અવારનવાર મોઢાની અંદર ચાંદાં પડવાં અથવા મોઢું આવી જવાથી રોગીને ખાવા-પીવા અને બોલવામાં કષ્ટ પડે છે. ઉપચારની દૃષ્ટિએ આ વ્યાધિને સાધારણ માનવામાં આવે છે, પણ ઘણીવાર તેનો ઉપચાર કરવા છતાં તે વર્ષો સુધી હેરાન કર્યા કરે છે.

કારણો

અનિયમિત આહાર-વિહાર, ઉષ્ણ, તીક્ષ્ણ, ખાટા, ખારા, વાસી અને વિદાહી આહારદ્રવ્યોનો અધિક ઉપયોગ; ચા, તમાકુ, મરચાં, સૂંઠ, મરી જેવાં ઉષ્ણ દ્રવ્યોનો વધારે પડતો ઉપયોગ આ વિકૃતિને ઉત્પન્ન કરે છે. આ પ્રકારનાં ગરમ આહારદ્રવ્યો તેની ઉષ્ણતા, તીક્ષ્ણતા અને સૂક્ષ્મતાથી મોઢાની અતિ મૃદુ ત્વચા પર પ્રદાહ ઉત્પન્ન કરીને ચાંદાં પાડી દે છે. પેટમાં પિત્તની ખોટી ગરમી અને તેથી ઉત્પન્ન થતી પાચનતંત્રની અનિયમિતતા તથા કબજિયાતથી પણ મોઢામાં ચાંદાં પડે છે. જેમને કાયમી કબજિયાત રહેતી હોય તેનો મળ આંતરડાંમાં સડવાથી અવારનવાર પેટમાં ગેસ અને ગરમી ઉત્પન્ન થાય છે, જે મોઢામાં અવારનવાર ચાંદાં ઉત્પન્ન કરે છે.

લક્ષણો

આ રોગમાં જીભ, ગળું, હોઠ, દાંતનાં પેઢાં વગેરેમાં બળતરાની શરૂઆત થઇને લાલ લાલ ચાંદાં પડે છે. ઘણીવાર ચાંદાં ન પડતાં આખું મોઢું અંદરથી લાલ થઈ જાય છે. આ વખતે જો ઉપચાર ન કરવામાં આવે તો આ લાલાશ ચાંદાંમાં ફેરવાઈ જાય છે. ઘણીવાર તો આ લાલાશથી મોઢામાં અત્યંત નાની નાની ફોડકીઓ થઈને તે ચાંદાંમાં પરિવર્તન પામે છે. આમાં વાયુના પ્રકોપથી પીડા, પિત્તના પ્રકોપથી બળતરા અને કફના પ્રકોપથી ખંજવાળ અને લાળનો સ્રાવ થાય છે.

ઉપચાર

મોઢામાં વારંવાર પડતાં ચાંદાંના સામાન્ય ઉપચારમાં પ્રથમ તો મળ પ્રવૃત્તિ સાફ આવે એ માટે રોજ રાત્રે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણથી અથવા દીનદયાળ ચૂર્ણથી જુલાબ લેવો જોઈએ. પેટની આંતરિક ગરમી ઓછી થતાં ચાંદાં મટે એટલે તેનું પ્રમાણ ઘટાડતા જવું અને પછી બંધ કરી દેવું. આયુર્વેદીય ચિકિત્સા વ્યવસાયના લાંબા અનુભવે એમ કહી શકું કે, જમ્યા પછી બપોરે અને રાત્રે એક ટેબ્લેટ આરોગ્યવર્ધિની લેવામાં આવે તથા સવારે અને રાત્રે એક-એક ચમચી ચ્યવનપ્રાશ એક ગ્લાસ જેટલા દૂધ સાથે લેવામાં આવે તો ધીમે ધીમે વર્ષો જૂનાં મોઢાનાં ચાંદાં મટે છે.

કાથો, હળદર અને ત્રિફળાના સમભાગે બનાવેલા ચૂર્ણને મધ અથવા ગુલાબજળ સાથે મિશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે મોઢામાં લગાડવામાં આવે તો વાયુ પિત્તાદિ કોઈ પણ દોષથી કે ત્રણે દોષથી થતાં ચાંદાં મટે છે. પાથી અડધી ચમચી જેટલી ફુલાવેલી ફટકડી એક ગ્લાસ જેટલા ઉકાળીને ઠંડા કરેલા પાણીમાં નાખી કોગળા કરવામાં આવે તો ચાંદાં મટે છે.

આ પ્રકારના કોગળા દિવસમાં ત્રણથી ચાર વખત અથવા કંઈ પણ ખાધા-પીધા પછી કરવા જોઈએ અને કોગળા કર્યા પછી જ ઉપરોક્ત ઔષધો મોઢામાં લગાડવાં જોઈએ. અડધીથી એક ચમચી જેટલું આમળાંનું ચૂર્ણ અને એટલી જ સાકર એક ગ્લાસ પાણીમાં નાંખી રાત્રે પલાળી રાખો. સવારે નરણાં કોઠે આ પાણી પીવાથી વર્ષો જૂના મોઢાનાં ચાંદાં અને પેટની આંતરિક ગરમી મટે છે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો