અંગ્રેજીમાં રોજેઝ થિસોરસ ખૂબ જાણીતો છે. ગુજરાતીમાં લખનારા પંચાણુ ટકા પત્રકારો-લેખકોને ખબર નથી કે થિસોરસ એટલે શું અને બાકીના પાંચ ટકાઓમાંથી ભાગ્યે જ એક ટકો એનો ઉપયોગ કરતા હશે.
થિસોરસ એટલે પર્યાયકોશ. એક જ શબ્દના વિવિધ પર્યાયો, વિવિધ અર્થચ્છાયાઓ ધરાવતા શબ્દો, એના વિરુદ્ધાર્થી તેમજ અન્ય સમાનાર્થી શબ્દો. આ સઘળુંય તમને એક સારા થિસોરસમાંથી મળી રહે. દાખલા તરીકે, વાઈવેશ્યસ શબ્દનો અર્થ તમને પી. જી. દેશપાંડે (પાંડુરંગ ગણેશ દેશપાંડે)ના અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશમાંથી ઉત્સાહી, આનંદી, ઉલ્લાસવાળી વ્યક્તિ - એટલો જ મળે, પણ રોજેઝ થિસોરસમાંથી લગભગ દોઢસો જેટલી અર્થચ્છાયાઓ તમને આ એક જ શબ્દની મળે.
ગુજરાતીમાં ડૉ. મફતલાલ ભાવસારે `પાયાનો પર્યાયકોશ' પ્રગટ કરીને આ દિશામાં ખરેખર પાયોનિયરિંગ કામ કર્યું છે. આ ખૂબ મોટા નહીં એવા કોશમાં 2,151 શબ્દ પસંદ કરીને એના પર્યાયો, સમાનાર્થી તેમજ વિરુદ્ધાર્થી શબ્દો આપવામાં આવ્યા છે. જેમ કે, શબ્દ નં. 1615 `મૂર્ખ'ની એન્ટ્રીમાં તમને અડબંગ, ઉલ્લુ, જડભરત, ટણપુ, બબૂચક, નાદાન, બુડથલ, મંદમતિ અને રોંચોથી માંડીને ભોપો સુધીના લગભગ ત્રણ ડઝન જેટલા સમાનાર્થી શબ્દો જાણવા મળે, જે તમારા પરિચયમાં આવતા એ પ્રકારના લોકો માટે વાપરવાનું નક્કી કરો તો દરેકને એક્સક્લુઝિવ શબ્દથી તમે ઓળખી શકો. તમારે એકના એક વિશેષણનું પુનરાવર્તન ન કરવું પડે.
એક વખત મારા કોઈ લેખમાં `રેંજીપેંજી' શબ્દનો ઉલ્લેખ વાંચીને ગુજરાતી નાટ્યલેખન જગતના ભીષ્મ પિતામહ પ્રવીણ સોલંકીએ મને કહ્યું કે રેંજીપેંજી જેવા જ બીજા શબ્દો છે આલિયોમાલિયો અને ભાજીમૂળા!
ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરે પણ ડૉ. ઈશ્વરલાલ હ. દવેના માનાર્હ સંપાદન હેઠળ `ગુજરાતી ભાષાનો પર્યાયકોશ' શીર્ષક હેઠળ મોટી સાઈઝનો થિસોરસ પ્રગટ કર્યો છે.
કયો શબ્દ ક્યાંથી આવ્યો તેનું શાસ્ત્ર ગુજરાતીમાં વ્યુત્પત્તિશાસ્ત્ર તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં ઈટિમોલોજી. ગુજરાતીના સૌથી જાણીતા ભાષાશાસ્ત્રી સ્વ. ડો. હરિવલ્લભ ભાયાણીએ આવા એક સૌ પ્રથમ વ્યુત્પત્તિકોશનું સંપાદન કર્યું. દાખલા તરીકે, કોથમીર શબ્દ ક્યાંથી આવ્યો તે જાણવું હોય તો ભાયાણી સાહેબના ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરે પ્રગટ કરેલા આ કોશ પરથી ખબર પડે કે મૂળ સંસ્કૃત શબ્દ હતો કુસ્તુંબરી, જેના પરથી પ્રાકૃતમાં કોત્થંબરી બન્યો, જે ગુજરાતીમાં કોથમીર બનીને કોપરાના ખમણની સાથે ખમણ પર ભભરાવવામાં આવ્યો.
આ જ રીતે ભોજાઈ (નણંદ-ભોજાઈવાળી ભોજાઈ) શબ્દ મૂળ સંસ્કૃતમાં ભાતૃજાયા (ભાઈની પત્ની અર્થાત્ ભાભી) છે, જેનું પ્રાકૃત ભાષામાં સ્વરૂપ બન્યું ભાઉજ્જાઈઅ અને છેવટે ગુજરાતીમાં ભોજાઈ રૂપ બન્યું. કેવી સુંદર ભાષા છે આપણી, ખ્યાલ આવે છે? પુરુષ માટે ભાઈની પત્ની ભાભી અને સ્ત્રી માટે એ જ ભાઈની પત્ની ભોજાઈ બની જાય. અંગ્રેજીમાં આ બેઉને જ નહીં, સાળીને અને દેરાણી-જેઠાણીને પણ એક જ લાકડીએ હાંકવાની: સિસ્ટર-ઈન-લો!
ભાયાણીસાહેબના આ વ્યુત્પત્તિકોશની ઉત્પત્તિ રાલ્ફ લીલી ટર્નરે 1914થી આરંભેલા ભારતીય-આર્ય ભાષાઓના તુલનાત્મક વ્યુત્પત્તિદર્શક કોશ પર આધારિત છે એવું એમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે અને કોશ ટર્નરને જ અર્પણ કર્યો છે. ગુજરાતી કોશ-સાહિત્યમાં આ કોશ એક અણમોલ ઉમેરો કરે છે.
બીજો એક અણમોલ ઉમેરો ભાયાણી સાહેબને `લઘુ વ્યુત્પત્તિકોશ'માં આસિસ્ટ કરનારાં ભાષાશાસ્ત્રી ડો. ઊર્મિ ઘનશ્યામ દેસાઈએ કર્યો છે. ડો. ઊર્મિબહેને `સ્મૃતિસંચિત શબ્દભંડોળ' નામના શબ્દકોશનું સંપાદન કર્યું છે. આ એક યુનિક કોશ છે. કેવી રીતે યુનિક છે? મોટી સાઈઝનાં 500થી વધુ પાનાંના આ કોશની પ્રસ્તાવનામાં ડૉ. ઊર્મિબહેન લખે છે :
`અહીં સંગ્રહ કરવામાં આવેલા શબ્દો એવા છે, જે મારી પોતાની સ્મૃતિમાં સંચિત થયેલા, જળવાયેલા, સંઘરાયેલા છે અને જેને સ્મૃતિમાંથી સંભારીને, યાદ કરીને, પુનર્જીવિત કરીને (રિકૉલ, રિકલેક્ટ, રિમેમ્બર, રિવાઈવ) નોંધવામાં આવ્યા છે. શબ્દોને સંભારવા, યાદ કરવા કે પુનર્જીવિત કરવા માટે, તે વિશેની માહિતી મેળવવા માટે કોઈ પણ પ્રકારનાં પુસ્તક, સામયિક, વર્તમાનપત્ર, કોશ જેવી મુદ્રિત કે કોઈ પણ પ્રકારની લેખિત સામગ્રીનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી.'
આટલું મોટું ગંજાવર કાર્ય ઊર્મિબહેને માત્ર પોતાની સ્મૃતિના આધારે કેવી રીતે કર્યું. પ્રસ્તાવનામાં તેઓ સમજાવે છે:
`(સૌપ્રથમ) જીવનનાં મુખ્ય મુખ્ય પાસાંને સ્પર્શતાં એવાં પચાસેક જેટલાં અર્થાત્મક ક્ષેત્રો પહેલેથી નક્કી કરીને એ પ્રમાણે વિભાગો પાડવામાં આવ્યા (જેમ કે: ખાદ્યસામગ્રી, રમતગમત, કલા-સંસ્કૃતિ વગેરે). પછી દરેક અર્થક્ષેત્રના વિભાગ પર ધ્યાન કેન્દ્રિત કરીને વધુ ને વધુ શબ્દો યાદ કરી કરીને પાનાં પર નોંધી લેવામાં આવ્યા. દરેક વિભાગના શબ્દોની નોંધ અલગ અલગ કરવામાં આવી. દરેક શબ્દ માટે અલગ અલગ સૂચિકાર્ડ (ઈન્ડેક્સ કાર્ડ) બનાવવામાં આવ્યું. દરેક વિભાગનાં સૂચિકાર્ડો એકસાથે બાંધીને રાખવામાં આવ્યાં. દરેક વિભાગમાંથી અર્થાત્મક રીતે જો પેટાવિભાગો થઈ શકતા હોય તો તે અલગ તારવવામાં આવ્યા. દરેક વિભાગ પર વારંવાર વિચાર કરતાં જઈને જેમ જેમ શબ્દો યાદ આવતા જાય તેમ તેમ ઉમેરી લેવામાં આવ્યા. પછી દરેક વિભાગના સૂચિકાર્ડોના શબ્દોની કક્કાવારી પ્રમાણે ગોઠવણી કરવામાં આવી અને પછી એ દરેક શબ્દનું અંગ્રેજી ભાષાંતર આપવામાં આવ્યું.'
ઊર્મિબહેને પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી યેસપર્સન (ઓટ્ટો યેસપર્સન, ડેનિશ ભાષાશાસ્ત્રી, 1860-194૩)ને ટાંકીને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની માતૃભાષાના તમામ શબ્દ સંચયમાંથી માંડ દસમા ભાગના શબ્દો પણ ભાગ્યે જ જાણતી હોય છે.
આ કોશનો વિભાગ નં. ૩5 ખાદ્ય વાનગીઓનો છે, જેમાં રોટલી-પૂરી જેવી વાનગીઓ, ફરસાણ, મિષ્ટાન્ન, દૂધ-દહીંની વાનગીઓ, ભાતની અને ભાત જેવી વાનગીઓ, શાકભાજીની વાનગીઓ, અથાણાં, સૂકા નાસ્તા, ભૂંજેલા-શેકેલા નાસ્તા, પીણાં, ખાટી-મીઠી ગોળીઓ અને બિસ્કિટો, મુખવાસ, વાનગીઓમાં વપરાતી વસ્તુઓ, ખોરાક માટેના શબ્દો, ખાવા માટેની જગ્યાઓ અને વાનગી બનાવવા માટેની ક્રિયાઓ જેવા કુલ સત્તર પેટા વિભાગો છે.
આમાંના માત્ર એક જ પેટા વિભાગનો ટેસ્ટ કરીએ. વૈધાનિક ચેતવણી: ડાયાબિટીસવાળાઓએ હવે પછીનો ફકરો વાંચવાનું ટાળવું: અડદિયા, ઓરમું, કળીના લાડુ, કંસાર, કાજુકતરી, કાટલું, કેક, કોપરાપાક, ખાજલી, ખાજું, ગળી બુંદી / છૂટી બુંદી, ગળી સેવ, ગાજરનો હલવો,
ગુલાબજાંબુ, ગુંદરપાક, ગોળપાપડી, ઘારી, ઘૂઘરા, ઘેબર/ઘેવર, ચંદ્રકળા, ચીકી, ચીકુહલવો, ચૂરમાના લાડુ, ચૂરમું, જલેબી, જેલી, ઠોર, તલસાંકળી, દળ, દૂધીનો હલવો, પતાસું, પાક, પિસ્તાંકતરી, પેઠા, બદામપાક, બદામપૂરી, બરફી ચૂરમું, બુંદીના લાડુ, મગજ-મગસના લાડુ, મગની દાળનો શીરો, મઠડી, માલપૂડા/માલપૂઆ, મેથીના લાડુ/મેથિયા લાડુ, મેથીપાક/મેસૂબ/મેસૂર, મોતિયા લાડુ, મોતીચૂર/મોતીચૂરમું, મોહનથાળ, રવાના લાડુ, રવાપાક, રેવડી, લાપસી/લાપશી, લાડવા/લાડુ, લીલો હલવો, વરિયાળીની બરફી, વસાણું, શીરો, સાટા, સાલમપાક, સુખડી, સૂકો હલવો, સૂતરફેણી, સેવ/સેવૈયાં, સોહન હલવો, હલવાસણ/હલવાસન, હલવો અને હારડો.
એમાં પાછા આ દરેક શબ્દની અંગ્રેજીમાં સમજૂતી પણ છે. દાખલા તરીકે વોટ ઈઝ ચંદ્રકળા એવું કોઈ તમને પૂછે તો તમે વટથી એમને કહી શકો કે ઈટ ઈઝ: થ્રી લેયર્સ ઑફ થિન ફાઈન વ્હાઈટફલાર પૅનકેક કોટેડ વિથ સ્વીટન્ડ રાઈસફલાર ફિલિંગ રોલ્ડ આઉટ ઍન્ડ કટ, ધેન, ફ્રાઈડ ઈન ઘી.
શું કહ્યું! રસગુલ્લા રહી ગયા? શીખંડ પણ? અરે ભાઈ, એ બધું એ પછીના પેટા વિભાગ નં. 4માં આવે, જેનું મથાળું છે દૂધ-દહીંની વાનગીઓ. હવે તમે લલચાવો નહીં, એની પણ આખી યાદી લખો એવું કહીને.
ઓકે.
એમાંથી માત્ર પાંચ શબ્દો કહીશ: દૂધપાક, પેંડા, બરફી, રબડી અને રસમલાઈ.
બસ?
સાયલન્સ પ્લીઝ!
ફક્ત ત્રણ એક્કાથી કંઈ નહીં વળે, સામેવાળાને પણ રોન હોવી જોઈએ!
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
