દેશ અને દુનિયામાં અનેક કિલ્લાઓ અને મઠ આવેલા છે. અમુક કિલ્લાઓની રચના એટલી અદ્ભુત છે કે તેને જોઇને મનમાં પ્રશ્ન થાય કે આની રચના કેવી રીતે કરવામાં આવી હશે! એવા જ એક કિલ્લાનું નામ મોન્ટ સેન્ટ મિશેલ છે. ફ્રાન્સના નોર્મેન્ડી અને બ્રિટનની સરહદ પર આવેલ મોન્ટ સેન્ટ મિશેલ વિશ્વની વિસ્મયકારી અજાયબીઓમાંની એક છે. દરિયાની વચ્ચે એક વિશાળ ગ્રેનાઇટના ખડક પર બનાવવામાં આવેલ આ કિલ્લો માત્ર એક સ્થાપત્ય નથી, પરંતુ કુદરતી સૌંદર્ય, માનવ શ્રદ્ધા અને લશ્કરી વ્યૂહરચનાનો સંગમ છે. 1979માં યુનેસ્કો દ્વારા તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
મોન્ટ સેન્ટ મિશેલની રચનાનું રહસ્ય
આ કિલ્લાની સ્થાપના પાછળ એક રસપ્રદ દંતકથા જોડાયેલી છે. એવું કહેવાય છે કે, ઇ.સ. 708માં નજીકના એવરાંચિસ નગરના બિશપ ઓબર્ટને સ્વપ્નમાં ઇસાઇ ધર્મમાં દેવદૂતોના સેનાપતિ કહેવાતા એવા આર્કએન્જલ માઇકલનાં દર્શન થયાં હતાં. આ દેવદૂતે બિશપને દરિયા વચ્ચે આવેલા ખડકમાં પ્રાર્થનાસ્થળ બનાવવાનો આદેશ આપ્યો હતો. બિશપ આ સ્વપ્નને ભ્રમ માનીને ભૂલી ગયો. થોડા દિવસ પછી દેવદૂત ફરી બિશપના સપનામાં આવ્યા અને ફરી એ જ વાત કરી, એટલું જ નહીં ગુસ્સે થઇને પોતાની આંગળી વડે બિશપના માથા પર સ્પર્શ કર્યો. સવારે બિશપ જાગ્યો ત્યારે દેવદૂતે સ્વપ્નમાં કપાળ ઉપર જ્યાં આંગળી મૂકી હતી ત્યાં નાનું કાણું પડી ગયું હતું. બિશપે તરત એ પર્વત પર ચર્ચનું નિર્માણ કરાવવાની શરૂઆત કરી. આજે પણ બિશપની ખોપરી એવરાંચિસના મ્યુઝિયમમાં સચવાયેલી છે, જેમાં આ છિદ્ર સ્પષ્ટ જોઇ શકાય છે.
સ્થાપત્યની અજાયબી
કિલ્લામાં ગોથિક શૈલીની ત્રિ-સ્તરીય ઇમારત બનાવવામાં આવી છે. ત્રિ-સ્તરીય ઇમારતને લા મર્વેઇન કહેવામાં આવે છે. 13મી સદીમાં બનેલી આ ઇમારત મધ્યયુગના એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો છે. ભારેખમ ગ્રેનાઇટના પથ્થરોને દરિયાઇ માર્ગે લાવવા અને ઊંચા ખડક પર ગોઠવવા એ અકલ્પનીય સિદ્ધિ હતી. કિલ્લાની ટોચ પર ચર્ચ અને મઠ બનાવવામાં આવ્યો હતો, જે ઇશ્વર અને સાધુઓના સર્વોચ્ચ સ્થાનનું પ્રતીક છે. વચ્ચેના માળે ગ્રેટ હોલ, ગેસ્ટહાઉસ અને સ્ટોરરૂમ બનાવવામાં આવ્યાં હતાં. આ જગ્યા રાજાઓ અને ઉમરાવો માટે અનામત રાખવામાં આવતી હતી. કિલ્લાના સૌથી નીચેના ભાગમાં દીવાલોની અંદર સામાન્ય દુકાનદારો અને વેપારીઓનાં મકાનો બનાવવામાં આવ્યાં હતાં.
100 વર્ષનું યુદ્ધ અને અજેય કિલ્લો
14મીથી લઇને 15મી સદી દરમિયાન એટલે કે 100 વર્ષ સુધી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. આ યુદ્ધમાં મોન્ટ સેન્ટ મિશેલે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અંગ્રેજોએ સમગ્ર નોર્મેન્ડી વિસ્તાર પર કબજો કરી લીધો હતો અને કિલ્લાને ઘેરી લીધો હતો. અંગ્રેજોએ અનેકો વખત હુમલો કર્યો અને કિલ્લા પર તોપોથી શેલમારો કર્યો, પરંતુ કિલ્લાની મજબૂત દીવાલો અને આસપાસ રહેલા દરિયાની ખતરનાક ભરતીના કારણે અંગ્રેજો ક્યારેય તેને જીતી શક્યા નહીં. પરિણામે આ કિલ્લો ફ્રેન્ચની રાષ્ટ્રીય અસ્મિતા અને પ્રતિકારનું પ્રતીક બની ગયો હતો.
કિલ્લાની દરિયાઇ બાસ્ટિલ
18મી સદીના અંતમાં થયેલી ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન આ મઠનું ધાર્મિક મહત્ત્વ સમાપ્ત થઇ ગયું. કિલ્લાની મજબૂત દીવાલો અને આસપાસના અફાટ દરિયાને કારણે અહીંથી ભાગવું અશક્ય હતું, તેથી તેને જેલમાં ફેરવી દેવામાં આવ્યો, એટલું જ નહીં આ કિલ્લાને દરિયાઇ બાસ્ટિલ એવું નામ આપવામાં આવ્યું. અહીં રાજકીય કેદીઓ અને ક્રાંતિના વિરોધીઓને રાખવામાં આવતા હતા. 1863માં મહાન ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યુગો અને અન્ય વિચારકોના ભારે વિરોધ અને પ્રયત્નોના અંતે આ જેલ બંધ કરી દેવામાં આવી અને એ પછી તેને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરીને તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું.
રોમાંચક અને રહસ્યમય બાબતો
આ અખાતમાં વિશ્વની સૌથી તીવ્ર ભરતી આવે છે. ભરતી અને ઓટ વચ્ચે દરિયાનું સ્તર આશરે 14 મીટર જેટલું બદલાઇ જાય છે. પહેલાંના સમયમાં એવું કહેવાતું કે, ભરતી અને ઓટ વચ્ચે દરિયાના સ્તરમાં આશરે 14 મીટર જેટલું પરિવર્તન જોવા મળે છે. પ્રાચીન સમયમાં એવું કહેવાતું કે ભરતીનું પાણી દોડતા ઘોડાની ઝડપે આગળ વધે છે. ભરતી સમયે આ સ્થળ સંપૂર્ણપણે દરિયાથી ઘેરાઈને એક અલગ દ્વીપ બની જાય છે. ઓટના સમયે જ્યારે દરિયો પાછો જાય છે ત્યારે કિલ્લાની ફરતે રેતીનું મેદાન દેખાય છે. આ રેતીમાં ખતરનાક દળદળ આવેલું છે.
જો કોઇ વ્યક્તિ એમાં ફસાઇ જાય તો તે અંદર ખેંચાઇ જાય છે. આજે પણ આ જગ્યાએ અનુભવી ગાઇડ વગર ચાલવાની મનાઇ છે.
કિલ્લાના સૌથી ઊંચા શિખર પર આર્કએન્જલ માઇકલની મૂર્તિ સ્થાપવામાં આવી છે, જે રાક્ષસ પર વિજય મેળવવાનું પ્રતીક છે. આ મૂર્તિ ધાર્મિક પ્રતીક હોવાની સાથે આખા કિલ્લા માટે લાઇટનિંગ રોડ તરીકે કામ કરે છે, જેથી વાવાઝોડ વખતે કિલ્લાને નુકસાન ન થાય.
આમ, મોન્ટ સેન્ટ સ્થાપત્યમાં ભવ્યતા, લશ્કરી શૌર્ય અને કુદરતનાં રહસ્યોનો અદ્ભુત સંગમ જોવા મળે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો