આયુર્વેદમાં કહેવાયું છે કે, કોઈ પણ પ્રકારના ભયની આશંકા બની રહે તો તેને `ચિંતા' કહેવામાં આવે છે. ચિંતા એ ભયથી કે કોઈ આશંકિત ભયથી ઉત્પન્ન થાય છે. માનસિક દુર્બળતા હોય તેમને આવી ચિંતા વધારે પ્રમાણમાં રહે છે.
સ્વસ્થ મગજની વ્યક્તિ મોટા ભયથી પણ ભયભીત થતી નથી, પરંતુ અસ્વસ્થ કે દૃઢ મનોબળ વગરની વ્યક્તિ થોડા ભયથી પણ ભયભીત અથવા ચિંતિત થઇ જાય છે. અતિ ચિંતાની અવસ્થામાં એકાગ્રતા, વિચારશક્તિ, નિર્ણયશક્તિ તથા સ્મૃતિશક્તિ વગેરે શિથિલ પડી જાય છે. આ રોગમાં નાનાં-નાનાં કારણોથી અધિક ભયભીત અથવા ચિંતિત થઇ જવાની માનસિક દુર્બળતા જ મોટાભાગે જોવા મળે છે.
મોટાભાગના આવા રોગીઓને કોઈ રોગ જેવા કે હૃદયરોગ, લો બ્લડપ્રેશર, એસિડિટી, વંધ્યત્વ, નપુંસકતા, અનિદ્રા વગેરે અથવા કોઈ રોગ કે રોગનો ભય અથવા કોઈ વાતનો ભય સતત રહ્યા કરે છે અને તે એક ચિકિત્સક પાસેથી બીજા પાસે અને પછી ત્રીજા પાસે એમ ફર્યા જ કરે છે અને અનેક પરીક્ષણો કરાવે છે.
ઘણીવાર તેને આર્થિક સંકટ, નોકરી કે વ્યવસાય સંબંધી સમસ્યાઓ વ્યાકુળ બનાવે છે. તે ભયસૂચક ચેષ્ટાઓથી યુક્ત રહે છે. તે વધારે પડતું બોલે છે અને પોતાના ભય વિશે જ બોલે છે. તેને રાત્રે ચિંતા વધે છે અને આ કારણને લીધે જ તેને રાત્રે ઊંઘ આવતી નથી અને ઊંઘ ઊડી જતાં પુનઃ ચિત્ત વ્યાકુળ બની જાય છે.
આવા દર્દીની નાડીની ગતિ-ધબકારા અને શ્વાસોચ્છવાસની ગતિ તીવ્ર રહે છે. પરસેવો વધારે આવે છે, જે ખાસ કરીને હાથ-પગની હથેળીઓ અને તળિયે વધારે થાય છે. વીર્યનું પતન શીઘ્ર થઇ જાય છે. ચિંતાને લીધે શરીરની માંસપેશીઓમાં તાણ રહે છે, જેથી શરીરમાં વેદના, માથું ભારે રહેવું, હાથમાં કંપન, નેત્રોનું થાકી જવું, કામમાં ચિત્ત ન લાગવું, ઉત્સાહ-સ્ફૂર્તિનો અભાવ, મોઢું સુકાયેલું રહેવું, ભૂખ ઓછી થઇ જવી, કબજિયાત, અરુચિ, આફરો વગેરે લક્ષણો રહે છે.
તેને કોઈ મકાન કે રૂમમાં અકેલા રહેવાથી ભય લાગે છે. તેને એકલા પ્રવાસ કરવાનો કે લિફ્ટમાં જવાનો ભય રહે છે અને આ ભય જ અનેક વિકૃતિઓ ઉત્પન્ન કરે છે. આ તકલીફમાં મનને શાંત કરનાર આયુર્વેદિક ઔષધીઓથી સારો ફાયદો થાય છે.આપણે ત્યાં ભય અને આશંકાઓથી ઉત્પન્ન થતી સેક્સ સંબંધિત અનેક વિકૃતિઓના દર્દીઓ પણ જોવા મળે છે. અનેક યુવકોને મિથ્યા ભ્રમ ઉત્પન્ન થાય છે કે હસ્તમૈથુન કે સ્વપ્નદોષથી તેની પ્રજનનશક્તિ નષ્ટ થઇ ગઈ છે અને આ કારણથી જ તે અશક્ત, નિર્બળ અને ફિક્કો બની ગયો છે. આવો ભય નિરાધાર જ હોય છે.
આમ, સતત ભય કે સતત ભયજનિત ચિંતાઓથી અનેક પ્રકારની આવી શારીરિક અને માનસિક વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. આયુર્વેદીય ઉપચાર અને બ્રાહ્મી, શંખપુષ્પી, વચા વગેરે જેવી ઔષધીઓ દ્વારા તેમાં ઉત્તમ પરિણામ મેળવી શકાય છે.