ગત સપ્તાહે અમદાવાદમાં સાડા ત્રણ દાયકા જૂની હત્યાનો ભેદ ઉકેલાયો. એક માણસે પોતાની જ પ્રેમિકાને મારીને ઘરની પછવાડે આવેલ ખાળકૂવામાં દાટી દીધેલી. હત્યારો કાયદાની ચુંગાલમાં તો ન ફસાયો, પણ આટલા વર્ષો સુધી મૃતક મહિલાનો આત્મા એને ડરાવતો રહ્યો. આખરે એણે છેક અત્યારે પોતાનો ગુનો કબૂલી લીધો. વિજ્ઞાન ભૂત-પિશાચ જેવી વાતોને સમર્થન નથી આપતું. સ્વાભાવિક છે કે પોતે કરેલા અપરાધનો ડર હત્યારાને પીડી રહ્યો હશે, જેના કારણે એણે પોતાનો ગુનો કબૂલ્યો.

એ જે હોય તે, અહીં મૂળ મુદ્દો હાડપિંજરની ફોરેન્સિક તપાસનો છે. આ કેસમાં તો આખી વાત સ્પષ્ટ છે, એટલે મૃતક મહિલાની ઓળખનો પ્રશ્ન મોટાભાગે ઊભો નહિ થાય, પણ ધારો કે આરોપીએ કબૂલાત ન કરી હોત, અને પોલીસને બીજી કોઈક રીતે મૃતક મહિલાનું હાડપિંજર હાથ લાગ્યું હોત તો શું થાત? શું પોલીસ એ હાડપિંજર કોનું છે, એ શોધી શકી હોત?

જી હા, વિજ્ઞાનની પ્રગતિને કારણે હાડપિંજર ઉપરથી મૃતક વ્યક્તિનો દેખાવ, એનો ચહેરો કેવો હશે એ નક્કી કરવાનું શક્ય છે. વિજ્ઞાનની આ શાખાને `મોર્ફોમેટ્રિક્સ' તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીક શબ્દો `મોર્ફે' - આકાર અથવા રૂપ અને `મેટ્રિયા' એટલે માપ પરથી આ શબ્દ બનેલો છે. વ્યાખ્યાની દૃષ્ટિએ જોઈએ તો મોર્ફોમેટ્રિક્સ જીવો, અવયવો અથવા અવશેષોના આકાર અને કદનું ક્વોન્ટિટેટિવ (પરિમાણાત્મક) વિશ્લેષણ છે. મોર્ફોમેટ્રિક્સ (અથવા મોર્ફોમેટ્રી) એ જીવવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર અને પેલિયોન્ટોલોજીના ક્ષેત્રે સંશોધકોને બહુ કામ લાગે છે.

એક મિનિટ, અહીં જીવ વિજ્ઞાન અને નૃવંશશાસ્ત્ર (માનવ ઉત્ક્રાંતિનો અભ્યાસ) તો જાણીતા શબ્દો છે, પણ આ `પેલિયોન્ટોલોજી' વળી કઈ બલાનું નામ છે, એવો પ્રશ્ન જરૂર થયો હશે. ગ્રીક ભાષામાં Palaios (પેલેઓ) એટલે પ્રાચીન, Ontos (ઓન્ટોસ) એટલે જીવ અથવા અસ્તિત્વ અને Logos (લોગોસ) એટલે અભ્યાસ. ટૂંકમાં કહીએ તો પેલિયોન્ટોલોજી (અથવા પેલેઓન્ટોલોજી) એટલે પૃથ્વી પરના પ્રાચીન જીવનનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ. આ અભ્યાસ મુખ્યત્વે અશ્મિભૂત અવશેષો દ્વારા ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા છોડ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને અન્ય જીવસ્વરૂપોની રચના, વિકાસ, વિવિધતા અને વાતાવરણ સાથેના સંબંધોને સમજવામાં કામ લાગે છે.

આટલી ચોખવટ બાદ હવે આ લેખના મૂળ વિષય, એટલે કે મોર્ફોમેટ્રિક્સ તરફ પાછા ફરીએ. હાડપિંજર સહિતના અશ્મિભૂત અવશેષો ઉપરથી ઓરિજિનલ જીવના કદ અને આકાર કેવા હશે એ નક્કી કરવામાં મોર્ફોમેટ્રિક્સ મહત્ત્વનો ભાગ ભજવે છે. એક જમાનામાં પુખ્ત વયના વ્યક્તિનું હાડપિંજર હોય, તો જ એના વિશેનાં અનુમાનો થઇ શકતાં, પણ મોર્ફોમેટ્રિક્સના આગમન બાદ હવે તેર-ચૌદ વર્ષની ઉમરે મૃત્યુ પામેલ હતભાગી બાળકના હાડપિંજર ઉપરથી પણ એની ઓળખ નક્કી કરી શકાય છે. મોર્ફોમેટ્રિક્સ દ્વારા સ્કલ - એટલે કે ખોપરી ઉપર સંખ્યાબંધ લેન્ડમાર્ક્સ મૂકીને કમ્પ્યૂટરમાં કો-ઓર્ડિનેટ્સ ફીડ કરે છે. એ ઉપરથી ચહેરાનું મોડલ તૈયાર થઇ શકે છે. એક રીતે જોઈએ તો આ મૃત વ્યક્તિના ચહેરાનું ડિજિટલ પુન:નિર્માણ કરવા જેવું છે.

હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ - AI અને 3D ઇમેજિંગના વધતા જતા ઉપયોગ સાથે મોર્ફોમેટ્રિક્સ વધુ શક્તિશાળી બની રહ્યું છે. તે માત્ર જીવવિજ્ઞાનીઓ માટે જ નહીં, પરંતુ મેડિકલ સાયન્સનાં સંશોધનો, એન્જિનિયરિંગ વર્કસ અને ડિઝાઇનર્સ માટે પણ ઉપયોગી બની રહ્યું છે.

અહીં અન્ય એક મહત્ત્વની વાત પણ સમજવી જોઈએ. મનુષ્યનો દેખાવ એ માત્ર સુંદરતાના માપદંડોની ચર્ચા પૂરતો સીમિત નથી. બલકે મનુષ્યની વિવિધ પ્રજાતિઓની ઉત્ક્રાંતિનો ઇતિહાસ એમાં નોંધાયેલો હોય છે. જેમ કે, માનવ નાકનું મોર્ફોમેટ્રિક્સ. નાકના આકારના અભ્યાસ ઉપરથી વંશીય વિવિધતા, આબોહવા અનુકૂલન વગેરે માહિતી મેળવી શકાય છે. ધ્યાનથી જોશો તો ભારતીયોના નાક અને ચીનાઓના નાકમાં તમને ફરક દેખાશે. ઠંડા અને સૂકા વાતાવરણમાં નાક વધુ સાંકડું થાય છે, જ્યારે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં પહોળું નાક જોવા મળે છે. પૂર્વીય એશિયામાં વસતા લોકોના ગાલનાં હાડકાં વધુ ઉપસેલા જોવા મળશે, જ્યારે નાક તથા કપાળનો ભાગ યુરોપિયનોની સરખામણીમાં વધુ સપાટ હશે. બીજી તરફ યુરોપિયનોનો મધ્ય-ચહેરો વધુ બહાર પડતો હશે.

   એશિયન લોકોમાં આંખના ખાડા ગોળાકાર અને સપ્રમાણ હોય છે, જ્યારે યુરોપિયનોમાં તે વધુ ચોરસ અને નમેલા હોય છે. યુરોપિયન પુરુષોમાં માથાના પાછળના ભાગમાં ઉપસેલું હાડકું વધુ સ્પષ્ટ હોય છે, જે એશિયન વસ્તીમાં ઓછું જોવા મળે છે. આ તો માત્ર ચહેરા પૂરતી વાત થઇ. બાકી પગનાં હાડકાંથી માંડીને બીજી અનેક બાબતો છે, જેમાં ભારતીય અને જર્મન પ્રજાનાં હાડપિંજરો એકબીજાથી જુદાં પડતાં હોય. ટૂંકમાં, મોર્ફોમેટ્રિક્સ એવું `જાદુઈ' વિજ્ઞાન છે, જે હાડપિંજરના અભ્યાસ દ્વારા ઘણા મહત્ત્વના સત્ય તારવી બતાવે.

હાડકા ઉપરથી વ્યક્તિની ઉંમર, લિંગ અને વંશની ઓળખ કરવામાં મોર્ફોમેટ્રિક્સ અત્યંત સચોટ સાબિત થયું છે. તે માત્ર માપ નથી લેતું, પરંતુ આકારની વિવિધતાનો પણ ચિતાર આપે છે. વળી, મોર્ફોમેટ્રિક્સ દ્વારા મેળવાયેલ પરિણામો એટલાં સચોટ હોય છે કે એને કોર્ટમાં પુરાવા તરીકે પણ રજૂ કરી શકાય.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો