મસૂરી નામ સાંભળતા જ આંખ સામે આલ્હાદક દૃશ્યો તાજાં થઈ જાય છે. આ શહેર પર્વતોની રાણી તરીકે ઓળખાય છે. તે ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં સ્થિત એક સુંદર હિલસ્ટેશન છે.

તે બ્રિટિશ યુગથી પ્રવાસીઓનું આકર્ષણ રહ્યું છે. દેહરાદૂનથી 38 કિલોમીટર દૂર સ્થિત તે એક અનોખો સાઈટ-સીન પ્રદાન કરે છે, જેમાં લીલીછમ ટેકરીઓ, શાંત વાતાવરણ અને હિમાલયનાં દૃશ્યો છે. અહીંનું હવામાન આખું વર્ષ ખુશનુમા રહે છે, તેથી તેને પર્વતોની રાણી કહેવામાં આવે છે. તમને દરેક જગ્યાએ હરિયાળી જોવા મળશે. હિમાલયના પર્વતોમાં વસેલું આ હિલ સ્ટેશન મનમોહક સૌંદર્ય ધરાવે છે. અંગ્રેજોએ તેનાં મનમોહક દૃશ્યો જોયા પછી તેને `પહાડોની રાણી' નામ આપ્યું. દરેક ઋતુમાં અહીં સુંદરતા ભરપૂર હોય છે અને દરેક વળાંક તાજગીભર્યો વળાંક આપે છે. મસૂરી ફરવા જાવ ત્યારે આટલી જગ્યાઓની મુલાકાત અચૂક લેવી જોઈએ.

કૅમ્પટી ફોલ્સ : મસૂરીથી 15 કિમી દૂર આવેલો કેમ્પટી ફોલ્સ એક પોસ્ટકાર્ડના આકારવાળો ધોધ છે, જે તેની તાજગી અને પારિવારિક પિકનિક માટે જાણીતું છે. જોકે, પહાડોથી ઘેરાયેલું હોવાને લીધે ઉનાળા અને ચોમાસામાં સૌથી વધુ આકર્ષણ જમાવે છે. દેહરાદૂન અને મસૂરીના રસ્તાઓ વચ્ચે સ્થિત, કેમ્પ્ટી ફોલ્સ એક સુંદર ધોધ છે જે 40 ફૂટની ઊંચાઈથી જમીન પર પડે છે. પર્વતો અને ખડકોથી ઘેરાયેલો, કેમ્પ્ટી ફોલ્સ સમુદ્ર સપાટીથી આશરે 4,500 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. આ સ્થળ જોન મેકિનને પિકનિક સ્પોટ તરીકે બનાવ્યું હતું, જ્યાં લગભગ આખું વર્ષ ભીડ રહેતી હોય છે.

ગન હિલ : મસૂરી ફરવા જાવ અને ગન હિલ ન જાવ એમ તો કેમ બને? આ મસૂરીનું સૌથી ઊંચું શિખર છે, જેમાં કેબલ કારની સવારી અને હિમાલયનાં નયનરમ્ય દૃશ્યો બનેનો રોમાંચ સમાવિષ્ટ છે. ખાસ તો જેને સવારનો સૂરજ ઊગતો જોવો ગમે છે અથવા તો ફોટોગ્રાફીનો જેને શોખ છે તેના માટે આ જગ્યા બેસ્ટ છે.

જબરખેત નેચર રિઝર્વ : જો તમે પ્રકૃતિની નજીક રહેવા માંગતા હો, તો જબરખેત નેચર રિઝર્વ એક સારો વિકલ્પ છે. 100 એકરમાં ફેલાયેલો આ રિઝર્વ પક્ષી નિરીક્ષકો અને પ્રકૃતિપ્રેમીઓ માટે એક અદ્ભુત સ્થળ છે. અહીં તમે ચિત્તો, સ્લોથ રીંછ, ઓટર, ઘોર, ભસતાં હરણ, સાંભર, જંગલી ડુક્કર, શાહુડી, મંગૂસ, કસ્તુરી અને હરણ સહિત વિવિધ પ્રાણીઓનું અવલોકન કરી શકો છો તેમજ સો કરતાં વધુ દુર્લભ પક્ષીઓની પ્રજાતિઓ પણ જોઈ શકો છો. અહીં પહોંચવા માટે તમારે મોલ રોડ અને પછી ધનૌલ્ટી રોડ લેવો પડશે. તે મસૂરી મોલ રોડથી લગભગ 8 કિમી દૂર સ્થિત છે.

બેનોગ વન્યજીવ અભયારણ્ય : આ અભયારણ્ય પહાડોની રાણી મસૂરીથી આશરે 11 કિમી દૂર આવેલું છે. તે પ્રકૃતિનો છુપાયેલ ખજાનો છે, જે સૌથી સુખદ કુદરતી અનુભવ પ્રદાન કરે છે. આ અભયારણ્ય વિવિધ પ્રકારના છોડ અને પ્રાણીઓનું ઘર છે. તે પ્રકૃતિપ્રેમીઓ અને પ્રાણીપ્રેમીઓ બંને માટે એક ઉત્તમ સ્થળ છે.

લાલ ટિબ્બા : મસૂરી લાઇબ્રેરી ચોકથી માત્ર 6 કિલોમીટર દૂર આવેલું છે, જે ઉત્તરાખંડના દેહરાદૂનથી પણ લગભગ 40 કિલોમીટર દૂર છે. અહીં પહોંચવામાં લગભગ દોઢ કલાક લાગશે. સાંજે આથમતો સૂર્ય ટેકરીની ટોચના એક ભાગ પર લાલ રંગનો પ્રકાશ પાડે છે, જે એક અદ્ભુત દૃશ્ય બનાવે છે, તેથી તેને `લાલ ટિબ્બા' નામ આપવામાં આવ્યું છે.

અન્ય ફરવાલાયક જગ્યાઓ

 આ ઉપરાંત મસૂરીનાં અન્ય સ્થળો એવાં છે જે આકર્ષણનું કેન્દ્ર છે. જેવા કે, કંપની ગાર્ડન જે તમને બોટિંગ કરવા માટેનો એક અલગ અનુભવ આપશે. આ ઉપરાંત ઘાસનાં મેદાન, નાનું એવું તળાવ અને સ્ટ્રીટ ફૂડ માટેની બેસ્ટ જગ્યા તમને અહીં જ રોકી રાખશે. આ સિવાય ક્લાઉડ્ઝ એન્ડ, ઝડીપાણી ઝરણું, માલ રોડ અને મસૂરી તળાવ પણ ફરી શકાય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો