વર્ષ 1979માં હું સૌપ્રથમ વાર એક એડ્વોકેટના ડેલિગેશન જોડે પરદેશ ગયો હતો. રશિયામાં મોસ્કો, સેન્ટ પીટર્સબર્ગ (જે એ સમયે લેનિનગ્રાડ કહેવાતું હતું), કિવ અને સોચી, ત્યારબાદ ઈસ્ટ યુરોપિયન દેશોમાં બુડાપેસ્ટ, પ્રાગ, વોર્સો અને ઈસ્ટ બર્લિન અને પછી લંડન તેમજ રોમ આમ અડધી દુનિયાનું ભ્રમણ કરી આવ્યો હતો.

બીજા વર્ષે અમેરિકા જવાની ઈચ્છા જાગી અને વિચાર્યું કે જો હું અમેરિકા જાઉં છું તો એક એડ્વોકેટ હોવાના કારણે મારે ત્યાંની કોર્ટોની મુલાકાત લેવી જોઈએ. કોલંબસે ખોજેલા એ નવા દેશમાં એટર્નીની ઓફિસીસમાં સો-બસ્સો પાર્ટનરો હોય છે. આટલા બધા પાર્ટનરો સહિત તેઓ કેવી રીતે વકીલાત કરે છે એ નજરોનજર જોવું અને જાણવું જોઈએ. આથી મેં ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસી, સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલ્સ આ જે શહેરોમાં હું જવાનો હતો ત્યાંના થોડા થોડા એટર્નીઓને પત્ર લખ્યા અને જણાવ્યું કે, `મારે તમારી ઓફિસ જોવી છે.

તમારી કાર્યપદ્ધતિ જાણવી છે, તમારી કોર્ટોની પણ મુલાકાત લેવી છે.' બધા જ એટર્નીઓએ મને ખૂબ જ ઊમળકાભેર આવકાર્યો, પણ એક એટર્નીની ફર્મને એવું લાગ્યું કે મેં એમને ત્યાં જૉબ મેળવવાની અરજી કરી છે. એટલે એમણે જવાબમાં જણાવ્યું કે, `સૉરી, વી ડુ નૉટ હૅવ ઍની પોઝિસન ટુ ઑફર યુ જૉબ ઍટ પ્રેઝન્ટ.' મેં તો આ બધા જ કાગળો એક ફાઈલમાં મૂક્યા અને ટૂરિસ્ટ વિઝા મેળવવા માટે એ સમયે મુંબઈમાં બ્રિચ કેન્ડી ઉપર જે અમેરિકન કોન્સ્યુલેટ આવેલી હતી ત્યાં પહોંચી ગયો. મારો વારો આવ્યો અને કોન્સ્યુલર ઓફિસરે મને પ્રથમ સવાલ કર્યો, `તમે અમેરિકા શા માટે જવા ઈચ્છો છો?'

જવાબમાં મેં જણાવ્યું: `ગયા વર્ષે હું લગભગ અડધી દુનિયા ફરી આવ્યો છું, આથી આ વર્ષે તમારો દેશ જોવાની ઈચ્છા જાગી છે અને હું એક એડ્વોકેટ છું એટલે અમેરિકાના એટર્નીઓને મળવાની ઈચ્છા ધરાવું છું. ત્યાંની કોર્ટો મારે જોવી છે.' ઓફિસરે મને વળતો સવાલ કર્યો: `વ્હૉટ ઈઝ ધ પ્રૂફ?'

મેં જે પેલી કોરસપોન્ડન્સની ફાઈલ બનાવી હતી એ આખી ઓફિસરને આપી. એમણે એ ખોલી અને પહેલો જ કાગળ પેલી એટર્નીની ફર્મ, જેણે મને જણાવ્યું હતું કે, `નો પોઝિસન અવેલેબલ' એ ખૂલ્યો. એ વાંચતાં જ કોન્સ્યુલર ઓફિસર ભડક્યો અને એ ફાઈલ અને મારો પાસપોર્ટ પાછો આપતાં કહ્યું: `વ્હોટ ઈઝ રોન્ગ વિથ યુ? આઈ એમ ડિનાઈંગ યોર વિઝા.' મને સમજ ન પડી કે મારા વિઝા શા માટે નકારવામાં આવ્યા. ત્યાર બાદ મેં અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓનાં પુસ્તકો મંગાવ્યાં, એનો અભ્યાસ કર્યો અને મારી ભૂલ મને સમજાઈ. એ પછી મેં `અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓની ભારતીયોની સ્થળાંતરની નીતિ ઉપર અસર' એ વિષયમાં લગભગ છ વર્ષ સંસોધન કર્યું અને સ્થળાંતરનો એક નવો સિદ્ધાંત `ધ થિયરી ઓફ લેજિસ્લેટિવ રિન્ટ્રેન્ટ' પ્રસ્થાપિત કર્યો, જે માટે મને મુંબઈ યુનિવર્સિટીએ ડોક્ટરેટની ડિગ્રીથી નવાજ્યો.

આ સઘળું આજે આ લેખમાં લખવાનું અને મારી ભૂલનો `સંદેશ'ના વાચકો સમક્ષ એકરાર કરવાનો વિચાર એટલા માટે આવ્યો કે મેં જે ભૂલ કરી હતી એવી જ ભૂલ અનેક ભારતીયો કરે છે અને આથી એમના વિઝા નકારાય છે.

અમેરિકાના વિઝાના બે પ્રકાર છે: કાયમ રહેવું હોય એમના માટે `ઈમિગ્રન્ટ' અને ટૂંક સમય માટે એ દેશમાં જવું હોય એમના માટે `નોન-ઈમિગ્રન્ટ'. ઈમિગ્રન્ટ વિઝા અનેક જુદાં જુદાં કારણોસર પ્રાપ્ત કરી શકાય છે. નોન-ઈમિગ્રન્ટ વિઝાના અસંખ્ય પ્રકારો છે. જે કાર્ય માટે તમે અમેરિકામાં થોડો સમય જવા ઈચ્છતા હોવ એના માટે ખાસ નોન-ઈમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે. એ દરેક વિઝા મેળવવાની લાયકાતો તેમજ રીતો જુદી જુદી હોય છે. સામાન્ય વિઝાઈચ્છુકો એવું માને છે કે `આમાં શું મોટી વાત છે? અમેરિકાની સરકારે વિઝાની અરજી કરવા માટે જે ફોર્મ નિયત કરેલું છે એ ભરીને સુપરત કરવાનું છે અને એને લગતા ઈન્ટરવ્યૂમાં જે સવાલો પૂછવામાં આવે એના જવાબો આપવાના છે.' એમની આ માન્યતા ભૂલભરેલી છે. વિઝાના અરજીપત્રકો ભલે સરળ લાગતા હોય, પણ એમાં જે જવાબો આપવાના હોય છે, જે વિગતો દર્શાવવાની હોય છે એ ખૂબ કાળજીપૂર્વક આપવાની રહે છે અને હંમેશાં સાચી જ આપવી જોઈએ. ઈન્ટરવ્યૂમાં પણ અમુક સામાન્ય સવાલો જરૂરથી પૂછવામાં આવે છે, પણ બે-ચાર સવાલો કોન્સ્યુલર ઓફિસરો એવા પૂછે છે, જેની વિઝાના અરજદારોએ કલ્પના કરી ન હોય અને તેઓ એવા સવાલોના જવાબો આપવામાં મૂંઝાઈ જાય છે. એ કારણે એમના વિઝા નકારવામાં આવે છે.

તમે કોઈ પણ પ્રકારના વિઝાની અરજી કરતા હોવ, ઈમિગ્રન્ટ યા નોન-ઈમિગ્રન્ટ તમારે અરજી કરતાં પહેલાં અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના જાણકાર અને અનુભવી એડ્વોકેટની સલાહ લેવી જોઈએ. બધી જાણકારી મેળવી લેવી જોઈએ. જે ફોર્મ ભરીને સુપરત કરવાનાં હોય એ ફોર્મ એમની આગળ જ ભરાવવાં જોઈએ. પૂરતી તૈયારી કરીને, મોક ઈન્ટરવ્યૂ દ્વારા તાલીમ લઈને, કયા કયા દસ્તાવેજો દેખાડવા માટે સાથે લઈ જવા જોઈએ એ જાણીને, ઈન્ટરવ્યૂમાં કેવો પહેરવેશ ધારણ કરવો જોઈએ, તમારા હાવભાવ કેવા હોવા જોઈએ, આ સઘળું જાણીને જો વિઝાની અરજી કરશો તો તો મેં કરેલી એવી ભૂલ કરતાં તમે અટકશો.

હમણાં હમણાંથી કોન્સ્યુલર ઓફિસરો વિઝા આપતાં પહેલાં તમારી બહુ જ ઊંડાણપૂર્વક તપાસ આદરે છે. સોશિયલ મીડિયા ઉપર તમે અમેરિકા વિરુદ્ધ કંઈ લખ્યું છે એની તેઓ ચીવટપૂર્વક તપાસ આદરે છે. તમે અમેરિકાના માથે બોજ બની ન જાવ એની પણ તેઓ તકેદારી રાખે છે. આ સર્વે કારણોસર કોઈ પણ પ્રકારના વિઝાની અરજી કરતાં પહેલાં જો કાયદાકીય સલાહ મેળવી હશે તો વિઝા મળવાના ચાન્સીસ ખૂબ વધી જશે.

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો