકોરવાળી નહોતી. તેણે લોકોનાં દિલ અને સિનેમાના દરવાજા પર ધીમેથી દસ્તક આપી હતી અને પછી અંદર ઊતરી ગઈ હતી. આ ફિલ્મ કોઈ મોટા વિલન અથવા ભારે ડ્રામા પર ટકેલી નહોતી; બલ્કે એવા સંબંધોમાં વણાયેલી હતી, જેને લોકો જીવતા હોય છે, પણ બોલતા નથી અને જેમાં ભૂલ, અપરાધબોધ, સ્વીકાર અને માફીની ભાવનાઓ ભરેલી હોય છે.

આપણે અગાઉ આ જગ્યાએ જ તેની કહાનીની ચર્ચા કરી ગયા છીએ, એટલે એમાં ફરી નહીં જઈએ (અને આમ પણ લગ્નબાહ્ય સંબંધમાંથી જન્મેલા સંતાનની તેની કહાની બહુ જાણીતી છે). આજે વાત એ કરવી છે કે આ ફિલ્મ કેવી રીતે યાદગાર બની ગઈ.

`માસૂમ' ભારતીય દર્શકોને સ્પર્શી ગઈ હતી, કારણ કે શેખર કપૂરે તેમાં કોઈ જજમેન્ટ પાસ કર્યું નહોતું. તેમણે તેમાં કોઈને વિલેન ચીતર્યો નહોતો. તેમણે એક ભૂલને માનવીય ઢબે પ્રસ્તુત કરી હતી. ફિલ્મ કહેતી હતી કે જીવનમાં અમુક ભૂલો એવી હોય છે જેનો દંડ કોઈ અદાલત નહીં, બલ્કે સંબંધો આપે છે અને એ જ સૌથી કઠિન હોય છે.

ફિલ્મમાં ડી.કે. મલ્હોત્રા (નસીરુદ્દીન શાહ)ના `વન નાઇટ સ્ટેન્ડ'માંથી પેદા થયેલો રાહુલ (જુગલ હંસરાજ) કેવળ બાળક નથી; તે એક સવાલ પણ છે. `હું કોનો છું?' આ સવાલ જેટલો સીધો છે, એટલો જ ક્રૂર. તેની ચુપ્પી, તેની મૂંઝાયેલી આંખો અને તેનો ભરોસો દર્શકોને અસહજ કરી દે છે, એટલું જ નહીં, ખુદને એ પૂછવા મજબૂર કરી દે છે `હું હોત તો શું કરું?' ફિલ્મની અસલી તાકાત અહીં છે.

80ના દાયકામાં એરિક સીગલ નામના અમેરિકન લેખકની નવલકથા `મેન, વુમન એન્ડ ચાઈલ્ડ' બહુ લોકપ્રિય થઈ હતી. તેમાં કહાની એવી હતી કે એક પતિના લગ્નબાહ્ય સંબંધમાંથી જન્મેલો છોકરો અચાનક એક દિવસ ઘરે આવી ચઢે છે. તેના પરથી અંગ્રેજીમાં એટલી જ લોકપ્રિય ફિલ્મ પણ બની હતી. ભારતમાં તેલુગુમાં પણ આ ફિલ્મ બની ચૂકી હતી.

શેખર કપૂર ત્યારે લંડનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા. તેમનો દેખાવ અને વ્યક્તિત્વ આકર્ષક હતું, એટલે તેમના મામા દેવ આનંદે (આનંદ બંધુઓની બહેન શીલકાંતા શેખરની માતા થાય) તેમને ફિલ્મોમાં કામ કરવા માટે ભારત બોલાવ્યા અને `ઈશ્ક ઈશ્ક ઈશ્ક'માં પહેલો બ્રેક આપ્યો. અહીં જ તેમની શબાના આઝમી સાથે દોસ્તી થઈ હતી. બીજી ત્રણ-ચાર ફિલ્મો કર્યા પછી શેખરને લાગ્યું કે તેમને અભિનય માફક નથી આવતો. એટલે તેમણે ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો અને એમાં તેમને `મેન, વુમન એન્ડ ચાઈલ્ડ'નો વિષય ગમ્યો.

તે દરમિયાન ગુલઝાર અને આર.ડી. બર્મન સાથે સારો પરિચય થયો હતો. ગુલઝારે `માસૂમ'ની પટકથા અને ગીતો લખ્યાં અને બર્મને તેને સંગીતબદ્ધ કર્યાં. શબાના અને નસીરુદ્દીન શાહ ત્યારે સમાંતર સિનેમામાં `હોટ કપલ' ગણાતાં. ખરો પડકાર ત્રણ બાળ કલાકારો શોધવાનો હતો, કારણ કે કહાનીના ભાવનાત્મક ઉતાર-ચઢાવમાં તેમની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી. એ શોધ ઉર્મિલા માતોંડકર, આરાધના શ્રીવાસ્તવ અને જુગલ હંસરાજમાં પૂરી થઈ. પૂરી ફિલ્મ દેહરાદૂન અને નૈનિતાલમાં શૂટ કરવામાં આવી હતી.

વિષય ઘણો સંવેદનશીલ (વિવાદાસ્પદ) હતો અને મુખ્ય ધારાની હિન્દી ફિલ્મોના ચાહકો તેને સ્વીકારશે કે નહીં, એ અંગે શંકા હતી અને શરૂઆત તો એવી જ થઈ. શેખર એક બ્લોગમાં લખે છે ;

`રિલીઝના પહેલા જ દિવસે હું મુખ્ય થિયેટરમાં ગયો. ત્યાં હોલમાં બે જ લોકો હતા અને બેમાંથી એક હું હતો. તે દિવસો `બ્લેક માર્કેટિંગ'ના હતા અને તેના માટે હાઉસફુલ હોવું જરૂરી હતું. `માસૂમ'નો પહેલા દિવસનો પહેલો શો ખાલીખમ હતો! થિયેટર બહાર અમુક અકળાયેલા જવાનિયા મને ઘેરી વળ્યા. તેમને ખબર પડી ગઈ હતી કે હું ડિરેક્ટર છું. `બ્લેક માર્કેટિંગ' માટે તેમના પૈસા પડી ગયા હતા. એક જણાએ મારા પર દયા ખાઈને કહ્યું; `સર, પ્રોબ્લેમ એ છે કે તમે `આર્ટિકલ' ફિલ્મ બનાવી છે. કરિયર બનાવવી હોય તો આવો ધંધો ન કરતા!'

આર્ટિકલ ફિલ્મ? શેખર કપૂર મૂંઝાઈ ગયા. તેઓ વિચાર કરતા રહ્યા અને પછી સમજાઈ ગયું કે એ છોકરા `આર્ટિસ્ટિક' ફિલ્મની વાત કરતા હતા, જેના માટે નસીર અને શબાના જાણીતાં હતાં. શુક્રવારે બધાં જ થિયેટર ખાલીખમ રહ્યાં. પછી તો શનિવારે, રવિવારે, સોમવારે અને મંગળવારે પણ એવી જ સ્થિતિ રહી. `માસૂમ' પિટાઈ ગઈ હતી.

શેખર કહે છે, `હું નિરાશ થઈ ગયો હતો. વિચારતો હતો કે જીવનમાં હવે શું કરીશ. ફિલ્મમેકિંગ મારા માટે નહોતું. ગુરુવારે કંઈક અજીબ થયું. એક દોસ્તે મને ફોન કર્યો અને પૂછ્યું કે, `માસૂમ'ની ટિકિટો જોઈએ છે. વ્યવસ્થા કરી દઈશ?

અને એ શનિ-રવિ સુધીમાં તો વિતરકો પાછા સિનેમા થિયેટર શોધવા દોડાદોડી કરતા હતા. મારી `આર્ટિકલ' ફિલ્મ હિટ જાહેર થઈ હતી.'

શેખરને આજે પણ ખબર નથી કે આવું કેમ થયું. તેઓ લખે છે, `લોકો કહે છે કે ફિલ્મનાં મોઢેમોઢ વખાણ થયાં હતાં, પણ કોઈએ ફિલ્મ જોઈ જ ન હોય તો લોકો વાતો કેવી રીતે કરે? વર્ષો પછી આજે જ્યારે હું `માસૂમ - ધ નેક્સ્ટ જનરેશન'ની તૈયારી કરી રહ્યો છું, ત્યારે પણ એ સવાલ ઊભો છે. એ ગુરુવારે શું થયું હતું? શું `માસૂમ - ધ નેક્સ્ટ જનરેશન' બીજી `આર્ટિકલ' ફિલ્મ બનશે?'

કદાચ લોકોને એમાં પોતાની કહાની દેખાઈ હતી. ફિલ્મ કોઈને દોષિત ઠેરવતી નથી, એ જ તેની અસલી તાકાત છે. તે કેવળ એક સવાલ પૂછતી હતી. શું આપણે એકની ભૂલ માટે બીજા કોઈને સજા આપી શકીએ? દર્શકોને આ સવાલ સમજતા સમય લાગ્યો અને જ્યારે એ સમજ આવી, ત્યારે તે ફિલ્મ મટી ને એક અનુભવ બની ગઈ અને અનુભવ, સમયની સાથે જૂનો નથી થતો, વધુ ગહેરો થાય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો