ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલું મુનસ્યારી હિમાલયની પંચચૂલી પર્વતમાળાના ખોળામાં વસેલું એક અત્યંત સુંદર, શાંત અને આકર્ષક ઓફબીટ હિલસ્ટેશન છે. સમુદ્ર સપાટીથી આશરે 2,298 મીટર (7, 540 ફૂટ)ની ઊંચાઈએ આવેલું આ નગર `કુમાઉના મિનિ સ્વિત્ઝર્લેન્ડ' તરીકે પણ ઓળખાય છે. પ્રકૃતિપ્રેમીઓ, ટ્રેકિંગના શોખીનો અને હિમાલયના શાંત ખોળામાં સમય વિતાવવા માંગતા લોકો માટે આ સ્થળ ઉત્તમ ગણાય છે.

 મુનસ્યારીનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો   

`મુનસ્યારી' શબ્દનો સ્થાનીય ભાષામાં અર્થ `બરફનું સ્થળ' થાય છે. પ્રાચીન કાળમાં આ વિસ્તાર ભારત અને તિબેટ વચ્ચેના ઐતિહાસિક વેપાર માર્ગનું અત્યંત મહત્ત્વપૂર્ણ વેપારી કેન્દ્ર હતો. અહીં મુખ્યત્વે `ભોટિયા' (જોહારી) જનજાતિના લોકો વસે છે. 1962ના ભારત-ચીન યુદ્ધ પહેલાં આ સાહસિક વેપારીઓ ઊંચા પહાડી ઘાટો પાર કરીને તિબેટ સાથે ઊન, સ્થાનિક મીઠું, સોનું અને કીમતી જડીબુટ્ટીઓનો વેપાર કરતા હતા. યુદ્ધ બાદ આ સીમાવર્તી વેપાર બંધ થઈ ગયો, જેના કારણે સ્થાનિક લોકોએ ખેતી, જડીબુટ્ટીઓ અને પર્યટન ક્ષેત્રે પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કર્યું. આજે પણ અહીંનાં ઘરોની સ્થાપત્યશૈલી, લોકજીવન, પહાડી વાનગીઓ અને પરંપરાગત વણાટકામમાં તિબેટિયન અને કુમાઉની સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય સ્પષ્ટપણે જોવા મળે છે.

 જોવાલાયક મુખ્ય આકર્ષણો   

પંચચૂલી પર્વતમાળા : મુનસ્યારીનું સૌથી મોટું આકર્ષણ અહીંથી સામે જ દેખાતી બરફથી આચ્છાદિત પંચચૂલીની પાંચ પર્વતમાળાઓ છે. પૌરાણિક માન્યતા અનુસાર પાંડવોએ સ્વર્ગારોહણ કરતી વખતે અહીં પોતાનું છેલ્લું ભોજન રાંધ્યું હતું (પંચ-ચૂલી એટલે કે પાંચ ચૂલા મતલબ થાય એટલે જ એનું નામ પંચ-ચૂલી રાખવામાં આવ્યું છે). સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે બરફની ચાદર પર પડતાં સૂર્યનાં સોનેરી કિરણો અદ્ભુત દૃશ્ય સર્જે છે.  

ખલિયા ટોપ : મુનસ્યારીથી આશરે 6-7 કિમીનો મધ્યમ કક્ષાનો ચઢાણવાળો ટ્રેક કરીને ખલિયા ટોપ પહોંચી શકાય છે. આ સ્થળેથી 3,500 મીટરની ઊંચાઈએ આવેલા કેદારનાથ, બદ્રિનાથ, નંદાદેવી અને પંચચૂલી સહિત આખી હિમાલય પર્વતમાળાનો 360-ડિગ્રી અદ્ભુત નજારો જોવા મળે છે.  

બિરથી વોટરફોલ : મુનસ્યારીથી 35 કિમી પહેલાં રસ્તામાં આવતો 126 મીટર (413 ફૂટ) ઊંચો આ ધોધ અત્યંત મનોરમ છે. ગાઢ જંગલો વચ્ચેથી નીચે પડતું આ પાણી પ્રવાસીઓ માટે ઉત્તમ ફોટોગ્રાફી સ્પોટ છે.  

થમરી કુંડ : ગાઢ દેવદાર, બુરાંશ અને આલ્પાઇનનાં જંગલો વચ્ચે આવેલું આ એક શાંત અને પવિત્ર કુદરતી તળાવ છે. સ્થાનિક લોકો વરસાદ માટે અહીં પૂજા-અર્ચના કરે છે.  

નંદાદેવી મંદિર : આ ઐતિહાસિક મંદિર પંચચૂલી શિખરોના સુંદર બેકડ્રોપ સાથે વિશાળ મેદાનમાં આવેલું છે. અહીંથી સૂર્યાસ્તનો નજારો અવિસ્મરણીય હોય છે.  

ટ્રાઇબલ હેરીટેજ મ્યુઝિયમ : માસ્ટર સુરેન્દ્ર સિંહ પંગતી દ્વારા સ્થાપિત આ ખાનગી મ્યુઝિયમમાં ભોટિયા સમુદાયનો પ્રાચીન ઇતિહાસ, તિબેટ વેપારના દસ્તાવેજો, પરંપરાગત વાસણો, પ્રાચીન સિક્કા અને વસ્ત્રો સાચવવામાં આવ્યાં છે. 

મુનસ્યારીની અનોખી વિશેષતાઓ   

 સાહસિક ટ્રેકિંગ હબ : મુનસ્યારી વિશ્વપ્રસિદ્ધ મિલમ ગ્લેશિયર, રામિક ગ્લેશિયર અને રત્નાગિરિ જેવા કપરા હિમાલયન ટ્રેક્સનું મુખ્ય બેઝ કેમ્પ છે.  

બર્ડ વોચિંગ અને સુંદર વનસ્પતિ : અહીં 150થી વધુ પ્રજાતિના દેશી-વિદેશી પક્ષીઓ જોવા મળે છે, જેમાં ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી `મોનાલ' પણ સામેલ છે. આ ઉપરાંત વસંતઋતુમાં અહીં લાલ અને ગુલાબી બુરાંશનાં ફૂલોથી આખાં જંગલો ખીલી ઊઠે છે.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો