ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં સાત બહેનો રાજ્યોમાંનું એક એટલે મેઘાલય. સંસ્કૃતમાં `મેઘાલય' શબ્દનો અર્થ થાય છે `વાદળોનું ઘર'. આ રાજ્ય તેની અદ્ભુત પ્રાકૃતિક સુંદરતા, ગીચ જંગલો, સ્ફટિક જેવી ચોખ્ખી નદીઓ અને વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતાં સ્થળો માટે જાણીતું છે. પશ્ચિમમાં ગારો હિલ્સ, મધ્યમાં ખાસી હિલ્સ અને પૂર્વમાં જૈંતિયા હિલ્સ એમ ત્રણ મુખ્ય પર્વતમાળાઓમાં વહેંચાયેલું આ રાજ્ય પ્રવાસીઓ માટે કોઈ સ્વપ્નનગરીથી ઓછું નથી.
મેઘાલયનો મોટાભાગનો વિસ્તાર પહાડી અને જંગલોથી ઘેરાયેલો છે. અહીંની ખાસિયત એ છે કે અહીં પહાડો પર વાદળો એટલાં નીચાં ઊતરી આવે છે કે જાણે તમે વાદળોની વચ્ચે ચાલતા હોવ એવો અનુભવ થાય છે. મેઘાલયની સંસ્કૃતિમાં ખાસી, ગારો અને જૈંતિયા જનજાતિઓનો મુખ્ય ફાળો છે. અહીંની `માતૃસત્તાક પ્રણાલી' વિશ્વભરમાં અનોખી છે, જ્યાં પરિવારની સંપત્તિ અને નામ માતા તરફથી પુત્રીને મળે છે.
મેઘાલયમાં પ્રકૃતિના અદ્ભુત નજારા ડગલે ને પગલે જોવા મળે છે. ત્યાં જોવાલાયક સ્થળોની વણઝાર છે. જેમ કે,
શિલોંગ : મેઘાલયની રાજધાની શિલોંગને તેની સુંદરતા અને સ્થાપત્યને કારણે `પૂર્વનું સ્કોટલેન્ડ' કહેવામાં આવે છે. અહીંનાં વોર્ડ્સ લેક અને એલિફન્ટ ફોલ્સ પ્રવાસીઓમાં લોકપ્રિય છે.
સોહરા (ચેરાપુંજી) અને મૌસિનરામ : આ બંને સ્થળો વિશ્વમાં સૌથી વધુ વરસાદ મેળવવા માટે પ્રખ્યાત છે. અહીંના ઊંચા ધોધ અને ધુમ્મસભર્યું વાતાવરણ મન મોહી લે છે.
લિવિંગ રૂટ બ્રિજ : ખાસી જનજાતિના લોકોએ રબરના ઝાડનાં મૂળિયાં ગૂંથીને કુદરતી પુલ બનાવ્યા છે, જે વર્ષો જતાં વધુ મજબૂત બને છે. આ માનવ અને પ્રકૃતિના સહઅસ્તિત્વનો શ્રેષ્ઠ નમૂનો છે.
ડાઉકી (ઉમંગોટ નદી) : આ નદીનું પાણી એટલું ચોખ્ખું છે કે તેમાં તરતી હોડી હવામાં તરતી હોય તેવું લાગે છે. નદીના તળિયે રહેલા પથ્થરો પણ સ્પષ્ટ જોઈ શકાય છે.
માવલિનનોંગ : આ ગામને `એશિયાનું સૌથી સ્વચ્છ ગામ' હોવાનું બહુમાન મળ્યું છે. અહીંની સ્વચ્છતા અને ફૂલોથી લદાયેલા રસ્તાઓ પ્રેરણાદાયી છે.
મેઘાલયમાં ચોખા અને માંસ મુખ્ય ખોરાક છે. અહીંની `જાડોહ' નામની વાનગી પ્રખ્યાત છે. ખાણીપીણી માટે અને ખાસ કરીને સી ફૂડના શોખીન માટે પણ મેઘાલય ફેમસ છે. આ ઉપરાંત સ્થાનિક બજારોમાં મળતાં અનેક પ્રકારનાં ફળો અને મધ પ્રવાસીઓને આકર્ષે છે. અહીંનો `વાંગલા' ઉત્સવ જે મૂળ રીતે 100 નગારાંનો ઉત્સવ કહેવાય છે અને `નોંગક્રેમ' નૃત્ય ઉત્સવ જોવાલાયક હોય છે.
મેઘાલયની મુલાકાત લેવા માટે ઓક્ટોબરથી જૂન મહિનાનો સમય સૌથી ઉત્તમ છે. જો તમારે વરસાદનો અસલી રોમાંચ માણવો હોય અને ધોધનું ભવ્ય સ્વરૂપ જોવું હોય, તો ચોમાસામાં (જુલાઈથી સપ્ટેમ્બર) જઈ શકાય છે, પરંતુ ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ હોવાની શક્યતા રહે છે. મેઘાલય એક એવી જગ્યા છે જ્યાં પ્રકૃતિ હજુ પણ તેના શુદ્ધ સ્વરૂપમાં સચવાયેલી છે. પહાડોની શાંતિ, નદીઓનો કલરવ અને વાદળોની રમત - આ બધું મળીને મેઘાલયને એક યાદગાર પ્રવાસન સ્થળ બનાવે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો