ઘણા બધા લોકો, ગુરુ દત્તની `પ્યાસા' અને `કાગજ કે ફૂલ'ને તેમની ગમતી ફિલ્મ અને ગુરુ દત્તની શ્રેષ્ઠ ફિલ્મની શ્રેણીમાં મૂકે છે, પરંતુ એવા લોકોય છે.
જે તેમની `મિસ્ટર એન્ડ મિસિસ 55'ને એમાં જોડે છે એટલું જ નહીં, તેને `પ્યાસા' કરતાં પણ શ્રેષ્ઠ ફિલ્મ ગણાવે છે. જેવી જેની પસંદ, પરંતુ એ વાતમાં કોઈ શંકા નથી કે આજથી 50 વર્ષ પહેલાંના ભારતીય સમાજ પર કટાક્ષ કરતી આ ફિલ્મ તેની સિનેમેટોગ્રાફી (વી. કે. મૂર્તિ), ગુરુ દત્ત અને મધુબાલાની કેમેસ્ટ્રી તેમજ મધુ બાલાના શરારતી અંદાજના કારણે એક મનોરંજક ફિલ્મ તરીકે આજે પણ એટલી જ યાદગાર છે.
`મિસ્ટર એન્ડ મિસિસ 55' 1955માં આવી હતી, `પ્યાસા'નાં બે વર્ષ પહેલાં. તે વખતે ગુરુ દત્ત નવા નવા નિર્માતા બન્યા હતા. આગલા જ વર્ષે તેમણે તે વખતની ટોપ સ્ટાર ખુર્શીદ અખ્તર ઉર્ફે શ્યામા સાથે `આરપાર' નામની પહેલી ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મનાં ગીતો (સંગીત : ઓ.પી. નૈયર અને શબ્દો : મજરુહ સુલતાનપુરી) આજે પણ યાદગાર છે : બાબુજી ધીરે ચલના, મહોબ્બત કર લો જી ભર લો, સુન સુન સુન જાલિમા, યે લો મૈં હારી પિયા અને કભી આર કભી પાર લાગા તીરે નજર.
એ નોંધવા જેવું છે કે 1957માં `પ્યાસા'થી ઉદાસ ફિલ્મો તરફ વળેલા ગુરુની શરૂઆત હાસ્યપ્રધાન ફિલ્મોથી હતી. જેમ કે, `આરપાર' અને `મિસ્ટર એન્ડ મિસિસ 55' વિશુદ્ધ રીતે કોમેડી ફિલ્મો હતી. કદાચ તેમના અંગત જીવનમાં રંગો બદલાતા હશે તે પ્રમાણે તેમની ફિલ્મોના રંગ બદલાયા હશે એવું બને.
`આરપાર'ની સફળતાથી પ્રેરાઈને જ ગુરુએ વિવાહ સંબંધી વધુ એક કોમેડી ફિલ્મ `મિસ્ટર એન્ડ મિસિસ 55' બનાવવાનું નક્કી કર્યું હતું. તે જ વર્ષે સંસદમાં હિન્દુ મેરેજ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો અને તેને ધ્યાનમાં રાખીને જ ગુરુએ ફિલ્મનું ટાઈટલ રાખ્યું હતું. ફિલ્મના પહેલા જ દૃશ્યમાં અખબાર વહેંચતો એક છોકરો મોટા અવાજે તે સવારનું છાપું વેચે છે; એસેમ્બલી મેં જોરદાર બહસ-તલાક. 15 વર્ષની ગરમાગરમ ચર્ચા પછી એ દિવસે હિન્દુ મેરેજ એક્ટ બન્યો હતો.
તે ફિલ્મમાં શ્યામાને જ દોહરાવવા માંગતા હતા, પરંતુ તેણે વધુ પૈસા માંગતાં ગુરુએ ના પાડી દીધી અને વૈજયંતી માલાનો સંપર્ક કર્યો. વૈજયંતીને આ ફિલ્મ કરવી હતી, પરંતુ અન્ય ફિલ્મોની વ્યસ્તતાના કારણે તેમની પાસે તારીખો નહોતી, પરિણામે મધુબાલા પર પસંદગી ઉતારવામાં આવી. વૈજયંતી માલા આ ફિલ્મ ન કરવાને તેમના જીવનનો સૌથી `ખરાબ નિર્ણય' કહે છે.
મધુબાલા માટે `મિસ્ટર એન્ડ મિસિસ 55' નસીબ બનીને આવી હતી. આગળની તેમની બે ફિલ્મો, `અમર' (1954) અને `નાતા' (1955), બોક્સઓફિસ પર ચાલી નહોતી અને ફિલ્મ પત્રિકાઓમાં મધુબાલાનું નામ `બોક્સઓફિસનું ઝેર' પાડવામાં આવ્યું હતું. `મિસ્ટર એન્ડ મિસિસ 55'થી એ મેણું તૂટી ગયું અને તે પછી તેમની કારકિર્દીની ગાડી સડસડાટ દોડી.
ફિલ્મમાં મધુબાલાએ અનિતા નામની એક ધનવાન ઘરની પુત્રીની ભૂમિકા કરી હતી, જેના પિતાનું તાજેતરમાં જ અવસાન થયું છે અને અનિતા માટે તેઓ 7 લાખ રૂપિયા છોડી ગયા છે, પણ તેમણે એક શરત મૂકેલી છે - અનિતાએ તેના એકવીસમા જન્મદિવસના એક મહિનાની અંદર લગ્ન કરવાં પડશે.
અનિતાની એક નારીવાદી ફોઈ સીતા દેવી (લલિતા પવાર), તેના ભાઈની આવી સ્ત્રીવિરોધી શરતથી ગુસ્સે થાય છે. સીતા દેવી છૂટાછેડાના બિલ માટે લડી રહી છે. તે અનિતા માટે એવો પતિ શોધવાનું શરૂ કરે છે, જે વસિયતમાંથી પૈસા મેળવ્યા પછી તેને છૂટાછેડા આપવા માટે સંમત થાય.
સીતા દેવી માને છે કે પૈસા માટે જે પરણે તે પતિ બનવાને લાયક નથી અને તેના ભાઈએ કાનૂની શરત ઘુસાડી છે એટલે અનિતાને એમાંથી આઝાદ થવા માટે પરણવા સિવાય કોઈ રસ્તો નથી. એટલે લાઠી ભાંગે નહીં અને સાપ મરી જાય. શરત પૂરી કરવા અનિતા પરણી જાય, પૈસાની માલિક બની જાય અને પેલાને છૂટાછેડા આપી દે.
પ્રીતમ કુમાર નામના એક બેરોજગાર કાર્ટૂનિસ્ટમાં સીતા દેવીને આવો `બકરો' દેખાય છે (પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણે આ ફિલ્મ માટે કાર્ટૂન દોર્યાં હતાં), પણ સીતા દેવીને એ ખબર નથી કે પ્રીતમ અને અનિતા એકબીજાને મળી ચૂકેલાં છે. પ્રેમ અને દેખાડા વચ્ચે એક એવી કોમેડી રચાય છે જ્યાં બંનેને એવું લાગે છે સામેવાળી વ્યક્તિ આ બધું પૈસા માટે કરી રહી છે.
સીતા દેવી એ શરતે પ્રીતમનાં લગ્ન અનિતા સાથે કરાવે છે કે તે કહે ત્યારે તેણે અનિતાને છૂટાછેડા આપી દેવા પડશે અને ત્યાં સુધી પતિ તરીકેનું સ્ટાઇપેન્ડ મળતું રહેશે. ટ્વિસ્ટ એ હતો કે નાટક-નાટકમાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગે છે.
આ ફિલ્મના બહાને આજે પણ સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવની ચર્ચા કરી શકાય છે. એવું નથી કે આ ફિલ્મ તેનાં પાત્રોના વર્તનને ઉચિત ઠેરવે છે. ફિલ્મનું સારું પાસું એ છે કે એમાં દરેક પાત્રમાં કોઈ ને કોઈ ખામી છે અને તે દર્શકોને પોતાના વિચારોને બદલવા માટે ફરજ પાડે છે.
આ ફિલ્મ પરંપરાગત ભારતીય મૂલ્યોની પુષ્ટિ કરીને ભારતના શહેરી સમૃદ્ધ લોકો પર પશ્ચિમના ભ્રષ્ટ પ્રભાવનો વિરોધ કરે છે. એટલા માટે જ ગુરુએ ફિલ્મનાં બે પોસ્ટર બનાવ્યાં હતાં. એકમાં નાયક પશ્ચિમી પોશાકમાં સજ્જ નાયિકાનાં જૂતાને બાંધતો જોવા મળે છે અને બીજામાં તે સાડી પહેરીને નાયકના પગને સ્પર્શતી જોવા મળે છે.
ગુરુ દત્તના મિત્ર અને ફેવરિટ લેખક અબ્રાર અલ્વીએ લખેલા `મોડર્ન મેરેજ' નામના નાટક પર આધારિત આ ફિલ્મમાં વાક્ચાતુર્ય અને કલ્પનાના ચમકારા છે. તેની સૌથી મોટી તાકાત બાકી ફિલ્મોના ફૂવડ હાસ્યથી વિપરીત, બૌદ્ધિક વ્યંગ છે. જેમ કે, એક બહુ જાણીતા દૃશ્યમાં સીતા દેવી પ્રીતમને પૂછે છે, `તુમ કમ્યુનિસ્ટ હો?' તો પ્રીતમ તરત કહે છે, `નહીં, કાર્ટૂનિસ્ટ હૂં.' કમ્યુનિસ્ટ-કાર્ટૂનિસ્ટનો એ જોક લેખકની તીવ્ર બુદ્ધિનું પ્રતીક છે.
એક બીજા દૃશ્યમાં પ્રીતમે રોમન ટોગા પહેરીને હાથમાં ચાબુક સાથે રોમન રથમાં ઊભેલી સીતા દેવીનું કાર્ટૂન દોર્યું હતું. અનિતા અને પ્રીતમ એમાં રથને ખેંચતા ઘોડા બન્યા હતા. કાર્ટૂન જોઈને સીતા દેવી ગુસ્સે થાય છે અને પ્રીતમની ઊલટતપાસ લે છે. તે દરેક પ્રશ્નનો જવાબ `જી હાં'માં આપે છે, પરંતુ દૃશ્યને એવી રીતે ફિલ્માવાયું હતું કે દર વખતે તેનો જવાબ તેને એક અલગ રંગ, એક અલગ અર્થ આપે છે.
મધુબાલાએ અનિતાના પાત્રમાં તેની અભિનય ક્ષમતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તે એક સ્કૂલગર્લની નિર્દોષતા સાથે હસે છે અને નારાજ થઇ જાય છે. તેની જગ્યાએ બીજું કોઈ હોત તો દર્શકોને ચીડ આવી હોત, પરંતુ મધુબાલાની નૈસર્ગિક સુંદરતા તેની શેતાનીને પણ પ્યારી બનાવે છે. તેનાથી એકદમ વિપરીત ગુરુ દત્તના મૌનનો જાદુ અને સ્મિતની ઉદાસી કંઈ બોલ્યા વગર જ ઘણું બધું કહી દે છે. પાછળથી એ જ ખાસિયત તેમને `પ્યાસા' અને `કાગજ કે ફૂલ'માં કામ આવી હતી.
મધુબાલા અને ગુરુની કેમેસ્ટ્રીને એક ગીતમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવી છે. મોહમ્મદ રફી અને ગીતા દત્તના અવાજમાં `ઉધર તુમ જવાં હો, ઇધર દિલ જવાં હૈ, યે રંગીન રાતોં કી ઇક દાસ્તાં હૈ' ગીત (સંગીત: ઓ. પી. નૈયર, શબ્દો: મજરુહ સુલતાનપુરી) ફિલ્મની વાર્તાને કોમેડીમાંથી એક ગંભીર પ્રેમમાં આગળ ધપાવે છે.
ફિલ્મનો આત્મા જોકે રફી-ગીતાના બીજા ગીત `જાને કહાં મેરા જિગર ગયા જી, અભી અભી યહીં થા કિધર ગયા જી' છે. ગુરુ દત્તના બીજા એક ફેવરિટ કલાકાર જોની વોકર અને યાસ્મિન પર ફિલ્માવાયેલું આ ગીત એકદમ જીવંત અને ઊર્જાથી ભરપૂર છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
