જો તમે અંદાજિત 5000 વર્ષ જૂની કબર ખોદતા હોવ અને અચાનક જ તેમાં લાંબી સુરંગનો રસ્તો મળે તો! આવુ જ કંઇક જર્મનીમાં જોવા મળ્યું હતું. જર્મનીના સેક્સની-આનહાલ્ટમાં કેટલાક પુરાતત્ત્વવિદો બાલેબર્ગ સંસ્કૃતિની પ્રાચીન કબરોનું ખોદકામ કરી રહ્યા હતા.

તે સમયે અચાનક જ મધ્યયુગની સાંકળી સુરંગો મળી જતાં તેમના માટે મોટો તપાસનો વિષય સાબિત થયો હતો. અલબત્ત, આ સુરંગ અત્યાર સુધીનું મોટું રહસ્ય પણ બની રહ્યું છે. પુરાતત્ત્વવિદોએ જ્યારે સુરંગની વિસ્તૃત તપાસ કરી તો તેમાં મધ્યયુગના માટીનાં કલાત્મક વાસણો ઉપરાંત લોખંડની ઘોડાની નાળ મળી આવી હતી. વધુમાં અહીં કેટલાંક જાનવરોનાં હાડકાંની સાથે સાથે પથ્થરોનો ઢગલો તેમજ આગનાં નિશાન મળી આવતાં કુતૂહલ જાગ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરંગના પ્રવેશદ્વાર પર મસમોટા પથ્થરોને એકસાથે રાખવામાં આવ્યા હતા, જેથી પુરાતત્ત્વવિદોએ એવો અંદાજ લગાવ્યો હતો કે આ સુરંગને જાણીજોઈને બંધ કરવામાં આવી હશે. અલબત્ત, પુરાતત્ત્વવિદોએ સુરંગને તપાસ્યા બાદ તે અંદાજો પણ લગાવ્યો હતો કે મધ્યયુગીન સમયમાં આ સાંકળી સુરંગનો ઉપયોગ મુસીબત સમયે ભાગવા માટે તેમજ કુદરતી હોનારતના સમયે કરવામાં આવતો હોઇ શકે છે. હજી પણ આ સુરંગ વિશે વધુ શોધખોળ ચાલી રહી છે.

ઈન્ડોનેશિયામાં દુનિયાનો લાંબો અજગર મળ્યો

દુનિયામાં ઈન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ ઉપરાંત વિયેતનામ તેમજ ફિલિપાઈન્સ અને ભારતમાં પણ રેટિકુલેટેડ અજગર જોવા મળે છે, જેની લંબાઇ અંદાજિત 10થી 20 ફૂટ જેટલી જોવા મળે છે, પરંતુ થોડા સમય પહેલાં જ ઈન્ડોનેશિયાનાં જંગલોમાં દુનિયાનો સૌથી લાંબો રેટિકુલેટેડ માદા અજગર જોવા મળ્યો છે, જેની લંબાઇ 23 ફૂટ 8 ઈંચ સુધીની જોવા મળી છે. અલબત્ત, આ અજગરની લંબાઈ ડિલીવરી કરતી લાંબી ટ્રક સમાન છે! વર્ષ 2025માં સુલાવેસીના મારોસ વિસ્તારમાં આ વિશાળકાય અજગર જ્યારે જોવા મળ્યો હતો ત્યારે તે બેહોશ હતો. નોંધનીય છે કે, તે જ્યારે બેહોશ હોય છે ત્યારે રિલેક્સ હોય છે અને તે દરમિયાનની અવસ્થામાં વધારે લંબાઇ ધરાવતો પણ હોઇ શકે છે. આ અજગરનું નામ ઇબૂ બેરન રાખવામાં આવ્યું છે, જેનો અર્થ `ઉચ્ચ સામાજિક સ્થિતિવાળી મહિલા' થાય છે. ઈબૂ બેરનનું વજન 96.5 કિગ્રા નોંધવામાં આવ્યું હતું. અલબત્ત, આ લાંબા અજગરની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવી છે. હજી પણ અહીં આ અજગર સિવાય અન્ય અજગર આટલા લાંબા છે કે કેમ તે વિશે પણ વધુ શોધખોળ હાલમાં ચાલી રહી છે.

3,300 વર્ષ જૂનાં પગરખાં મળી આવ્યાં

મિસ્રની કબરમાં જેટલી પણ વસ્તુઓ જોવા મળે છે તે તમામ ચર્ચાનું કેન્દ્ર બને છે. વર્ષ 1922માં બ્રિટિશ પુરાતત્ત્વવિદ હોવર્ડ કાર્ટરે જ્યારે મિસ્રના રાજા તુતનખામેનની કબર ખોદી હતી ત્યારે સમગ્ર દુનિયા આશ્ચર્ય પામી ગઇ હતી. મિસ્રના ઇતિહાસમાં તુતનખામેનનું નામ સૌથી પ્રખ્યાત રાજાઓમાંના એક રાજાઓમાં આવે છે. તેમને `કિંગ ટુટ' નામથી પણ ઓળખવામાં આવતા હતા. તેમનું નિધન માત્ર 17 વર્ષની વયે જ થઇ ગયું હતું. તેમની કબરમાંથી અંદાજિત 5000થી પણ વધુ વસ્તુઓ જોવા મળી હતી. જેમાંથી સોનાનું ડેથ માસ્ક, મૂર્તિઓ, હથિયાર ઉપરાંત કેટલાંક હાડકાંઓ પણ જોવા મળ્યાં હતાં. તેમાં કેટલાંક પગરખાં પણ હતાં. આ પગરખાં પૈકી એક પગરખાંની જોડી સૌથી અલગ તરી આવતી હતી, જેની નોંધ ઇતિહાસકારોએ ખાસ લીધી હતી. તે કલાત્મક તો હતી જ સાથે સાથે તેમાં સત્તાનું પ્રતીક અંકિત કરવામાં આવ્યું હતું. લીલા ચામડામાં બનાવેલાં આ પગરખાંમાં ચામડા સાથે ગોલ્ડની પરત ચઢાવવામાં આવી હતી અને તેમાં બે ચિત્ર બનાવવામાં આવ્યાં હતાં. એક ચિત્રમાં એશિયાનો કેદી અને બીજામાં આફ્રિકન કેદી દેખાય છે. જેમના હાથ પણ બાંધેલા હતા! ટૂંકમાં, તે સમયે પણ સત્તા, વિચાર અને શક્તિ આ રીતે પણ પ્રદર્શિત થતી હતી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો