હું સોક્રેટિસજી,

કોલેજમાં એસ.વાય. સાયન્સમાં છું. મારે એક બોયફ્રેન્ડ અર્પણ (નામ બદલ્યું છે.) સાથે લવ છે. મારી ખાસ ફ્રેન્ડ બબીતા (નામ બદલ્યું છે.) એણે એકવાર એના બર્થડેની પાર્ટી આપી થિયેટરમાં પિક્ચર બતાવ્યું હતું. ત્યારથી અર્પણ એને વધુ ભાવ આપવા માંડ્યો છે. હમણાં અર્પણે ફિલ્મનો પ્રોગ્રામ બનાવ્યો હતો ત્યારે બાજુની સીટ પર કોઇ લેડી હતાં એટલે અર્પણ અમારા બંને પછીની સીટ પર બેસે એ પહેલાં જ બબીતા છેલ્લે બેસી ગઇ એટલે અર્પણે ફરજિયાત વચ્ચે બેસવું પડ્યું હતું. મેં બરાબર જોયું હતું કે એ વારેવારે અર્પણને ચીપકીને બેસતી હતી. મને તો અર્પણ એનો થઇ જાય એવો ડર છે, તો શું કરું? અર્પણને છોડી દઉં? - અર્પિતા (નામ બદલ્યું છે.),

તારી સમસ્યા ખરેખર ધ્યાન આપવા જેવી તો છે જ. તારા માટે એક બાજુ બોયફ્રેન્ડ લવર અને બીજી બાજુ ખાસ બહેનપણી છે. આમ તો કોલેજમાં બોયઝ અને ગર્લ્સ વચ્ચે ફ્રેન્ડશિપ હોય અને ઘણા કિસ્સામાં એક બોય હોય અને ગર્લફ્રેન્ડ્સ ચાર-પાંચ હોય. એવી રીતે એક ગર્લ હોય અને ચાર-પાંચ બોયફ્રેન્ડ્સ હોય. આ બધા એવી રીતે હસીમજાક કરે, પાર્ટીઓ કરે અને મનફાવે તેમ વર્તે તે જોતાં આશ્ચર્ય થાય કે આમાં ખરા ફ્રેન્ડ્સ કેટલા? કોને કોની સાથે લવ એ જ ખબર ન પડે. ઘણીવાર ગર્લ વારાફરતી બોયફ્રેન્ડ સાથે પિક્ચર જોવા જાય! બીજા ફ્રેન્ડ્સ પણ સાથે ન જાય એવી ગોઠવણ થાય. એવી રીતે દરેકનો સાથે જવાનો વારો પણ નક્કી થાય. આમાં કોઇ શું સમજે? બધા સાથે જાય તો શું વાંધો. અલગ અલગ જવાનો શું હેતુ?

આમાં બધાનો જ ઇરાદો મલિન જણાય એ સ્વાભાવિક છે. આવું બધા જાણતા હોવાથી પેલી ગર્લની ઇમેજ તો બગડવાની જ ને! બોયઝને શું? પરંતુ પેલી ગર્લ એવી રીતે જાય જ છે શા માટે. એનો ઇરાદો મોજ કરવાનો જ કહી શકાય. જોકે, આમાં એવો ખુલાસો કરાય છે કે બધા સાથે હોય તો સરખી વાતચીત ન થઇ શકે. બધા જ એક ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા માંગતા હોય એટલે પિક્ચરમાં ન ફાવે. હકીકતમાં સૌ સમજતા હોય કે એવું શા માટે કરાય છે. એવી રીતે એક બોય હોય અને ત્રણ-ચાર ગર્લફ્રેન્ડ હોય ત્યારે પણ આવી જ હાલત થાય. આવી રીતે ફ્રેન્ડ્સ સર્કલમાં બધા એકબીજાને સારી રીતે જાણી ગયા પછી કોઇ કોઇની સાથે ખરો લવ તો કરે જ નહીં અને લવ કરવાનો દેખાડો કરે તો તેની પાછળ ફિઝિકલ અટ્રેક્શન જ હોય. જ્યાં રિયલ લવ ન થાય ત્યાં મેરેજનો સવાલ જ આવતો નથી.

ધારો કે યુવતીને કોઇ એક યુવક સાથે વધુ પડતી લાગણી જન્મે અને તેને લવ કરવા માંડે તો સામેથી એવો પ્રતિસાદ મળે ખરો? ભલે બધા સ્વૈરવિહારમાં માનતા હોય, પણ મેરેજની વાત આવે ત્યારે પત્ની તો સો ટચનું સોનું જ જોઇએ, એવું ઘણી ગર્લફ્રેન્ડ્સ ધરાવતા બોય્ઝ કહેતા હોય છે. એ કોઇ એક પ્રત્યે લાગણી બતાવે તો એનો કોઇ વિશ્વાસ ન કરે, સ્ત્રીઓ તો આ બાબતમાં પુરુષો કરતાં પણ વધુ જિદ્દી હોય છે. એટલે કે ગર્લ એવું તો ન જ સ્વીકારે કે તેનો બોયફ્રેન્ડ અન્ય ગર્લ્સનો પણ ખાસ ફ્રેન્ડ હોય. આ થઇ સામાન્ય સમજણની વાત. આના પ્રતિપ્રેક્ષ્યમાં હવે તારા લવર બોયફ્રેન્ડ અને તારી ફ્રેન્ડ વિશે વિચારીએ તો શરૂઆતમાં તેને સાવ સામાન્ય બાબત ગણી લેવાય, પરંતુ સમય જતાં બંને તને અવગણીને, સાઇડ પર રાખીને ગુસપુસ કરવા માંડે તો. તે સામાન્ય બાબત તો ન જ ગણાય. તારી ફ્રેન્ડનો ઇરાદો સારો તો નથી જ જણાતો.

પ્રથમ તો એણે પોતાની ખાસ ફ્રેન્ડના લવર સાથે વધુ ઇન્ટિમસી રખાય જ નહીં. કામ પૂરતી, ખપની વ્યવહારુ વાતચીત કરાય. કામકાજ પણ એ રીતે જ કરાય. કદાચ ફ્રેન્ડનો બોયફ્રેન્ડ પોતાના તરફ વધુ આકર્ષાતો, ઢળતો જણાય તો તરત જ તેની સાથે વાતચીત કરવાનું જ બંધ કરી દેવું જોઇએ. એટલું જ નહીં ફ્રેન્ડ હોવાથી તેને જરૂર પડે કહી દેવું જોઇએ કે મારી સાથે બહુ ચપચપ કરવા ન આવ. તારી આવી વાતથી તારી ફ્રેન્ડ સમજી જશે. એને ખરાબ લાગશે એટલે દૂર રહેશે. આમ છતાં એ એવું ન કરે તો ફ્રેન્ડને જ સમજાવી દેવી પડે, એટલે કે તારે તારા લવર અર્પણને નહીં પણ બબીતાને જ આ બાબતે ગંભીર બનવા કહેવું. ધીરે રહીને એને સમજાવવાની કે તને આ બાબત પસંદ નથી. તું હવે અર્પણને આ રીતે જ વધુ ભાવ આપતી રહીશ તો હું જ તારી સાથે ફ્રેન્ડશિપ તોડી નાખીશ.

તારી આ ચીમકીથી તે સમજી જશે. એ તારી ખરી ફ્રેન્ડ હશે તો ખૂબ સિફતપૂર્વક અર્પણથી દૂર થઇ જશે, નોર્મલ રીતે વર્તવા માંડશે, પરંતુ તારી આ ચીમકી પછી પણ એ તારા અર્પણની સાથે ચીપકી રહે તો તારે અર્પણને સ્પષ્ટ રીતે શાંતિથી કહી દેવું કે તારી ફ્રેન્ડશિપ મારી સાથે છે. તું લવ મને કરે છે તો પછી બબીતાને આટલો બધો ભાવ આપવાની જરૂર નથી. હવે પછીથી બોલવાનું પણ ઓછું. સમજ્યો? અને ધારો કે એ બંને ન માને તો શું? તો ફરી એકવાર અર્પણને સમજાવવાનો અને તને ખરેખર લવ કરતા હોય તો બબીતા સાથે બોલવાનું ઓછું કરી નાખે, એની નજીક વધુ જવાનું નહીં. કોઇ પાર્ટી-પ્રોગ્રામ તેની સાથે ન જોઇએ. આટલું કહ્યા પછી પણ તે ન માને તો તારે દિલ પર પથ્થર મૂકીને તેને પડતો મૂકવાનો, ભૂલી જવાનો, જે માણસ હજી લવની શરૂઆત છે ત્યાં જ બેવફાઇ કરવા માંડ્યો હોય તે બાદમાં શું ન કરે?

તું નસીબદાર કે મેરેજ પહેલાં જ એ કેવો છે તે ખબર પડી ગઇ. આટલું વિચાર્યા બાદ જીવનમાં બીજું કોઇ સારું પાત્ર આવે તો યોગ્ય હોય તો જ સ્વીકારાવાનું. તને યોગ્ય પાત્ર મળી જ રહેશે. ચિંતા ન કરતી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો