પત્નીને સૌથી વધુ જોઈએ પતિનો સંગાથ, જીવનસાથીની હૂંફ.

પત્નીની આ અપેક્ષા વાજબી છે. સંસારની જમીન ખરબચડી છે. એના પર ગાડું ચલાવવા માટે બંને પૈડાં મજબૂત અને પ્રોપર્લી એલાઈન્ડ (સીધાં) હોવાં જરૂરી છે. એક પૈડું ડાબી તરફ વળેલું હોય અને બીજું પૈડું જમણે ઝૂકેલું હોય તો ગાડું ખેંચવું ભારે પડે. પછી પૈડાં ફરે નહીં, ઢસડાય.

છોકરાં ઉછેરવાં, દુન્યવી વહીવટ સંભાળવો, ઘરનાં કામકાજ કરવાં. આવા અનેક પ્રકારના પડકારોનો જુદી-જુદી ક્ષમતા ધરાવતાં બે પાત્રો સાથે મળીને મુકાલબો કરે તો સારું પડે, બાકી જો પતિ-પત્ની વચ્ચે શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી જેવો ઘાટ થાય, તો દાંપત્યની હાર નિશ્ચિત છે.

ટોલ્સ્ટોય-સોફિયા હાર્યાં, કારણ કે એમના રસ્તા ફંટાયા.

લગ્નની શરૂઆતના લગભગ પોણા બે દાયકા સારા અને એકદમ ફળદાયી રહ્યા. એ ગાળામાં એમણે 13 બાળકો પેદા કર્યાં (ગર્ભધારણ તો 16 વાર થયું, પણ ત્રણ મિસકેરેજીસ થયાં). જન્મેલાં બાળકોમાંના પાંચ બાલ્યાવસ્થા ન વટાવી શક્યા. પાંચ-પાંચ બાળકોનાં મોતની વેદના બેઉએ વેઠી. આ ગાળા દરમિયાન ટોલ્સ્ટોયની મહાન નવલકથા વૉર એન્ડ પીસની `પ્રસૂતિ' પણ બંનેની સહિયારી યાત્રા હતી.

પણ લગ્નનાં પંદરેક વર્ષ બાદ જ્યારે ટોલ્સ્ટોય પચાસની ઉંમરને આંબી રહ્યા હતા અને સોફિયા 36-37નાં હતાં, ત્યારે બેઉના રસ્તા ફંટાયા.

પ્રૌઢાવસ્થાએ પહોંચેલા ટોલ્સ્ટોય અત્યંત ઘેરા વિષાદમાં ડૂબી રહ્યા હતા અને આપઘાતની તીવ્ર ઇચ્છા અનુભવી રહ્યા હતા. પતિનું ડિપ્રેશન વાસ્તવિક હતું, પરંતુ બીજી મુશ્કેલી એ હતી કે પતિ સાંસારિક બાબતોમાંથી મુક્ત થઈને અધ્યાત્મના મહાસાગરમાં ડૂબવા માગતા હતા અને પત્ની એવું ઇચ્છતી હતી કે પતિ એની સાથે રહે, એમનાં આઠ સંતાનો, મસમોટી જાગીર તથા પુસ્તક-પ્રકાશનની કમાણીમાં પૂરતો રસ લે.

બંનેની ફરિયાદ એક જ હતીઃ સામેનો પક્ષ મારી સ્થિતિને સમજી નથી રહ્યો, મને સાથ નથી આપી રહ્યો.

એ સમયગાળામાં એક તબક્કે સોફિયાએ પોતાની ડાયરીમાં નોંધ્યું: `સાંજે બે મહેમાનો આવેલા. એમની સાથે લ્યોવોચ્કાએ (પતિ ટોલ્સ્ટોયે) અને મેં (સોફિયા) અમારા લગ્નજીવન વિશે ચર્ચા કરી. એ ચર્ચા પીડાદાયક હતી. લ્યોવોચ્કાએ કહ્યું, `હુ એક નવા વિચારનું ગર્ભધારણ કરું છું અને પછી એ સાવ જ નવી આધ્યાત્મિક ફિલોસોફીને જન્મ આપવા માટે પ્રસૂતિ જેવી જ આકરી પીડા વેઠું, પણ એ વખતે લોકો (એટલે કે હું એટલે કે સોફિયા) શું કરે છે? એ મારી પીડાને વખોડે છે અને મને સમજવામાં એને જરાય રસ જ નથી.' જવાબમાં મેં (સોફિયાએ) કહ્યું કે, `તમે ભલે તમારી કલ્પનામાં આધ્યાત્મિક બાળકોને જન્મ આપો, પરંતુ મેં અહીં નક્કર પીડા વેઠીને નક્કર જીવતાં બાળકો પેદા કર્યાં છે. એ બચ્ચાંઓને જમાડવાં પડે, ભણાવવાં પડે. એ બાળકોની સંપત્તિ અને હિત જળવાઈ રહે એનું ધ્યાન રાખવું પડે. મારી જિંદગી એકદમ ભરચક અને પેચીદી છે. આ બધું હું પતિના આધ્યાત્મિક તુક્કા ખાતર જતું ન કરી શકું.'

આ આખી વાતમાં સ્ત્રી-પુરુષનો ભેદ પણ કદાચ કામ કરી રહ્યો હતો. સ્ત્રી નક્કરતાની પ્રેમી હોય, એ ડાઉન ટુ અર્થ હોય, એને આકાશી-અમૂર્ત-આધ્યાત્મિક ચર્ચાઓ `નક્કામી થિયરિયું' લાગે, પણ પુરુષ માટે ખાસ તો ગંભીર લેખક અને વિચારક માટે, વિચારોનું એ અમૂર્ત વિશ્વ એકદમ વાસ્તવિક હોઈ શકે. ટોલ્સ્ટોયની ફરિયાદ હતી કે પત્ની એમની આધ્યાત્મિક પીડાને સમજવા-સ્વીકારવા તૈયાર નહોતી. સામે પક્ષે સોફિયાની ફરિયાદ એવા પ્રકારની હતી કે તમે હવાઈ પીડાનાં ગાણાં ગાવાનું રહેવા દો, એ પીડા બદલ દુનિયા તમને વધાવે-પૂજે છે, પરંતુ હું ઘરગૃહસ્થીનો જે ઢસરડો કરું છું, બાળકોને ઉછેરું છું, કામમાંથી જરાય નવરી નથી પડતી, રાતે તમે-બાળકો-નોકરો વગેરે સૌ સૂઈ જાઓ ત્યાર પછી તમારા દિવસભરના લેખનને મીણબત્તીના અજવાળે સુઘડ અક્ષરોમાં ફરી લખું છું, એ બધી મારી મહેનતની ન તો તમને કદર છે કે ન તો બહારની દુનિયાને એની કશી જાણ છે. (જોકે, બહારની દુનિયાએ પછી જાણ્યું પણ ખરું અને એ વાતની કદર પણ કરી કે વૉર એન્ડ પીસ લખવા બાબતે સોફિયાએ પણ ટોલ્સ્ટોય જેટલો જ પરસેવો પાડેલો.)

ખૈર, તો પતિ-પત્ની વચ્ચેનાં ખટાશ-ખટરાગનો એક પાયો આ હતો : કદરનો અભાવ. પતિને લાગતું હતું કે પત્નીને એની પરવા નથી અને પત્નીને લાગતું હતું કે હું તૂટી મરું છું એ વાતની પતિને કદર નથી.

સોફિયા આ બાબતે પતિને વારંવાર કદર જાને ના મોરા બાલમ બેદર્દી એવા સૂરમાં ફરિયાદ કરતી રહી, પણ પતિએ આ મામલે સંવેદનશીલતા ન દાખવી. આ મુદ્દે સોફિયાની ડાયરીમાંની એક જાલીમ નોંધ જાણવા જેવી છે. થયું એવું કે દીકરી સાશાની તેરમી વર્ષગાંઠ નિમિત્તે સોફિયાએ સાશાનો જન્મ કેવા આકરા સંજોગોમાં થયેલો એની વાત લખી. વાત કંઈક આવી હતીઃ સાશાના જન્મના આગલા દિવસે ટોલ્સ્ટોય-સોફિયા વચ્ચે એક મોટો ઝઘડો થયેલો. ટોલ્સ્ટોયે ઘોડાના બ્રીડિંગના ધંધામાં મોટી ખોટ ખાધેલી અને આ મામલે પતિ-પત્ની વચ્ચે એટલી બધી દલીલબાજી થઈ કે, સોફિયાએ ડાયરીમાં નોંધ્યા મુજબ, `એમણે (ટોલ્સ્ટોયે) પિત્તો સાવ જ ગુમાવી દીધો અને મને ન સંભળાવવા જેવી અનેક ભયંકર વાતો સંભળાવી. એમણે પોતાની બેગ ભરીને કહી દીધું કે એ જતા રહેશે, કદાચ અમેરિકા જતા રહેશે. હું કરગરતી રહી, પણ એ જતા રહ્યા. એ ગયા એની થોડી જ વારમાં મને વેણ ઉપડ્યું. હું પથારીમાં પટકાઈ. બીજી સવારે એ પાછા આવીને સોફામાં બેસી ગયા, પણ ઉપલા માળે મને જોવા ન આવ્યા. હું નીચે આવી. મારું વેણ હજુ ચાલુ જ હતું. એમણે મારી સાથે કશી વાત ન કરી. હું મારી રૂમમાં પાછી ફરી. એના કલાક પછી સાશા જન્મી.'

પતિની આવી નિષ્ઠુરતાને લીધે કોઈ પણ પત્નીના મનમાં પતિ પ્રત્યે તીવ્ર રોષ જાગે તે સ્વાભાવિક છે. આવા કિસ્સા અનેક લોકોના જીવનમાં બનતા હોય છે.

ખૈર, આ આખી વાતમાં ટોલ્સ્ટોય-સોફિયાના લગ્નજીવનમાં, કોણ નિર્દોષ ને કોણ વિલન એ નક્કી કરવું ખૂબ જ અઘરું છે. આપણે તો ખૈર, દૂરના લોકો છીએ, આપણને એ કપલ સાથે પ્રત્યક્ષ રીતે કશી જ લેવાદેવા નથી, પરંતુ એમનાં પોતાનાં આઠ-આઠ સંતાનો એ વાતે ભારે પીંખાયાં કે મમ્મી-પપ્પાના ઝઘડાઓમાં વધુ વાંક કોનોઃ પપ્પાનો કે મમ્મીનો? સંતાનો પણ આ મામલે વિભાજિત થયાં. (ક્રમશઃ)