ચોમાસુ એ કુદરતની એવી કોમેડી ફિલ્મ છે જેમાં માણસ એક એક્ટર છે અને વરસાદ એક ડિરેક્ટર. ચોમાસુ શરૂ થાય અને ધનાધન વરસાદ વરસે ત્યારે મહિનાઓથી વરસાદની રાહ જોનારાઓ વરસાદના બે જ દિવસ પછી કહેવા માંડે છે, `હે ભગવાન, હવે થોડો બ્રેક આપો.' ચોમાસામાં કુદરત કરતાં વધારે મનોરંજન તો આપણા ઘરમાં અને રસ્તા પર જોવા મળે છે.   

સૌથી પહેલો હુમલો કપડાં પર થાય છે. બહાર સૂકવવા મૂકેલાં કપડાં અચાનક આવેલો વરસાદ પલાળી નાખે છે. કપડાં અંદર સૂકવવા મૂકો તો આખું ઘર લોન્ડ્રી જેવું બની જાય છે. દરેક રૂમમાં દોરી બાંધેલી હોય અને એના પર કપડાંનાં તોરણ લટકતાં હોય. એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે બે શર્ટ, ત્રણ લેંઘા, પંજાબી ડ્રેસ, દાદાનું ધોતિયું, બાનો સાડલો એ બધા વચ્ચેથી રસ્તો કરીને જવું પડે છે. એવું લાગે જાણે જંગલમાં ટ્રેકિંગ પર નીકળ્યા હોઈએ. ત્રણ દિવસ પછી પણ કપડાં સુકાય નહીં. શર્ટ પહેરો તો લાગે જાણે ફ્રીઝમાંથી કાઢીને પહેર્યું હોય એવું લાગે. ઉપરથી એમાં ભેજવાળી `ભેદી' વાસ પણ આવતી હોય છે.   

પાપડ, ખાખરા અને બિસ્કિટ ચોમાસામાં પોતાનો કડક સ્વભાવ ત્યજી અને ઢીલાઢસ બની જાય છે. કૉફી અને બોર્નવિટા અચાનક સંગઠિત થઈ પાઉડરમાંથી ગઠ્ઠાનું સ્વરૂપ ધારણ કરી લે છે. જેને કાઢવા ચમચીથી ખોદકામ કરવું પડે છે અને આપણા ઘરમાં બુલડોઝર રાજ આવી જાય છે.   

પછી આવે છે મચ્છરો. એમની વસ્તીવૃદ્ધિનો દર ચીનને પાછળ પાડી દેતી ભારતની વસ્તીની જેમ વધી જાય છે. ઉપરથી પાંખોવાળાં ફૂદાં જીવડા લાઇટ જોઈને ઘરમાં ઊડીને ઘૂસી આવે છે. થોડા સમય પછી એમની પાંખો અલગ પડી જાય અને જીવડા અલગ ફર્યા કરે છે. કોર્પોરેશનના સફાઈકર્મી રોડ વાળીને જાય પછી કચરો ઊડ્યા કરે એમ આ ફૂદાની પાંખો આખા ઘરમાં ઊડ્યા કરે છે.   

ચોમાસામાં એક અજીબ ઘટના કાયમ ઘટતી હોય છે. ઘરની બહાર નીકળો ત્યારે આકાશ એટલું કોરું હોય કે છત્રી કે રેઈનકોટ લેવાનું મન જ ન થાય, પણ તમે માંડ ગલીના નાકે પહોંચો ત્યાં જ વાદળો જાણે તમારા નીકળવાની રાહ જોતાં હોય એમ કચ્ચીને વરસાદ તૂટી પડે. માણસ સૌથી પહેલાં મોબાઇલ બચાવવા જાય છે, પણ ત્યાં સુધીમાં તો એ પલળેલા કૂકડા જેવો થઈ ગયો હોય છે.   

રસ્તા પર પાણી ભરાય એટલે ખાડો ક્યાં છે અને રસ્તો ક્યાં છે એ શોધવા માટે સીઆઇડીની જરૂર પડે છે. સ્કૂટર લઈને નીકળનાર દરેક માણસ અંદાજના આધારે ડ્રાઇવિંગ કરે છે. ક્યાંક રસ્તા પર ભૂવો પડી જાય છે જેમાં વાહનો ગરક થઈ જાય છે. ક્યાંક ટ્રાફિક જામ થાય અને લોકો કલાકો સુધી અટવાઈ જાય છે. આમાં કેટલાક શોખીન લોકો વરસાદમાં પલળવા નીકળે છે અને ઢીંચણ સમા નીરમાં જળચરની જેમ ફર્યા કરે છે.   

આ ઋતુમાં દાળવડાં, ભજિયાં, મકાઈ અને ગરમાગરમ ચાનું વેચાણ દેશની અર્થવ્યવસ્થા સુધારી દે એટલું વધી જાય. કીટલી પર ઊભા રહીને ગરમ ચા પીતા વરસાદ જોવાની મજા અલગ જ હોય છે. જે લોકો થોડા દિવસ પહેલાં ગરમી સામે મોરચો કાઢતા હતા, એ જ હવે બફારાની ફરિયાદો કરવા લાગે છે. એટલે ફરિયાદનો વિષય બદલાય છે, ફરિયાદી નહીં!   

છાપાં ભીનાં થઈ જાય, શરદી-ઉધરસ શરૂ થાય, લોકો છીંકોના રેકોર્ડ બનાવે, ટનબંધ ભજિયાં-દાળવડાં ઝાપટી જાય, સોશિયલ મીડિયામાં વરસાદના ફોટા મૂકે. ક્યાંય પૂર આવે તો ધસમસતું પૂર જોવા લોકો ધસી જાય. જાણે કુદરતે નવું પ્રવાસન સ્થળ જાહેર કર્યું હોય.   

આટલી બધી અગવડો છતાં ચોમાસુ આવે એટલે મન ખુશ થઈ જ જાય છે. હરિયાળી, ઠંડક, ખેડૂતોના ચહેરા પરનું સ્મિત અને ધરતીની તાજગી - આ બધું વરસાદ જ આપે છે. એટલે ગમે તેટલી ફરિયાદો કરીએ, ગમે તેટલા ભીના થઈએ, ગમે તેટલા મચ્છરો સહન કરીએ, અંતે તો કહેવું જ પડે કે ચોમાસા વગર વર્ષ ચાલે નહીં, કારણ કે વરસાદ માત્ર પાણી નથી વરસાવતો, હાસ્યની અઢળક ક્ષણો પણ વરસાવતો રહે છે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો