વર્ષ 2008, ઓક્ટોબરની 31મી તારીખ. રેડમંડ, વોશિંગ્ટનનું વૈભવી વેલી વ્યૂ એપાર્ટમેન્ટ્સ કોમ્પ્લેક્સ. ઠંડી રાત હતી, પણ અર્પણા જિનાગાના ત્રીજા માળના એપાર્ટમેન્ટમાં ઉત્સાહની ગરમી છવાયેલી હતી.

અર્પણા એક તેજસ્વી 24 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર, મૂળ ભારતીય, તેની નવી જિંદગીની ઉજવણી કરી રહી હતી. તે દિવસે તેના એપાર્ટમેન્ટમાં હેલોવીન પાર્ટી ચાલી રહી હતી. લગભગ પચાસ જેટલા લોકો જેમાં મિત્રો, પડોશીઓ અને પડોશીઓના મહેમાનો એપાર્ટમેન્ટની અંદર-બહાર આવ-જાવ કરી રહ્યા હતા. આ પાર્ટીનું વાતાવરણ એકદમ ખુશનુમા હતું. પાર્ટીમાં નાચી રહેલા લોકોના ચહેરા પર માસ્ક હતાં, હાથમાં વાઇનના ગ્લાસ હતા અને હાસ્યનો અવાજ ગુંજતો હતો. અર્પણા પોતે લાલ રાઇડિંગ હૂડના કોસ્ચ્યુમમાં હતી. તેના ચહેરા પર એક નિર્દોષ મુસ્કાન હતી, જે આવનારી ભયાનક ઘટનાથી સાવ અજાણ હતી.

રાત વીતી રહી હતી. સવારના ત્રણ વાગ્યા સુધીમાં પાર્ટીનો ઉત્સાહ ધીમે ધીમે ઓછો થતો ગયો. નવેમ્બરની પહેલી તારીખ, શનિવાર સવારના લગભગ ત્રણ વાગ્યે એક પડોશીએ અર્પણાને તેના દરવાજા પર એક લાંબા, ઓલિવ-સ્કિન્ડ એટલે કે થોડા શ્યામ રંગના માણસ સાથે વાત કરતાં જોઈ હતી. આ તે છેલ્લો પ્રસંગ હતો જ્યારે કોઈએ અર્પણાને જીવંત જોઈ હતી. તેના પછી એ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં એક એવું મૌન છવાઈ ગયું, જેની પાછળ એક ભયાનક કથા છુપાયેલી હતી.

શનિવારની સવારે આશરે 8:00 વાગ્યે, અર્પણાના બાજુના એપાર્ટમેન્ટમાં રહેતો પડોશી કાઇલ રોઝ અવાજ સાંભળીને જાગી ગયો. તેણે અર્પણાના ઘરમાંથી એક ભયાનક, અકુદરતી વિચિત્ર ચીસોનો અવાજ સાંભળ્યો. આ અવાજ લગભગ વીસ સેકન્ડ સુધી ચાલુ રહ્યો અને પછી એક જોરદાર ધડામ સાથે શાંત થયો. અવાજ બંધ થયા પછી રોઝે કોઈના ચાલવાના કે દોડવાનાં પગલાંનો અને પછી લગભગ એક કલાક સુધી સતત પાણીના નળનો અવાજ સાંભળ્યો. આ ઘટનાક્રમ એ જ સમયગાળામાં થયો જે સમયગાળામાં અર્પણાની હત્યા થઈ હોવાનું તબીબી તપાસમાં નક્કી થયું. હત્યારાએ સફાઈના પ્રયાસો માટે લાંબો સમય લીધો હતો અને તે જ અવાજ આ ભયાનક રાઝનો એકમાત્ર પુરાવો હતો.

અર્પણા શનિવારે કામ પર ન ગઈ, પણ હેલોવીન પછીની રજા કે માંદગી ધારીને કોઈએ વધુ ધ્યાન ન આપ્યું. રવિવાર પણ શાંતિથી પસાર થઈ ગયો, પરંતુ સોમવારે 3 નવેમ્બરના રોજ જ્યારે અર્પણાના પરિવારને ભારતમાં તેની સાથે કોઈ સંપર્ક ન થયો, ત્યારે તેમણે યુએસમાં રહેતા પારિવારિક મિત્ર જય બોદિચરલાને તેના એપાર્ટમેન્ટ પર તપાસ કરવા માટે વિનંતી કરી. જય જ્યારે વેલી વ્યૂ એપાર્ટમેન્ટ્સ પર પહોંચ્યા, ત્યારે તેમને અર્પણાના પડોશી કેમરોન જોહ્ન્સ મળ્યા. બંને અર્પણાના દરવાજા સુધી ગયા. ત્યાંનું દૃશ્ય ચોંકાવનારું હતું. દરવાજો બળજબરીથી ખોલવામાં આવ્યો હતો. ડોરનોબનો લૅચ અને ડેડબોલ્ટ બંને તૂટેલા હતા, જાણે કોઈએ બૂટની લાત મારીને દરવાજો તોડી નાખ્યો હોય. જય અને કેમરોન જોહ્ન્સને સાથે મળીને એપાર્ટમેન્ટમાં પ્રવેશ કર્યો.

અંદરનું દૃશ્ય જોઈને જયના પગ નીચેથી જમીન સરકી ગઈ. અર્પણાનો નગ્ન મૃતદેહ તેના બેડરૂમના ફ્લોર પર પલંગના છેડે, મોં નીચે રાખીને પડેલો હતો. તેના શરીરનો અમુક ભાગ કપડાથી ઢંકાયેલો હતો. મેડિકલ એક્ઝામિનરે પાછળથી પુષ્ટિ કરી કે અર્પણાનું મૃત્યુ ‘લિગેચર સ્ટ્રેન્ગ્યુલેશનને કારણે થયેલી ગૂંગળામણ’થી થયું હતું. એટલે કે ગળાફાંસો આપીને હત્યા કરવામાં આવી હતી. તેના દાંત તૂટી ગયા હતા અને માથા પર ગંભીર ઈજાઓનાં નિશાન હતાં, જે સ્પષ્ટ સંકેત આપતા હતા કે મૃત્યુ પહેલાં તેણે હત્યારા સાથે ઝપાઝપી કરી હતી. તેના પર જાતીય હુમલો પણ થયો હતો, પરંતુ જે વસ્તુએ તપાસકર્તાઓને સૌથી વધુ આઘાત આપ્યો, તે હતી ગુનાના સ્થળને છુપાવવાનો અને પુરાવાઓનો નાશ કરવાનો હત્યારાનો ભયાનક અને લાંબો પ્રયાસ.

અર્પણાના આખા શરીર પર મોટર ઓઇલનો એક પ્રકારનો ચીકણો પદાર્થ લગાડવામાં આવ્યો હતો. તેના હાથ પર બ્લૂ ટોઇલેટ બાઉલ ક્લીનર રેડવામાં આવ્યું હતું, જાણે કે તેના નખ નીચેના પુરાવાઓને ધોઈ નાખવાનો પ્રયાસ થયો હોય. એપાર્ટમેન્ટના કાર્પેટ પર અને અન્ય સ્થળોએ બ્લીચની તીવ્ર ગંધ આવતી હતી અને તેના ડાઘા હતા. પલંગની ચાદર હટાવી દેવાઈ હતી. એક ધાબળો આંશિક રીતે સળગાવવામાં આવ્યો હતો અને બેડરૂમનું કમ્ફર્ટર (રજાઈ) બાથટબમાં પલાળેલું હતું. આ આખું દૃશ્ય દર્શાવતું હતું કે હત્યારાએ ગુનાના પુરાવાઓનો નાશ કરવા માટે નોંધપાત્ર સમય અને પ્રયાસ ખર્ચ્યો હતો. રેડમંડ પોલીસ લેફ્ટનન્ટ બ્રાયન કોટ્સે પાછળથી નોંધ્યું હતું કે, `આ એક એવું દૃશ્ય હતું, જ્યાં શંકાસ્પદ વ્યક્તિ અથવા શંકાસ્પદ વ્યક્તિઓએ ગુનાના પુરાવાને ઢાંકવામાં ઘણો સમય વિતાવ્યો હતો.'

તપાસની શરૂઆત થઈ. પોલીસને એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના ડમ્પસ્ટર (કચરાપેટી)માંથી એક પ્લાસ્ટિકની બેગ મળી, જેમાં બે ખૂબ જ મહત્ત્વપૂર્ણ વસ્તુઓ હતી. અર્પણાનો લોહીથી લથપથ લાલ ટેરીક્લોથ બાથરોબ (જે તેના હેલોવીન કોસ્ચ્યુમનો ભાગ હતો) અને એક કેસ્ટ્રોલ મોટર ઓઇલની બોટલ. આ ઓઇલ એ જ હતું, જે અર્પણાના શરીર પર લગાવવામાં આવ્યું હતું. આ બેગ અને તેમાં રહેલા પુરાવાઓ આખી તપાસનો પાયો બની ગયા.

પુરાવાઓના આ જટિલ સમૂહમાંથી બે પુરુષોના ડીએનએ પ્રોફાઇલ બહાર આવ્યા, જેમણે આ કેસની દિશાને બે અલગ-અલગ શંકાસ્પદ તરફ વાળી દીધી.

પહેલો શંકાસ્પદ : કેમરોન જોહ્ન્સન, અર્પણાનો પડોશી, જેણે જય બોદિચરલા સાથે મળીને દરવાજો તોડ્યો હતો અને મૃતદેહ શોધવામાં મદદ કરી હતી. મોટર ઓઇલની બોટલ પર કેમરોન જોહ્ન્સનનું ડીએનએ મળી આવ્યું. આ તે જ ઓઇલ હતું, જેનો ઉપયોગ હત્યારાએ ગુનાના સ્થળને દૂષિત કરવા માટે કર્યો હતો. વધુમાં ફોન રેકોર્ડ્સ દર્શાવતા હતા કે કેમરોનના ફોન પરથી હત્યાની રાત્રે આશરે 3:00 વાગ્યે અર્પણાને બે કોલ કરવામાં આવ્યા હતા. એ જ સમય જ્યારે હત્યા થઈ હોવાનું માનવામાં આવતું હતું. જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે કેમરોને આ કોલ્સ કર્યા હોવાનું યાદ ન હોવાનું જણાવ્યું. તેણે કબૂલ્યું કે તે અર્પણા તરફ આકર્ષિત હતો અને તે રાત્રે તેની સાથે `હૂક અપ' કરવા માંગતો હતો, પણ એવું ન થયું. તેણે દાવો કર્યો કે તે મધ્યરાત્રિ પછી પોતાના એપાર્ટમેન્ટમાં સૂઈ ગયો હતો અને લગભગ 3:00 વાગ્યે અર્પણાના એપાર્ટમેન્ટમાંથી `કણસવાનો' અવાજ સાંભળીને જાગ્યો હતો અને પછી ફરી સૂઈ ગયો હતો. જોહ્ન્સન એ વાત પણ સમજાવી ન શક્યો કે હત્યાના એક દિવસ પછી જ તે શા માટે કેનેડિયન બોર્ડર તરફ ગયો હતો અને પ્રવેશ ન મળતાં પાછો ફર્યો હતો. તપાસકર્તાઓ દ્વારા તેને અમુક પૂછપરછમાં ઇમ્યુનિટી આપવામાં આવી હતી અને તેના પર ક્યારેય કોઈ આરોપ લગાવવામાં આવ્યો નહોતો.

બીજો શંકાસ્પદ : ઇમેન્યુઅલ ફેર. તે એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સનો રહેવાસી નહોતો, પરંતુ તે હેલોવીન પાર્ટીમાં એક મિત્રના મહેમાન તરીકે આવ્યો હતો.

જોહ્ન્સનની જેમ ફેરનું ડીએનએ પણ ગુનાના સ્થળના મુખ્ય પુરાવાઓ પર મળી આવ્યું. તેના ડીએનએના અંશ અર્પણાની ગરદન પર, ગૅગ (મોઢું બંધ કરવા માટે) તરીકે વપરાયેલા ડક્ટ ટેપના ટુકડા પર અને ડમ્પસ્ટરમાંથી મળેલી લોહીવાળી રેડ રોબ (બાથરોબ) પર અર્પણાના લોહી સાથે મિશ્રિત હાલતમાં મળી આવ્યા હતા. ફેરનો ભૂતકાળ ગુનાહિત હતો, જેમાં જાતીય ગુનાનો રેકોર્ડ સામેલ હતો, જેના કારણે તે પોલીસના તાત્કાલિક લક્ષ્ય પર આવી ગયો.

પોલીસ અને પ્રોસિક્યૂટર્સે ઈમેન્યુઅલ ફેર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 2010ના અંતમાં હત્યાના લગભગ બે વર્ષ પછી ફેરની ધરપકડ કરવામાં આવી અને તેના પર પ્રથમ ડિગ્રી હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો. ડીએનએના પુરાવા જટિલ અને મિશ્રિત હોવાથી પોલીસે સાયબર જેનેટિક્સ દ્વારા વિકસાવેલ `ટ્રુએલીલ કેસવર્ક' નામના અદ્યતન સૉફ્ટવેરનો ઉપયોગ કર્યો. આ સૉફ્ટવેરની ગણતરીઓએ ડક્ટ ટેપ પર ફેરના ડીએનએની હાજરીની સંભાવના 45.7 ટ્રિલિયનના પ્રમાણમાં દર્શાવી. આ આંકડાઓ ખૂબ જ મજબૂત જણાતા હતા.

ઇમેન્યુઅલ ફેરને જામીન માટે મોટી રકમ ચૂકવવી પડી, જે તે ચૂકવી શક્યો નહીં. આને કારણે ગુનો સાબિત ન થયો હોવા છતાં તે આગામી નવ વર્ષ સુધી સીએટલની કિંગ કાઉન્ટી જેલમાં પુરાયેલો રહ્યો. વર્ષ 2017માં હત્યાનાં લગભગ આઠ વર્ષ પછી ફેર પરના આરોપો માટે પહેલી ટ્રાયલ શરૂ થઈ. બચાવ પક્ષે કેસને `બે વિકલ્પની પસંદગી' તરીકે રજૂ કર્યો. તેમણે `અન્ય શંકાસ્પદ' નિયમ હેઠળ કેમરોન જોહ્ન્સનના પુરાવાઓ રજૂ કરવાની પરવાનગી મેળવી. જ્યૂરી સમક્ષ કેમરોન જોહ્ન્સનના ડીએનએ ઓઇલની બોટલ પર હોવા, તેના 3 વાગ્યાના કોલ્સ અને કેનેડિયન બોર્ડર પર જવાની હિલચાલ વિશેની માહિતી મૂકવામાં આવી. જોહ્ન્સનને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યો, જ્યાં તેણે આત્મ-દોષારોપણ સામેનો તેનો અધિકાર અમલમાં મૂક્યો અને મર્યાદિત જવાબો જ આપ્યા. જોહ્ન્સનને ઇમ્યુનિટી મળી હોવા છતાં તેણે ક્યારેય ધરપકડ કે ટ્રાયલનો સામનો કરવો પડ્યો નહોતો.

પ્રોસિક્યૂશનની દલીલ હતી કે ફેર અને જોહ્ન્સન બંનેએ સાથે મળીને હત્યા કરી હોય તેવું શક્ય છે, કારણ કે તેમના ડીએનએ પુરાવાઓ એક જ ડમ્પસ્ટર બેગમાંથી મળ્યા હતા અને તેઓ પાર્ટી દરમિયાન એકબીજાને મળ્યા હતા. જોકે, કોર્ટે જ્યૂરીને `સાથી' હોવા અંગેની કોઈ સૂચના આપવાનો ઇનકાર કર્યો હતો. લાંબી દલીલો અને પુરાવાઓની રજૂઆત પછી 2017ના એપ્રિલમાં જ્યૂરી એકમત થઈ શકી નહીં. એક જ જ્યૂરર દોષિત ઠેરવવા માટે તૈયાર નહોતો. પાછળથી આ જ્યૂરરે કબૂલ્યું કે ફેરના હાથ પરના ટેટૂ અને તેના દેખાવને કારણે તેણે તેને `ઠગ' માની લીધો હતો, જે પક્ષપાત દર્શાવે છે.

બે વર્ષ પછી 2019માં બીજી ટ્રાયલ શરૂ થઈ. આ વખતે બચાવ પક્ષે પુરાવાઓની સાંકળમાં રહેલી ખામીઓ પર ભાર મૂક્યો. ડમ્પસ્ટરમાંથી મળેલા પુરાવા જે શરૂઆતમાં સુરક્ષિત નહોતા, તેમાં પુરાવા દૂષિત થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી. જ્યૂરીએ આ મુદ્દાઓ અને કેમરોન જોહ્ન્સનની શંકાસ્પદ ભૂમિકાને ગંભીરતાથી ધ્યાનમાં લીધી. વળી, એક સાક્ષીના વર્ણન (ઓલિવ-સ્કિન્ડ, લાંબો માણસ) અને ફેરના દેખાવ (અશ્વેત માણસ) વચ્ચેના તફાવતને પણ મહત્ત્વ મળ્યું.

અંતે જૂન 2019માં બીજા ટ્રાયલની જ્યૂરીએ ઇમેન્યુઅલ ફેરને પ્રથમ ડિગ્રી હત્યાના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો. નવ વર્ષ જેલમાં વિતાવ્યા પછી ફેરને આખરે સ્વતંત્રતા મળી, જેના માટે તેણે કાયમ લડત આપી હતી. ફેરના વકીલે કહ્યું, `નવ વર્ષની લડાઈ પછી ફેરને તે સ્વતંત્રતા મળી, જેનો તે હકદાર હતો.'

જોકે, ઇમેન્યુઅલ ફેર નિર્દોષ છૂટી ગયો, પણ આ કેસની સૌથી મોટી અને સૌથી પીડાદાયક હકીકત એ છે કે અર્પણા જિનાગાનો હત્યારો ક્યારેય પકડાયો નથી. આ કેસ આજે પણ સત્તાવાર રીતે વણઉકેલાયેલો છે. ડીએનએ પુરાવાના મિશ્રણ, ગુનાના સ્થળના દૂષિત થવાના પ્રયાસો, બે મજબૂત શંકાસ્પદોની હાજરી અને ન્યાયપ્રણાલીની ભૂલોએ એક એવા રહસ્યને જન્મ આપ્યો છે, જેણે રેડમંડને ધ્રુજાવી દીધું હતું. હત્યારાએ ઓઇલ, બ્લીચ અને સળગાવવાના પ્રયાસો કરીને ભલે પુરાવાઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હોય, પણ સત્યની ગંધ હજી પણ એ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના કોરિડોરમાં ઘૂમરાઈ રહી છે. અર્પણા જિનાગાની વાર્તા એક ભયાનક સત્ય તરીકે અસ્તિત્વ ધરાવે છે કે હેલોવીનની એક રાત્રે ઉજવણીના માહોલ વચ્ચે જ એક નિર્દોષ યુવતીનું જીવન ક્રૂરતાથી છીનવાઈ ગયું અને તેનો હત્યારો આજે પણ પડછાયામાં છુપાયેલો છે.