આધુનિક યુદ્ધશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય ભૌગોલિક રાજનીતિમાં મિસાઇલ ટેક્નોલોજી શક્તિ પ્રદર્શનનું સૌથી મોટું માધ્યમ છે. જ્યારે શોર્ટ રેન્જ મિસાઈલો સરહદી વિસ્તારોમાં તાત્કાલિક પ્રહાર માટે વપરાય છે, ત્યારે મીડિયમ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ (Medium-Range Ballistic Missile - MRBM) એક એવું વ્યૂહાત્મક શસ્ત્ર છે, જે પ્રાદેશિક સ્તરે શક્તિનું સંતુલન જાળવવામાં કે બદલવામાં સક્ષમ છે. કોઈ પણ દેશ માટે પોતાના પાડોશી દેશો અને પ્રાદેશિક હરીફો સામે મજબૂત સંરક્ષણ કવચ ઊભું કરવા માટે MRBM અનિવાર્ય ગણાય છે.  

MRBMની મુખ્ય ટેક્નિકલ લાક્ષણિકતાઓ  

લાંબો પ્રહાર સમયગાળો : આ મિસાઈલો સેંકડો કિલોમીટર દૂર આવેલા દુશ્મનના આંતરિક વિસ્તારો, ઔદ્યોગિક કેન્દ્રો અને લશ્કરી હેડક્વાર્ટરને નિશાન બનાવી શકે છે.  

પરમાણુ ક્ષમતા : મોટાભાગની MRBM મિસાઈલો પરંપરાગત વિસ્ફોટકો ઉપરાંત શક્તિશાળી પરમાણુ વોરહેડ વહન કરવા માટે જ ખાસ ડિઝાઇન કરવામાં આવે છે, જે દુશ્મનને હુમલો કરતા અટકાવવા માટે `ડિટરન્સ' (નિરુત્સાહક) તરીકે કામ કરે છે.  

સોલિડ અને લિક્વિડ પ્રોપેલન્ટ : આધુનિક MRBMમાં સોલિડ ફ્યુઅલ (ઘન બળતણ)નો ઉપયોગ વધ્યો છે, જેથી તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે અને યુદ્ધના સમયે ત્વરિત લોન્ચ કરી શકાય છે.  

ગતિશીલતા : આ મિસાઈલોને પણ રોડ-મોબાઈલ લોન્ચર્સ (TEL) પર ગોઠવી શકાય છે, જેથી સેટેલાઇટ કે જાસૂસી વિમાનોની નજરમાં આવ્યા વિના તેને સુરક્ષિત રાખી શકાય.  

વૈશ્વિક પરિપ્રેક્ષ્ય અને ઈતિહાસ  

શીત યુદ્ધ દરમિયાન અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે યુરોપમાં પ્રભુત્વ મેળવવા માટે MRBMનો વ્યાપક વિકાસ થયો હતો. 1962ની પ્રખ્યાત `ક્યુબન મિસાઈલ કટોકટી' (Cuban Missile Crisis) પાછળ સોવિયેત યુનિયન દ્વારા ક્યૂબામાં તૈનાત કરવામાં આવેલી MRBM મિસાઈલો જ જવાબદાર હતી, જેણે સમગ્ર વિશ્વને પરમાણુ યુદ્ધના કિનારે લાવી દીધું હતું. આજે ચીનની DF-21 (ડોંગફેંગ-21) જેવી મિસાઈલો, જેને `કરિયર કિલર' તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પેસિફિક ક્ષેત્રમાં અમેરિકન નૌકાદળનાં જહાજો માટે મોટો પડકાર છે. આ ઉપરાંત ઉત્તર કોરિયાની `નોડોંગ' અને ઈરાનની `શાહાબ-3' મિસાઈલો આ શ્રેણીનાં જાણીતાં ઉદાહરણો છે.  

ભારતની MRBM તાકાત : અગ્નિ શ્રેણીએ ભારતની સુરક્ષા અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને DRDO એ ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત અદ્ભુત સફળતા મેળવી છે.  

અગ્નિ-2 : 2,000 કિલોમીટરથી વધુની પ્રહાર ક્ષમતા ધરાવતી આ મિસાઈલ ભારતની અણુ ત્રિપુટી (Nuclear Triad)નો અત્યંત મહત્ત્વનો ભાગ છે. તે ઊંડાણપૂર્વક દુશ્મન દેશોનાં વ્યૂહાત્મક લક્ષ્યોને ભેદવાની ક્ષમતા ધરાવે છે.   

અગ્નિ-3 : આ મિસાઈલ 3,000 કિમી સુધીનાં લક્ષ્યોને સચોટતાથી નષ્ટ કરી શકે છે, જે ભારતની સંરક્ષણ ક્ષમતાને પ્રાદેશિક સ્તરે અત્યંત મજબૂત બનાવે છે. મીડિયમ રેન્જ બેલિસ્ટિક મિસાઈલો માત્ર યુદ્ધ જીતવાનું સાધન નથી, પરંતુ યુદ્ધને રોકવાનું એક સશક્ત માધ્યમ છે. પ્રાદેશિક સ્તરે સત્તાનું સંતુલન જાળવવા અને પડોશી દેશોની આક્રમક નીતિઓ સામે રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે MRBM આધુનિક સંરક્ષણ વ્યૂહરચનાનું એક અનિવાર્ય અને અતિ મહત્ત્વનું અંગ બની રહ્યું છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો