ઊગતા સૂરજનાં સોનેરી કિરણોથી પાલનપુરનો નવાબી રાજમહેલ સોનાવરણો ભાસતો હતો. તેમાં ખાસ અને આમ જનતાનો સુમેળ થવામાં થોડો હિચકિચાટ, હળવા લિસોટા પાડી રહ્યો હતો, પણ તેની કોઈને પરવા કે દરકાર નહોતી. બધું જ રજવાડી રીતરસમ મુજબ ગોઠવાઈ રહ્યું હતું.
19મી સદીના ચોથા દાયકાની ઘટના છે. ત્યારે પાલનપુરમાં નવાબ શ્રી તાલે મહમદખાન બહાદુરના રાજ તપતા હતા. શાહી મહેલના એક કક્ષમાં નવાબ સાહેબ હાજર હતા. રાજ્યના કાર્યકુશળ દીવાન અહેવાલ આપી રહ્યા હતા. આવા સલુણા સમયે એક વયોવૃદ્ધ ખેડૂત પ્રવેશવાની પરવાનગી સાથે દરવાજે આવીને ઊભો રહ્યો હતો. મન માંહે પારાવાર વેદના ઘંટીનાં પડ માફક ફરી રહી હતી. તેની ઊંડી ઊતરી ગયેલી આંખોમાં આશાના દીવડા ટમટમી રહ્યા હતા. ઘણું કહેવું હતું પણ નવાબ સાહેબ સામે જીભ ઊપડે કેમ? તેની અવઢવ આડે ઊભી રહી હતી.
આ વખતે દીવાને વાતને છેડતા કહ્યું હતું: `હુજૂર, ગત વર્ષે વરસાદ ઓછો પડ્યો હોવાથી રાજ્યના કેટલાક ભાગમાં પાણીની તંગી ને દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઇ છે.' પછી મૂળ વાત જણાવી દીધી હતી: `પણ રાજ્યની તિજોરી પર બોજ ન પડે એટલે અમોએ મહેસૂલ-કરમાં થોડો વધારો કરવાનું વિચાર્યું છે.'
આ વેળાએ નવાબે હાથમાં રહેલી ચાંદીની ચડી ઊંચાનીચી કરી, સામે ઊભેલા ધરતીના તાત સામે જોયું ને પછી પૂછ્યું હતું: `બાબા! તમારા ગામની હાલત શું છે, એ જણાવો.'
ખેડૂતના જીવમાં જીવ આવ્યો ને જણાવ્યું હતું: `અન્નદાતા, આ વર્ષે તો ધરતીમાતા રૂઠી છે. કૂવા-તળાવ સુકાયાં છે. જો કર વધારશો તો અમારાં છોકરાં ને માલ-ઢોર પણ ભૂખે મરશે.' ખેડૂતે પૂરતી આમન્યા જાળવીને કહ્યું હતું: `આગળનો કર ભરવો મુશ્કેલ છે ત્યાં આ...' કહેતાં તેની આંખો ડબડબવા લાગી હતી.
શાહી મહેલના એક ખાસ ખંડમાં ગમગીની છવાઈ ગઈ હતી. સંગેમરમરની દીવાલોમાં પ્રજાની પીડાના ન ભૂંસી કે ભૂલી ન શકાય એવા ડાઘા પડવા લાગ્યા હતા.
નવાબ સાહેબે પહેલાં ધરતીના તાત સામે ભાવભરી નજરે જોયું ને પછી રાજ્યના દીવાનને સોયની અણી માફક ત્રોફ્યા હતા. આંગળીના વેઢે ગણી શકાય એટલી પળોના દ્વંદ્વ પછી નવાબ સાહેબના મોંએથી વાણી વછૂટી હતી: `દીવાન તમે ઈચ્છો છો કે, પ્રજાનાં પેટ ખાલી હોય ને રાજ્યની તિજોરી ભરેલી હોય.'
નવાબ તાલે મહમદખાન ઈ.સ. 1918થી છેક દેશની આઝાદી સુધી શાસક રહ્યા હતા. તેઓ પ્રજાવત્સલ એવા દૂરંદેશી અને આધુનિક દૃષ્ટિકોણ ધરાવતા નવાબ હતા. તેઓએ ઇંગ્લેન્ડની હેરો સ્કૂલ તેમજ ઓક્સફર્ડમાં અભ્યાસ કર્યો હતો. અંગ્રેજી ભાષા અને પશ્ચિમી વહીવટી પદ્ધતિઓથી પરિચિત હતા, તેથી રાજ્યમાં ઘણા મહત્ત્વના સુધારા કર્યા હતા. નવા કાયદા અને કોર્ટની સ્થાપના કરી ન્યાયપ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવી હતી. તિજોરી પદ્ધતિ દ્વારા નાણાંની લેવડદેવડ આધુનિક બનાવી ગેરરીતિ અટકાવી હતી. શિક્ષણ તેમજ આરોગ્યસેવાને પ્રાધાન્ય આપ્યું હતું. ખાસ તો માળખાગત સુધારાઓ કર્યા હતા. તેમાં રેલવે લાઈન, પાણી વ્યવસ્થા સમેત પાલનપુરને હીરા ઉદ્યોગ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવ્યું હતું.
દીવાન, નવાબ સાહેબની નજર માત્રથી પામી ગયા હતા, પોતાની ગતિવિધિ તેઓને પસંદ પડી નથી, પણ પોતાની ફરજના ભાગરૂપે રાજ્યના વહીવટકર્તાએ જે કરવું જોઈએ તે કર્યું હતું.
`આપણે આવા કપરા સમયે રાજ્ય તરફનો તમામ કર માફ કરવો જોઈએ.' નવાબ આટલું કહી અટકી ગયા હતા, પણ દીવાન સમજતા હતા કે, નવાબ સાહેબનું કહેવું એટલે લોઢે લીટો. તેઓની અડગતામાં જરાય ફેર ન પડે, તેથી તેઓ કંઈ બોલ્યા કે દલીલ કર્યા વગર નતમસ્તકે ઊભા રહ્યા હતા.
જ્યારે નવાબ સાહેબ ઓસ્ટ્રેલિયન સ્ત્રી જોઆન ફોકિનરના પ્રેમમાં ગળાડૂબ હતા ત્યારે રૂઢિચુસ્ત સમાજમાં ભારે ચર્ચા જગાવી હતી. એક તો બેઉ વચ્ચે ત્રણ દાયકા જેવો ઉંમરનો તફાવત હતો. ધર્મ અને સંસ્કૃતિ તદ્દન ભિન્ન હતાં. તેમજ બ્રિટિશ શાસન વિરુદ્ધમાં હતું છતાંય લગ્નગ્રંથિથી જોડાયા હતા.
દીવાન કોઈ દલીલ કરે તે પહેલાં નવાબ સાહેબે આદેશ આપ્યો હતો: `રાહત કાર્ય માટે તત્કાલ ફંડ ફોર ફ્લોર એન્ડ ફોડર - અનાજ અને ઘાસચારા માટેનું અલગ ભંડોળ ફાળવવામાં આવે. રાજ્યના મહેલના નિર્માણ માટે જે ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે તેમાંથી પચાસ ટકા રકમ આ રાહત કાર્યમાં વાપરવામાં આવે.' આગળ ઉમેર્યું હતું: `જ્યાં સુધી વરસાદ ન વરસે ત્યાં સુધી પ્રજાને અનાજ અને પશુઓ માટે ઘાસચારો પૂરો પાડો. કોઈ પશુ કે માણસ ભૂખ્યું રહેવું ન જોઈએ.'
દીવાને આદેશનો અમલ કર્યા વગર છૂટકો નહોતો. તેઓ જાણતા હતા કે નવાબ સાહેબની દૃઢતા સામે ભલભલા ભૂ પીએ તેમ હતા. પછી તો વિદેશી સ્ત્રીએ ભારતીયતા સ્વીકાર્યા પછી બેગમ જહાંઆરા ભારતીયતા અપનાવી શાહી જીવનમાં એકરસ થઇ ગયાં હતાં. આમ છતાં `બેગમ' કે `હર હાઈનેસ' ખિતાબ આપવામાં આવ્યો નહોતો, પણ ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ લુઈ માઉન્ટબેટન દ્વારા દેશની આઝાદીના એક દિવસ પહેલાં 14 ઓગસ્ટ, 1947ના રોજ સત્તાવાર ખિતાબ આપવામાં આવ્યો હતો.