1960થી 1990ના સમયમાં હિન્દી પોકેટ બુક્સના ક્ષેત્રમાં ગુલશન નંદા સૌથી વધુ વંચાતા અને વેચાતા લેખક હતા. આજે જેવી રીતે નાના છોકરાઓને મોબાઇલ ફોનથી દૂર રાખવા માટે માતા-પિતા મહેનત કરે છે, તેવી રીતે એક જમાનામાં છોકરાના હાથમાં ગુલશન નંદાની પોકેટ બુક હોય તો હાહાકાર મચી જતો હતો. તેમની વાર્તાઓમાં પ્રેમ, વિરહ, બેવફાઈ, સંજોગોની મજબૂરીઓ અને તેમાંથી પ્રગટ થતી બેશુમાર લાગણીઓ છવાયેલી રહેતી હતી.
તેમણે લગભગ 50 હિન્દી નવલકથાઓ લખી હતી અને તેમાંથી કેટલીકને હિન્દી સિનેમાના પડદા પર ઉતારવામાં આવી હતી. જેમ કે, શર્મિલી, કટી પતંગ, ઝીલ કે ઉસ પાર, નયા ઝમાના, દાગ, અજનબી, ભંવર, પાલે ખાન, નીલ કમલ, પત્થર કે હોંઠ (ફિલ્મ-ખિલૌના) માધવી (ફિલ્મ-કાજલ) આવારા બાદલ (ફિલ્મ - મૈં આવારા હૂં)નો સમાવેશ થાય છે.
તેમની એક એવી જ મશહૂર નવલકથા ‘સિસકતે સાઝ’ હતી. તેમાં પ્રકાશ નામના એક દરબારી ગાયક, તેની પ્રેમિકા અને દરબારી નૃત્યાંગના રત્ના અને પત્ની જમુનાની પ્રેમભરી-દર્દભરી વાર્તા હતી. 80ના દાયકાની ફિલ્મોના શોખીન વાચકોને આ ત્રણ કિરદારોનાં નામો વાંચીને ‘કશુંક યાદ આવે છે’ની ફીલિંગ આવશે, પણ આપણે પછી તેનો ફોડ પાડીએ. ત્યાં સુધી તમે અનુમાન કરતા રહો.
જે વખતે ફ્રોક પહેરવાની ઉંમરવાળાં લતાજીને ‘તારો અવાજ બહુ તીણો છે’ કહીને ફિલ્મ સંગીતકારો મોકો આપતા નહોતા, તે વખતે ખેમચંદ પ્રકાશે ‘મહેલ’ ફિલ્મમાં આ એક ગીત ગવડાવીને લતાજીને રાતોરાત સ્થાપિત કરી દીધાં હતાં.
ખેંમચંદને રાજસ્થાનનો ‘પ્રકાશ’ કહેવાય છે. તેઓ ચુરુ જિલ્લાના સુજનગઢના હતા. તેમના પિતા જયપુરમાં સવાઈ માધોસિંહના રાજદરબારમાં ગાયક હતા. પિતાની તાલીમના પગલે ખેમચંદ પણ 19 વર્ષની વયે જયપુર દરબારમાં ગાયક બની ગયા હતા. આગળ જતાં તેઓ બિકાનેર અને પછી નેપાળના રાજદરબારમાં જતા રહ્યા હતા. નેપાળના રાજાના અવસાન પછી તેઓ કલકત્તામાં ન્યૂ થિયેટર્સ કંપનીમાં નોકરીએ લાગ્યા હતા અને ફિલ્મોના રસ્તે મુંબઈ આવ્યા હતા.
મુંબઈમાં સિનેમા સંગીતમાં સફળતા મળી પછી પણ તેમણે તેમના વતન સુજનગઢથી નાતો તોડ્યો નહોતો. ત્યાં તેમણે એક આલિશાન મકાન પણ બનાવ્યું હતું. સમય જતાં ખેમચંદ બીમાર પડ્યા, ત્યારે એક નેપાળી નર્સે તેમની ઘણી સેવા કરી. કહેવાય છે કે બંને પ્રેમમાં પડ્યાં હતાં. ખેમચંદ પ્રકાશની પત્નીનું અવસાન થયું હતું અને તેમના અંતિમ દિવસોમાં આ નર્સે પૂરા દિલથી તેમની સેવા કરી હતી. કહેવાય છે કે ઓગસ્ટ 1950માં ખેમચંદ પ્રકાશના મૃત્યુ પછી આ નર્સ પાગલ થઈ ગઈ હતી. તેને ઓળખતા લોકોએ તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે મદદ લીધી નહોતી.
ગુલશન નંદાએ આના પરથી અડધી હકીકત અને અડધી કલ્પના મેળવીને ‘સિસકતે સાઝ’ નવલકથા લખી હતી. નંદાએ એમાં સંગીતને કેન્દ્રમાં રાખ્યું હતું. એટલે જ તેનું શીર્ષક ‘સિસકતે સાઝ’ રાખ્યું હતું; સિસકતે એટલે ડૂસકાં ભરતાં અને સાઝ એટલે વાદ્યો. નવલકથામાં નાયકનું નામ પણ પ્રકાશ હતું.
આ નવલકથા ઘણી લોકપ્રિય થઇ હતી. તેના પરથી ફિલ્મ ન બને તો જ નવાઈ હતી. તમને ફિલ્મ યાદ આવી? નહીં? તમે 1976માં આવેલી રાજેશ ખન્ના-હેમા માલિનીની ‘મહેબૂબા’ ફિલ્મ જોઈ હતી? ‘સિસકતે સાઝ’નું એ ફિલ્મી વર્ઝન હતું.
ફિલ્મમાં સૂરજ (રાજેશ ખન્ના) એક વીણાવાદક છે અને એક દિવસ એક અજાણી જગ્યાએ રત્ના નામની યુવતીને ભટકાય છે, જે રોજ રાતે ભૂતિયા અવાજમાં ગીતો ગાય છે. તે તેનો પીછો કરીને એક ભૂતિયા મહેલ સુધી જાય છે, જ્યાં ખબર પડે છે કે રત્ના તો હજાર વર્ષ પહેલાં મરી ગઈ છે અને તેનો આત્મા હજુ ભટકી રહ્યો છે.
પાછળથી રત્નાને એક ચિત્ર પરથી સૂરજને તેનો આગલો જન્મ યાદ આવે છે, જેમાં તે રાજદરબારમાં પ્રકાશ નામનો ગાયક હતો અને રાજ નર્તકી રત્નાના પ્રેમમાં હતો. એ પ્રેમ ફળીભૂત થાય તે પહેલાં બંને બીજા જન્મમાં મળવાનું વચન આપીને એક દુર્ઘટનામાં માર્યા જાય છે. વર્તમાન જીવનમાં તે સૂરજ બને છે અને રત્ના એક વણઝારણ ઝુમરી બને છે. સૂરજ ઝુમરીને તેનો આગલો જન્મ અને પ્રકાશ માટેનો પ્રેમ યાદ કરાવે છે.
ગુલશન નંદાએ જ ફિલ્મની પટકથા પણ લખી હતી. ફિલ્મી પડદે આવેલી તેમની આ છેલ્લી નવલકથા. મૂળ નવલકથામાં વાર્તાનો ફલક બહુ વિશાળ હતો, એટલે નિર્માતા-નિર્દેશક શક્તિ સામંતાએ તેને પુનર્જન્મની ફોર્મ્યુલા ફિલ્મ બનાવી દીધી હતી.
નવલકથામાં પ્રકાશ અને રત્ના જયપુરનો રાજદરબાર ત્યજ્યા પછી વિખૂટાં પડી જાય છે અને ઘણાં વર્ષો પછી ભેગાં થાય છે. તે વખતે પ્રકાશ હિન્દી ફિલ્મોમાં એક સફળ સંગીતકાર બની ગયો હોય છે અને એક નવી ફિલ્મ માટે ગાયિકાની શોધખોળ દરમિયાન લખનૌમાં રત્નાને મળે છે. ફિલ્મમાં બંને ભાગે છે અને મરી જાય છે અને બીજા જન્મમાં નવા નામથી ભેગાં થાય છે.
‘મહેબૂબા’ એવા સમયે આવી હતી, જ્યારે રાજેશ ખન્નાનો સિતારો આથમવા તરફ હતો. ઇન ફેક્ટ, ‘મહેબૂબા’થી જ તેની શરૂઆત થઇ. અગાઉ ‘પ્રેમકહાની’ અને ‘મહાચોર’ ફ્લોપ થઇ ચૂકી હતી અને તેણે તેના ‘આરાધના’વાળા જાદુઈ નિર્દેશક શક્તિ સામંતા સાથે મળીને ‘મહેબૂબા’માં તેનો રોમેન્ટિક જાદુ પાછો ફેલાવવા પ્રયાસ કર્યો હતો, પણ એવું ન થયું.
ફિલ્મમાં શક્તિદાએ પુનર્જન્મ પર વધુ પડતો ભાર મૂકીને દર્શકોને બોર કરી નાખ્યા હતા. કહાની સાચે જ હ્રદયસ્પર્શી હતી, સંગીત અફલાતૂન હતું, હેમાએ સુંદર રીતે બેવડી ભૂમિકા નિભાવી હતી, પણ ખન્નામાં એ વાત નહોતી રહી, જે બે વર્ષ પહેલાં આવેલી શક્તિદાની જ ‘અજનબી’ કે મનમોહન દેસાઈની ‘રોટી’માં હતી.
અલબત્ત, ખન્નાના ચાહકોને એ બહુ ગમી હતી, પરંતુ ફિલ્મ કરતાં મૂળ નવલકથા વધુ પ્રભાવશાળી હતી. ફિલ્મમાં પ્રોડક્શન ખૂબ ઉમદા હતું. શક્તિદાએ મૂળ વાર્તામાં ફેરફાર તો કર્યા હતા, પણ કશું નવીન આપી શક્યા નહોતા. ‘મહેબૂબા’ની ઈજ્જત બચાવી હતી આર.ડી. બર્મને. પંચમદાને આપણે ધૂમધડાકાવાળા પશ્ચિમી સંગીત માટે યાદ કરીએ છીએ, પરંતુ તેમની પાસે શાસ્ત્રીય સંગીતની પણ એટલી જ ઊંડી સમજ હતી.
અગાઉ ખન્ના અને શક્તિદાની ‘અમર પ્રેમ’માં બર્મને આ સાબિત કર્યું હતું અને પછી ‘મહેબૂબા’માં તેમણે રાગ શિવરંજની આધારિત અત્યંત મધુર ગીતો બનાવ્યાં હતાં. ફિલ્મનું ‘મેરે નૈના સાવન ભાદો, ફિર ભી મેરા મન પ્યાસા’ આજે પણ યાદગાર છે.
5 વર્ષ પછી ખન્નાની હેમા માલિની સાથે પુર્નજન્મ આધારિત બીજી એક ફિલ્મ ‘કુદરત’ આવવાની હતી, પણ એ મલ્ટિસ્ટાર ફિલ્મ હતી. તેમાં રાજ કુમાર, વિનોદ ખન્ના, પ્રિયા રાજવંશ અને અરુણા ઈરાની જેવાં મોટાં સ્ટાર પણ હતાં. ખન્નાનો એ નબળો દૌર હતો એટલે તેને મલ્ટિસ્ટાર ફિલ્મમાં કામ કરવાની મજબૂરી હતી. ચેતન આનંદ જેવા નિર્દેશકના હાથમાં પુર્નજન્મ જેવો વિષય કેવી કમાલ કરે છે તેની ‘કુદરત’ સાક્ષી છે. તેની વાત ફરી ક્યારેક.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
