એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આખી દુનિયામાં યુદ્ધવિરામ કરાવવા માટે થનગની રહ્યા છે.
તો બીજી તરફ અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કમાં એક આધુનિક જંગ ખેલાઈ રહ્યો છે. એ યુદ્ધ આધુનિક છે, છતાં એ યુદ્ધ એવા ચોપગા સામે છે કે જાણીને આશ્ચર્ય પણ થાય. ન્યૂયોર્ક શહેરમાં આતંક મચાવી રહેલા ઉંદરમામા સામે એ જંગ શરૂ થયો છે.
ન્યૂયોર્કના રસ્તા, ગલીઓ અને સબવે તમામ સ્થળે ઉંદરો કૂદાકૂદ કરી રહ્યા છે. ઉંદરોના ડરથી લોકો પોતાનાં સંતાનોને ફૂટપાથ પર ચાલવા દેતા પણ ડરે છે. ઉંદરોના આતંકને પગલે ન્યૂયોર્ક શહેરના સ્વાસ્થ્ય વિભાગે ઉંદરો સામે આધુનિક જંગ માંડ્યો છે. આપણે ત્યાં તો ઉંદરોને પકડવા માટે પાંજરાં મૂકવામાં આવે કે ઝેરની ગોળી મૂકી દેવામાં આવે, પરંતુ ધીરે ધીરે ઉંદરો પણ બુદ્ધિશાળી થઈ ગયા છે. પાંજરામાં ભાગ્યે જ પુરાય છે, તો ઝેરની અસર હવે તેઓ પચાવી ગયા હોય એમ મરતા નથી. એ જ સવાલ ન્યૂયોર્કને પણ સતાવે છે. 85 લાખની વસ્તીવાળા આ શહેરમાં ખાવા-પીવાનું મળી રહે છે. કચરાપેટીથી માંડીને ઉકરડા સુધી ઉંદરોને પોતાનું ભોજન મળી રહે છે. એમ પણ ઉંદરોને દરરોજ ફક્ત 28 ગ્રામ ભોજન જ જોઈતું હોય એટલું નાનું પેટ તો ભરાઈ જ જાય. પેટ ભરાય એટલે ઉંદરો માટે બીજું એક જ કામ બાકી રહે છે, તે બચ્ચાં પેદા કરવાનું!
માદા ઉંદર ફક્ત 20થી 24 દિવસમાં જ બચ્ચાં પેદા કરતી હોય છે. એકસાથે તે 12 બચ્ચાં પેદા કરવાની ક્ષમતા રાખે છે. એક કે બે વર્ષનું આયુષ્ય ધરાવતા ઉંદરો ફક્ત જન્મનાં 6 જ અઠવાડિયાંમાં બચ્ચાં પેદા કરવાની ક્ષમતા કેળવી લે છે. એક-બે વર્ષમાં તો તે 5થી 7 વખત બચ્ચાં પેદા કરે છે. આ પ્રજનન ક્ષમતાને કારણે જ ઉંદરોની જમાત વધતી જ જાય છે. ન્યૂયોર્ક જેવા શહેરમાં ઉંદરોનો ઉત્પાત બહુ ચલાવી લેવાય નહીં. એ કારણે જ 2020 પહેલાં ઉંદરો પર નિયંત્રણ લાદવા માટે ઝુંબેશ હાથ ધરાઈ હતી. એ કારણે જ શહેરના કેટલાય વિસ્તારમાં 90 ટકા ઉંદરોની વસ્તી નાબૂદ થઈ ગઈ હતી. એમ લાગતું હતું કે ઉંદરોની સમસ્યાથી છુટકારો મેળવવામાં ન્યૂયોર્કને સફળતા મળી ગઈ.
જોકે, એ સફળતાની ઉજવણી થાય એ પહેલાં જ આખી દુનિયાનો કોરોનાએ ભરડો લીધો અને એ જ કોરોનાએ ઉંદરોને ફરીથી ફૂલવાફાલવા માટે પૂરતી મોકળાશ આપી દીધી. કોરોનાને કારણે શહેર જાણે થંભી ગયું અને ભોજન પણ બહાર ખુલ્લામાં વેરવિખેર મળી જતું હતું. બસ, પછી તો પૂછવું જ શું? ઉંદરોએ તો ખાઓ-પીઓ ને વસ્તી વધારોનું સૂત્ર અપનાવી લીધું હોય એમ પાંચ જ વર્ષમાં હવે ન્યૂયોર્કમાં ઉંદરમામા લોકો માટે કંસમામા સાબિત થઈ રહ્યા છે. ભારે બગાડ કરવા સાથે ઉંદરોનો ઉપદ્રવ વધી પડ્યો હતો. એ કારણે જ ઉંદરો પર નિયંત્રણ મૂકવા માટે તેમને ભોજન ન મળે એ હેતુથી શહેર પ્રશાસને સીલબંધ કન્ટેનર કચરો નાખવા માટે આપ્યાં, જેથી ઉંદરોને ખાવાનું મળે જ નહીં. માણસ જે ભોજનનો ઉપયોગ કરે એ તમામ ચીજો ઉંદરો ઓહિયા કરીને જીવન ગુજારો કરી લેતા હોય છે. વળી, માનવજાત ભોજનની ચીજ ગમે ત્યાં વેરવિખેર ફેંકી પણ દેતી હોય, તેથી ઉંદરોને ભૂખે મરવાની નોબત આવતી જ નથી. એ ઓછું હોય એમ કબૂતરો કે બીજાં પક્ષીઓ માટે નાંખવામાં આવતું ચણ પણ તેઓ આરોગી લે એટલે ભૂખમરો તેમને ભરખી ન જાય! એ કારણે પહેલાં તો ન્યૂયોર્ક શહેર પ્રશાસને કેટલાંક નિયંત્રણો તો લાદ્યાં, પરંતુ તેમની વસ્તી તો કૂદકે ને ભૂસકે વધતી જ રહી, તેથી હવે આધુનિક યુદ્ધ લડવાનું શરૂ થયું છે.
ન્યૂયોર્કના સ્વાસ્થ્ય વિભાગના 70 ઈન્સ્પેક્ટરો શહેરમાં ફરી ફરી ઉંદરો રહે એવી જગ્યા શોધી કાઢે છે. તેઓ ઘર, દુકાન અને ઓફિસમાં જઈને ઉંદરો પેદા ન થાય એ માટે સફાઈ કરવા તેમજ ઉંદરોનો ત્રાસ કઈ રીતે ઓછો કરી શકાય એ માટે ઉપાય પણ સૂચવે છે. ઉપરાંત તેઓ એવા ગાળિયા ગોઠવે છે કે ઉંદરોની નસબંધી થઈ જાય. મતલબ કે નવા ઉંદરો પેદા કરવાની ક્ષમતા જ ન રહે! સ્વાસ્થ્ય વિભાગ ઉચ્ચ ટેક્નોલોજીથી સજ્જ મેપિંગ ટૂલનો ઉપયોગ કરે છે. એ ઉપરાંત મોબાઈલ એપનો ઉપયોગ કરીને પણ ઉંદરોને શોધી કાઢી તેમને મારવામાં આવે છે.
જોકે, ઉંદરોને ભોજન નહીં મળે એવાં નિયંત્રણો, તેમની નસબંધી અને તેમને મારી નાંખવા એમ ત્રણ મોરચે યુદ્ધ ચાલી રહ્યું છે, છતાં હજુ ન્યૂયોર્ક શહેર ઉંદરથી છુટકારો પામી શક્યું નથી.
