આયુર્વેદીય ઔષધ જેઠીમધમાં તેનાં નામ પ્રમાણે તેની અનોખી મધ જેવી મીઠાશ રહેલી છે. તેના કારણે તેનો ચોકલેટ-પિપરમીંટ જેવા મધુર ખાદ્યપદાર્થોની બનાવટમાં ઉપયોગ થાય છે. પાન વેચનારાઓ પાનને ગળ્યું બનાવવા તેમાં જેઠીમધ છાંટે છે. જેઠીમધના સત્ત્વમાંથી ગળાના ઉપદ્રવોમાં ઉપયોગી ચૂસવાની ગોળીઓ બનાવાય છે. આમ, આજે અનેક રીતે ઉપયોગમાં લેવાતું જેઠીમધ આપણા દેશમાં તો પ્રાચીન કાળથી જ ઔષધ તરીકે પ્રયોજાતું આવ્યું છે.

ગુણકર્મો

આયુર્વેદ પ્રમાણે જેઠીમધ સ્વાદમાં મધુર અને કડવું, શીતલ, રુચિકર, પચવામાં ભારે, બળવર્ધક, વૃષ્ય- વીર્યવર્ધક, રસાયન, વર્ણ અને સ્વરને સુધારનાર, કેશ માટે હિતકારી તથા વ્રણ જખમને શુદ્ધ કરનાર છે. તે વાયુ અને પિત્ત દોષ, રક્તસ્રાવ, વ્રણ-ઘા, ઊલટી, હેડકી, ચામડીના રોગો, સોજા, સૂકી ઉધરસ અને પ્રદર રોગનો નાશ કરે છે. તે એન્ટિ-બાયોટિક અને એન્ટિ-ઓક્સિડેટિવ પ્રોપર્ટીઝ ધરાવે છે, એટલે કે કોઈ પણ પ્રકારના રોગાણુઓ કે વિષાણુઓ સામે શરીરને સુરક્ષિત રાખે છે.

ઉપયોગો

આયુર્વેદના મહર્ષિ ચરકે જેઠીમધને ઉધરસ મટાડનાર અને સ્વર માટે હિતકારી ઔષધ કહ્યું છે. શ્વાસોશ્વાસથી ફેલાતા વાઇરલ રોગો સામે પણ તે સુરક્ષા પ્રદાન કરે છે. આશરે એક ચમચી જેઠીમધ અને અડધી ચમચી સીતોપલાદિ ચૂર્ણને મધ સાથે મેળવીને થોડું થોડું દિવસમાં ત્રણ-ચાર વાર ચાટવાથી ખાંસીમાં બહુ સારો ફાયદો થાય છે તેમજ ગળું ને શ્વસનતંત્ર સુરક્ષિત રહે છે. બાળકોને તેની અડધી માત્રા આપવી.

જેઠીમધ શીતળ છે એટલે શરીરના કોઈ પણ ભાગમાં દાહ-બળતરા થતી હોય, તો એમાં જેઠીમધનો ઉપયોગ લાભદાયી છે. હાથ-પગનાં તળિયામાં, મૂત્રમાર્ગમાં, ઝાડામાં, છાતીમાં, આંખોમાં ક્યાંય પણ બળતરા થતી હોય તો જેઠીમધ અને શતાવરી એક-એક ચમચી લઇ, મિશ્ર કરી એના ત્રણ ભાગ કરી, દિવસમાં ત્રણ વખત એક એક ભાગ ગાયના ઘી અને સાકાર સાથે ચાટી જવો. થોડા દિવસ તીખા અને ખાટા પદાર્થો છોડી દેવા.

આંતરિક રક્તસ્રાવ રોકવામાં જેઠીમધ ઉત્તમ છે. શરીરના કોઈ પણ આંતરિક ભાગમાંથી લોહી પડતું હોય (જેમ કે રક્તસ્રાવી મસા, અલ્સરેટિવ કોલાઈટીસ વગેરે), તો જેઠીમધ, ચંદન અને શતાવરી એ ત્રણેય ઔષધો સરખા વજને લાવી ચૂર્ણ બનાવી લેવું. એક ચમચી જેટલું આ ચૂર્ણ એક ગ્લાસ બકરીના દૂધમાં મિશ્ર કરીને દિવસમાં બે વાર પીવું.

જે માતાને ધાવણ બરાબર ન આવતું હોય અથવા ઓછું આવતું હોય તેમણે રોજ અડધી ચમચી જેઠીમધનું ચૂર્ણ અને અડધી ચમચી સાકર દૂધમાં મિશ્ર કરી લેવા. ધાવણ ધીરે ધીરે વધશે. આરોગ્ય પણ સુધરશે. આ ઉપચારથી સ્ત્રીઓના પ્રદર રોગમાં (સફેદ પાણી પડતું હોય તેમાં) પણ રાહત થાય છે.

આયુર્વેદ પ્રમાણે જેઠીમધ રસાયન ઔષધ છે. રસાયન એટલે શરીરની સર્વ ધાતુઓને સુધારનાર અને દીર્ઘાયુષ્ય આપનાર ઔષધ. આયુર્વેદના આવાં અનેક ઔષધો છે કે જે માનવજાતિ માટે વરદાન સમાન છે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો