ગયા સપ્તાહે ફિલ્મ `કિનારા' (1977) વિશેની વાતો વાંચીને એક વાચકે લખ્યું છે કે આ ફિલ્મના ગીત `નામ ગુમ જાયેગા' બાબતે વધુ વાંચવાની ઈચ્છા છે. જરૂર. આ ગીત આવી ઈચ્છા પેદા કરે તેવું જ છે. અમુક ગીતો એવાં હોય છે જે ફિલ્મ કરતાં મોટાં થઇ જાય છે. લતા મંગેશકરનું અવસાન થયું ત્યારે આ ગીત લગાતાર વાગતું હતું અને અનેક ચાહકોએ કહ્યું હતું કે આ ગીતને જાણે લતાજી માટે જ રચવામાં આવ્યું હતું- વિશેષ કરીને તેના આ શબ્દો:
મેરી આવાઝ હી પહચાન હૈ, ગર યાદ રહે.
ગીતના રચિયતા ગુલઝારે પણ પાછળથી એકરાર કર્યો હતો કે ગીતના આ શબ્દો ફિલ્મમાંથી નીકળીને લતાના જીવન અને કામની એક કાયમી ઓળખના રૂપમાં જડાઈ ગયા હતા. એક ઈન્ટરવ્યૂમાં ગુલઝાર કહે છે, `મેં એકવાર તેમને કહ્યું હતું કે તમે જ્યારે ઓટોગ્રાફ આપો, ત્યારે તમે આ પંક્તિ લખજો - મેરી આવાઝ હી પહચાન હૈ.'
આ કેવળ એક ફિલ્મી ગીત જ નથી, તે જીવન, સ્મૃતિ અને મનુષ્યના અસ્તિત્વ પર લખવામાં આવેલું એક ગહન દાર્શનિક ચિંતન છે. ગુલઝારના અર્થપૂર્ણ શબ્દો, આર. ડી. બર્મનનું સંયત સંગીત અને લતા મંગેશકર-ભૂપિન્દર સિંહના આત્મીય અવાજો મળીને તેમાં એક એવો અનુભવ રચાય છે, જે સંગીત પ્રેમીઓની દરેક પેઢીને નવો અર્થ આપતા રહે છે.
મધ્ય પ્રદેશના ઐતિહાસિક શહેર માંડુના પ્રાચીન કિલ્લામાં આ ગીતનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. ભુલભુલૈયા જેવા લાગતા આ વિરાટ કિલ્લાની વચ્ચે ઊભેલી નાયિકા આરતી (હેમા માલિની) પોતાના જીવનની ગૂંચવણ, એકલતા અને અસ્તિત્વના પ્રશ્નોને શબ્દ આપવા માટે આ ગીત ગાય છે. કિલ્લાની વિશાળતા, સૂનકાર અને સમયના ઘસારાથી ધૂંધળા પડેલા પથ્થરો જાણે ગીતની પંક્તિઓને દૃશ્યરૂપ આપી દે છે.
અગાઉ લેખમાં વાત કરી હતી તેમ આરતી કાર અકસ્માતમાં ગુમાવેલા તેની પ્રેમી ચંદન(ધર્મેન્દ્ર)ને ભૂલી શકતી નથી અને તેના જીવનમાં નવા આવેલા ઇન્દર(જીતેન્દ્ર)ને સ્વીકારી શકતી નથી. તેવી અસમંજસ વખતે આ ગીત આવે છે.
આ ગીતની સૌથી મોટી વિશેષતા એ છે કે મોટાભાગનાં ગીતો જ્યાં પૂરાં થાય છે, ત્યાંથી આ શરૂ થાય છે. સામાન્ય રીતે પ્રેમગીતોમાં સુંદરતાની, મિલનની અથવા વિરહની અભિવ્યક્તિ હોય છે, પરંતુ `કિનારા'નું આ ગીત તેની પહેલી જ પંક્તિમાં જીવનની સૌથી મોટી સચ્ચાઈ- ક્ષણ ભંગુરતાનો સ્વીકાર કરી લે છે;
નામ ગુમ જાગેગા,
ચેહરા યે બદલ જાયેગા,
મેરી આવાઝ હી પહચાન હૈ,
ગર યાદ રહે.
આ ચાર પંક્તિઓમાં જાણે મનુષ્યના અસ્તિત્વની કથા સમાઈ ગઈ છે. નામ, જેને આપણે આપણી ઓળખ માનીએ છીએ, સમય જતાં લોકોની સ્મૃતિમાંથી ઓગળી જાય છે. ચહેરો, જેના પર આપણને આટલો ગર્વ હોય છે, ઉંમર સાથે બદલાઈ જાય છે. સમય ધીમે-ધીમે આપણી દરેક બાહ્ય ઓળખને ભૂંસી નાખે છે.
પરંતુ આ બધાની વચ્ચે એક ઓળખ એવી છે, જે સમયની ધૂળથી ઢંકાતી નથી - આપણો અવાજ. અહીં `અવાજ'નો અર્થ માત્ર ગળામાંથી નીકળતો સ્વર નથી, તે આપણા વ્યક્તિત્વનો નાદ છે; આપણી સંવેદનાઓ, વિચારો, પ્રેમ, કરુણા અને સર્જનશીલતાનો પડઘો છે. આત્મામાંથી ગુંજેલો અને બીજા કોઈની આત્મામાં સંભળાયેલો અવાજ જ આખરે મનુષ્યની સાચી ઓળખ બની રહે છે.
આ નાનકડા વાક્યમાં જેટલી વિનમ્રતા છે, એટલી કદાચ ભાગ્યે જ બીજા કોઈ ગીતમાં મળે - મેરી આવાઝ હી પહચાન હૈ, ગર યાદ રહે. અહીં અમર હોવાનો દાવો નથી, કેવળ યાદ રહી જવાની એક શાંત આશા. કવિ (નાયિકા) ભ્રમમાં નથી કે તેનો અવાજ અમર છે. તે કહે છે કે યાદ રાખી શકે તો મારા અવાજને યાદ રાખજે, મારો આત્મા એમાં ધબકે છે અને એટલે જ જીવનની કડવી વાસ્તવિકતાથી વાકેફ તે બીજી પંક્તિમાં કહે છે;
વક્ત કે સિતમ કમ હસીં નહીં
આજ હૈ યહાઁ કલ કહીં નહીં
વક્ત સે પરે અગર મિલ ગયે કહીં.
સમયથી મોટો કોઈ વિજેતા નથી. જે આજે આપણી સામે છે, તે કાલે ક્યાં હશે તેની કોઈ ખાતરી નથી. માણસો બદલાય છે, સંબંધો બદલાય છે, સંજોગો બદલાય છે અને એક દિવસ આપણે પોતે પણ સમયના પ્રવાહમાં વિલીન થઈ જઈએ છીએ.
પરંતુ ગુલઝાર અહીં એક અત્યંત સુંદર કલ્પના રજૂ કરે છે - જો ક્યારેય સમયની સીમાઓની બહાર, સ્મૃતિના કોઈ અજાણ્યા પ્રદેશમાં ફરી મુલાકાત થાય, તો ઓળખ નામ કે ચહેરાથી નહીં, અવાજથી થશે, કારણ કે અવાજ જ એવી વસ્તુ છે, જે મનુષ્યના અસ્તિત્વનો સૌથી આંતરિક પડઘો બનીને બીજા હૃદયમાં જીવંત રહી શકે છે.
ગુલઝારની ખૂબી એ હતી કે તેમણે સાધારણ લાગતા શબ્દોમાં અસાધારણ અર્થ ભરી દીધા હતા. આર. ડી. બર્મને તેને શાનદાર રીતે ધૂનમાં પરોવ્યા હતા. તેમણે ઓછામાં ઓછાં વાદ્યોનો ઉપયોગ કરીને ગુલઝારની કવિતાના પ્રવાહને સહારો આપવા પ્રયાસ કર્યો હતો. સૂરોની વચ્ચે મૌન પણ એટલું અર્થપૂર્ણ હોય છે જેટલા સ્વયં સૂર.
ગીત રાગ યમન પર આધારિત છે, જે શાંતિ, આત્મચિંતન અને મધુર વિરક્તિનો રાગ મનાય છે. એમાં એક ખાસ વાત લયનો અભાવ નહીં, તેનો સંયમ છે. સિત્તેરના દાયકામાં મોટાભાગનાં લોકપ્રિય ગીતોની જેમ આ ગીતમાં તબલાં કે ઢોલકની થાપ એટલી પ્રભાવશાળી નથી, જે શ્રોતાઓને બાંધી રાખે. તાલ એટલો ધીમો છે કે એની હાજરી પણ મહેસૂસ ન થાય. ગીત સંગીતની કોઈ નિશ્ચિત ગતિએ નહીં, પણ વિચારોની ગતિએ આગળ વધે છે.
પંચમે અહીં મૌનને પણ એક વાદ્યની રીતે ઉપયોગમાં લીધું છે. તેઓ મહત્ત્વની પંક્તિઓ પછી નાના-નાના વિરામ છોડી દે છે. સામાન્યત: સંગીતકારો આ ક્ષણોને વાયોલિન, વાંસળી કે અન્ય વાદ્યોથી ભરી દે છે, પણ અહીં તેઓ શ્રોતાઓને વિચારવા માટે મોકો આપે છે. આ ઠહેરાવ જ ગીતને અસાધારણ ગહેરાઈ બક્ષે છે.
એટલે જ આ ગીત સમયની સાથે જૂનું નથી થયું. તેણે ક્યારેય, તેમાં જે પ્રકારે ભાવ છે તે પ્રમાણે અમર થવાની કોશિશ નથી કરી, એટલે જ તે યાદગાર બની ગયું. તેણે જીવનનું એક કઠિન સત્ય અત્યંત સરળ રીતે કહી દીધું. સમય આપણું નામ મિટાવી શકે છે, ચહેરા બદલાઈ શકે છે, પણ આપણા અવાજની સચ્ચાઈ, પ્રેમ અને સંવેદનાને દૂર સુધી પડઘાવે છે.
કદાચ આ જ કોઈ માણસની અસલી ઓળખ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
