વર-વહુ વચ્ચે સંબંધ કથળી ચૂકેલો. બેય એકમેકને અંદરખાને ધિક્કારતાં હતાં. એવામાં એમના જીવનમાં એક છેલછબીલા પેરિસ-રિડર્ન્ડ જુવાનિયાનો પ્રવેશ થયો. પતિએ ઇર્ષ્યા અનુભવી અને છતાં પતિએ જ રવિવારે ઘરે પાર્ટી યોજીને પત્ની તથા પેલા જુવાનિયાના સંગીતવાદનનો કાર્યક્રમ યોજ્યો. જોકે, પછી એક રાતે પતિનું ફટક્યું. એણે પત્ની સામે પેપરવેઈટનો ઘા કર્યો, મીણબત્તીનું સ્ટેન્ડ ફર્શ પર પછાડ્યું. પત્ની ડરી ગઈ. એને હિસ્ટીરિયાનો હુમલો આવ્યો. એ હસી રહી હતી, રડી રહી હતી, ધ્રૂજી રહી હતી.
આગળની વાત પતિના શબ્દોમાં (પતિ ટ્રેનમાં એક સહયાત્રી સાથે વાત કરી રહ્યો છે)
પત્ની (માંદગીનો) દેખાડો નહોતો કરી રહી. અમે ડોક્ટરને બોલાવ્યો. એણે દવા આપી. રાતભર હું પત્નીની બાજુમાં બેસી રહ્યો. સવાર સુધીમાં પત્ની ખાસ્સી નોર્મલ થઈ. પછી નાસ્તાના ટેબલ પર મેં શાંતિથી વાત કરી અને સ્વીકાર્યું કે મને ટૂફસ્કી (સંગીતકાર જુવાન)ની ઇર્ષ્યા થઈ રહી હતી. આ સાંભળીને પત્ની જરાય છોભીલી ન પડી. એને નવાઈ લાગી. એ તો હસી પણ પડી. એ બોલી : `કોઈ પણ ખાનદાન સ્ત્રી આવા જુવાનિયા સાથે થોડું સંગીત વગાડી લેવા સિવાય કંઈ પણ વિચારી જ કઈ રીતે શકે એ મને સમજાતું નથી. તમને એવું લાગતું હોય તો હવે પછી હું એને ક્યારેય નહીં મળું. તમે રવિવારની પાર્ટી કેન્સલ કરી નાખો. જોકે, બધાને આમંત્રણ અપાઈ ચૂક્યાં છે, પણ ઠીક છે. પેલાને કહી દો કે મારી (પત્નીની) તબિયત ખરાબ છે. વાત ત્યાં પૂરી થઈ જશે. મને ખાલી એક જ વાત ખૂંચી રહી છે કે સાવ આવા માણસને પણ કોઈ જોખમી કઈ રીતે ગણી શકે? તમને આવો વિચાર આવ્યો એ મને ગમ્યું નથી. આવા વિચારથી મને ત્રાસ થાય એટલું આત્મસન્માન તો છે મારામાં.'
એ સાચું કહી રહી હતી. કદાચ આવું બોલીને એ પેલા પ્રત્યે પોતાની અંદર અણગમો જગાવવા મથી રહી હતી અને પોતાનો બચાવ કરી રહી હતી, પણ એમાં એને સફળતા ન મળી.
સંગીત નડી ગયું.
રવિવાર આવી પહોંચ્યો. સાંજે છ વાગ્યે મહેમાનો આવી પહોંચ્યા. ટૂફસ્કી એનાં વસ્ત્રોથી માંડીને વર્તનમાં મને છીછરો-ઊતરતો લાગી રહ્યો હતો અને મારી પત્નીની એ વાત મને સાચી લાગી રહી હતી કે મારી પત્ની સામે આ માણસનો કોઈ ક્લાસ જ નહોતો.
જોકે, બધા આવ્યા, જમ્યા અને ત્યાર પછી સંગીતવાદન શરૂ થયું એ દરમિયાન ટૂફસ્કી અને મારી પત્ની જે રીતે સહજતાથી વર્તી રહ્યાં હતાં એ જોઈને મને અકળામણ તો થઈ જ. હું એમને એકદમ ધારીધારીને જોતો હતો.
ઓહ, એ સાંજની ઝીણામાં ઝીણી વિગતો મને યાદ છે. સંગીતવાદન શરૂ કરતાં પહેલાં કઈ રીતે ટૂફસ્કીએ એનું વાયોલિન-બોક્સ ખોલ્યું, વાયોલિન કાઢ્યું, તાર મેળવ્યા અને મારી પત્ની સહેજ સંકોચ સાથે પિયાનો પાસે ગોઠવાઈ. બંનેએ એકમેકની સામે જોયું, શ્રોતાઓ સામે જોયું. પછી આપસમાં અત્યંત ટૂંકી ગુસપુસ બાદ એમણે શરૂ કર્યું સહવાદન. એમણે બીથોવનનું ક્રોત્ઝર સોનાટા (સામાન્ય રીતે વાયોલિન અને પિયાનો એ બે જ વાદ્યો સાથે વગાડાતું ચેમ્બર મ્યુઝિક) શરૂ કર્યું.
એ સોનાટા અને ખાસ તો એનો આરંભિક દ્રુત-ઝડપી લય. અહા, એ તમને તાણી જાય. માત્ર આ પીસ જ નહીં, સંગીત સમગ્રપણે માણસને ભયંકર રીતે પ્રભાવિત કરે. લોકો કહે છે કે સંગીત આત્માના તાર ઝણઝણાવે. ના, આ જુઠાણું છે, મૂર્ખામી છે. સંગીત તમને જોખમી રીતે પ્રભાવિત કરે છે (એવો મારો અનુભવ છે). તમને કઈ રીતે સમજાવું? સંગીત મને મારી વાસ્તવિકતા ભુલાવે છે. એ મને એવી મન:સ્થિતિમાં લઈ જાય છે જે મારી પોતાની નથી. હું (સામાન્ય રીતે) જે ન અનુભવતો હોઉં કે સમજતો હોઉં એ બધું મને સંગીત સાંભળતી વખતે અનુભવાય-સમજાય છે. સૈન્યની પરેડ વખતે ઠીક છે, કૂચ પૂરી થાય એ સાથે જ સંગીત પૂરું થાય. એ જ રીતે ચર્ચની પ્રાર્થના કે બૉલરૂમના ડાન્સ સાથે સંગીત પૂરું થાય, પણ આવી બધી ક્રિયાઓ સાથેના સંગીત સિવાયનું કોઈ પણ સંગીત તમને કેવળ ઉત્તેજિત કરે છે. એમાં તમારે સંગીતની સાથે કોઈ ક્રિયા કરવાની હોતી નથી. તમારે ફક્ત ઉત્તેજિત થવાનું હોય છે અને સંગીત રચતી વખતે રચનાકારે જે અનુભવ્યું હોય એ અનુભવવાનું હોય છે. માટે મને સંગીત જોખમી લાગે છે. ચીનમાં સંગીત પર સરકારી પ્રતિબંધ છે એ બરાબર જ છે. સંગીત લોકોને હિપ્નોટાઈઝ કરી શકે અને માટે એ જોખમી છે.
એ સાંજે `ક્રોત્ઝર સોનાટા'ના ખાસ તો આરંભિક ઝડપી ગતિના સંગીતથી હું હિપ્નોટાઈઝ થયો. મારામાં એક એવી લાગણી જન્મી, કહો કે એવું સદ્ગુણીપણું જન્મ્યું, જેમાં ઇર્ષ્યા જેવી ક્ષુલ્લક લાગણીને કોઈ સ્થાન જ ન હોઈ શકે. હું ઇર્ષ્યાથી ઉપર ઊઠ્યો. હું એકદમ હળવોફૂલ થઈ ગયો. હું આનંદ અનુભવી રહ્યો હતો. અગાઉ મને જે નહોતી સમજાઈ એવી એક વાત જાણે મને એ સંગીતશ્રવણ બાદ સમજાઈ કે હા, આ જ સાચી રીત છે જીવવાની. અગાઉ હું જે રીતે જીવતો હતો અને વિચારતો હતો (ઇર્ષ્યા અને ટુચ્ચાપણામાં રાચતો હતો) એ બધું ખોટું હતું.
સંગીતશ્રવણ બાદ પાર્ટીમાં મારી પત્ની અને પેલા ટૂફસ્કી સહિત સૌ કોઈના ચહેરાને હું જાણે નવા પ્રકાશમાં જોઈ રહ્યો હતો. સંગીત મને નવી જ દુનિયામાં લઈ ગયું હતું. એ દુનિયામાં ઇર્ષ્યા અને એવી બધી ક્ષુલ્લક લાગણીઓને કોઈ સ્થાન નહોતું.
પછી એ પાર્ટી પૂરી થઈ ત્યાં સુધી મેં ઇર્ષ્યા ન અનુભવી.
બે દિવસ પછી હું બહારગામ જવાનો હતો એ જાણ્યા બાદ, પાર્ટી પછી વિદાય લેતી વખતે ટૂફસ્કીએ મને પૂછ્યું, `તો પછી તમે પાછા ક્યારે આવશો?' મને એવું સમજાયું કે ટૂફસ્કી એવું કહેવા માગતો હતો કે મારી ગેરહાજરીમાં તો એ મારા ઘરે આવી નહીં શકે. મેં પાછા ફરવાની તારીખ કહી. એ પહેલાં તો ટૂફસ્કી જતો રહેવાનો હતો (એ થોડા દિવસો માટે જ અમારા શહેરમાં આવેલો). એટલે અમે છૂટા પડ્યા ત્યારે મને લાગ્યું કે આખો મામલો આ સાથે પૂરો થાય છે. મેં પહેલી વાર સાચા ઉમળકાથી તેની સાથે હાથ મિલાવ્યા અને મહેમાનોને સુંદર મનોરંજન પૂરું પાડવા બદલ એનો આભાર માન્યો. મારી પત્નીની પણ એણે એકદમ સહજ અને યોગ્ય રીતે વિદાય લીધી.
બધું બહુ સારી રીતે પાર પડ્યું. રાતે સૂતી વખતે અમે વર-વહુએ પાર્ટી કેવી સરસ રહી એ વિશે વાતો કરી.
આટલી સારી રીતે, મૈત્રીપૂર્ણ રીતે અમે લાંબા સમયથી એકમેક સાથે વાત નહોતી કરી.
બે દિવસ પછી હું મારા સરકારી કામે બહારગામ ગયો. ત્યાં બહુ કામ હતું. આખો દિવસ મુલાકાતો અને સક્રિયતા. બીજા દિવસની સાંજે મને પત્નીની ચિઠ્ઠી મળી (સ્પષ્ટતાઃ ફોન-ઇ-મેલ વિનાના એ જમાનામાં પતિ ચાર-પાંચ દિવસ પણ બહારગામ ગયો હોય ત્યારે પણ પતિ-પત્ની વચ્ચે ઝડપી આગંડિયા થકી ચિઠ્ઠીઓની આપ-લે થતી.) ચિઠ્ઠીમાં પત્નીએ અમારાં સંતાનો, સગાંઓ અને નોકરો વિશેની સામાન્ય વાતોની સાથે, એટલી જ સામાન્ય એક વાત હોય એ રીતે લખ્યું હતું કે, `ટૂફસ્કી ઘરે આવેલો. એણે જે સ્કૉર્સ-સંગીતનોંધો મને આપવાનું કહેલું એ આપી ગયો છે અને એણે તો મને ફરી સાથે મળીને સંગીતવાદન માટેનું સૂચન કર્યું, પણ મેં ના પાડી દીધી.'
સંગીતનોંધો આપવાની હતી? એવી તો કોઈ વાત થયાનું મને યાદ જ નહોતું. હું તો એવું સમજેલો કે ટૂફસ્કીને હવે પછી મળવાનું જ નહોતું. મને નવાઈ લાગી. અકળામણ પણ થઈ. ચિઠ્ઠી મેં ફરી વાંચી. મને એમાં (પત્નીના પક્ષેથી) સહેજ કોમળતા અને ક્ષોભનો અણસાર આવ્યો અને મારી અંદર ઇર્ષ્યાએ માથું ઊંચક્યું.
અને આ વખતે આંતરિક ઇર્ષ્યા અને બાહ્ય ઘટનાક્રમ નાયકને પત્નીના ખૂન સુધી દોરી ગયાં.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
