મૈસુર એ કર્ણાટક રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર છે, જે તેના ભવ્ય મહેલો, પ્રાચીન મંદિરો અને ઐતિહાસિક સ્મારકો માટે પ્રખ્યાત છે. તેને `મહેલોનું શહેર' (City of Palaces) તરીકે પણ ઓળખવામાં આવે છે. મૈસુરનો ભવ્ય ઇતિહાસ અને સમૃદ્ધ સંસ્કૃતિ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીંનાં મુખ્ય ફરવાલાયક સ્થળોની વિગત નીચે મુજબ છે:
- મૈસુર પેલેસ : મૈસુર પેલેસ, જેને અંબા વિલાસ પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતના સૌથી ભવ્ય અને સુંદર મહેલોમાંનો એક છે. તે વોડેયાર રાજવંશનું સત્તાવાર નિવાસસ્થાન હતું. આ મહેલ ઇન્ડો-સારાસેનિક શૈલીમાં બનાવવામાં આવ્યો છે. તેની ભવ્યતા અને સુંદરતા જોઈને કોઈ પણ મંત્રમુગ્ધ થઈ જાય. રાત્રે જ્યારે આખો મહેલ 1,00,000થી વધુ બલ્બથી ઝળહળી ઊઠે છે, ત્યારે તેનો નજારો અત્યંત મનમોહક લાગે છે. મહેલની અંદરના ભાગમાં ભવ્ય દરબાર હોલ, સુંદર ચિત્રો અને શિલ્પો આવેલાં છે. દર વર્ષે દશેરાના તહેવાર દરમિયાન અહીં ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે.
ચામુંડી હિલ્સ
ચામુંડી હિલ્સ મૈસુર શહેરથી લગભગ 13 કિલોમીટર દૂર સ્થિત છે. આ પહાડી પર ચામુંડેશ્વરી દેવીનું પ્રખ્યાત મંદિર આવેલું છે, જે મૈસુરના રાજવી પરિવારનાં કુળદેવી છે. આ મંદિર યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. પહાડીની ટોચ પરથી મૈસુર શહેરનું ખૂબ જ સુંદર અને મનોહર દૃશ્ય જોવા મળે છે. પહાડી પર ઐતિહાસિક નંદીની વિશાળ પ્રતિમા પણ આવેલી છે, જે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવી છે. આ સ્થળ ધાર્મિક અને પ્રાકૃતિક સુંદરતાનું અનોખું મિશ્રણ છે.
વૃંદાવન ગાર્ડન્સ
વૃંદાવન ગાર્ડન્સ કાબેરી નદી પર બનેલા કૃષ્ણરાજસાગર બંધ (કેઆરએસ ડેમ) પાસે આવેલો છે. આ ગાર્ડન્સ તેની સિમેટ્રિક ડિઝાઇન, ફુવારાઓ અને સુંદર ફૂલના બગીચાઓ માટે પ્રખ્યાત છે. અહીંની મુખ્ય ખાસિયત સાંજે થતો મ્યુઝિકલ ફાઉન્ટેન શો છે, જ્યાં સંગીતના તાલે ફુવારાઓ નૃત્ય કરતા હોય તેવું લાગે છે. આ ગાર્ડન્સ કુટુંબ અને મિત્રો સાથે શાંતિપૂર્ણ સાંજ વિતાવવા માટે ઉત્તમ સ્થળ છે.
મૈસુર ઝૂ
મૈસુર ઝૂ, જે શ્રી ચામરાજેન્દ્ર ઝૂઓલોજિકલ ગાર્ડન્સ તરીકે પણ ઓળખાય છે. તે ભારતનાં સૌથી જૂનાં અને શ્રેષ્ઠ પ્રાણીસંગ્રહાલયોમાંનું એક છે. તે 1892માં બનાવવામાં આવ્યું હતું. અહીં દેશ-વિદેશના વિવિધ પ્રકારનાં પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપોને કુદરતી વાતાવરણમાં રાખવામાં આવ્યા છે. આ ઝૂ બાળકો અને પ્રાણીપ્રેમીઓ માટે એક અદ્ભુત સ્થળ છે. અહીં સિંહ, વાઘ, હાથી, જિરાફ, ઝિબ્રા અને વિવિધ પ્રકારનાં પક્ષીઓ જોઈ શકાય છે.
સેન્ટ ફિલોમેના ચર્ચ
સેન્ટ ફિલોમેના ચર્ચ એશિયાનાં સૌથી મોટાં ચર્ચોમાંનું એક છે. આ ચર્ચ ગોથિક શૈલીમાં બનાવવામાં આવ્યું છે અને તેના ઊંચા મિનારાઓ ખૂબ જ આકર્ષક છે. આ ચર્ચની સ્થાપના ઈ.સ. 1936માં થઈ હતી અને તે મૈસુરના ઇતિહાસ અને સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. તેનું શાંત અને આધ્યાત્મિક વાતાવરણ પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
જગનમોહન પેલેસ
જગનમોહન પેલેસ એક ઐતિહાસિક ઇમારત છે, જે હવે આર્ટ ગેલેરી તરીકે કાર્ય કરે છે. આ મહેલમાં વોડેયાર શાસકોનાં દુર્લભ ચિત્રો, હસ્તકલા અને શિલ્પોનો સંગ્રહ છે. અહીં પ્રખ્યાત ભારતીય કલાકાર રાજા રવિ વર્માનાં ચિત્રો પણ જોવા મળે છે.