દુનિયામાં અનેક એવી અદ્ભુત જગ્યા છે જે સદીઓ જૂની છે અને સૌથી મોટી વાત તો એ છે કે તેની સાથે કોઇ ને કોઇ રહસ્ય જોડાયેલાં છે. આજે આપણે અમુક એવા રહસ્યમય ચર્ચ વિશે જાણીશું જે આશરે 800 વર્ષ જૂનાં છે. નવાઇની વાત તો એ છે કે તેને બનાવવા પાછળ અનેક કથાઓ પ્રચલિત છે. જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. આ ચર્ચને લાલિબેલાના ચર્ચના નામથી ઓળખવામાં આવે છે, જે ઇથિયોપિયાના લાલિબેલા શહેરમાં છે. અહીં એક-બે નહીં, પરંતુ 11 એવાં ચર્ચ છે જેને પર્વતને કાપીને બનાવવામાં આવ્યાં છે. એવું કહેવાય છે કે આ ચર્ચો લાલ અને નારંગી રંગના જ્વાળામુખી ફાટ્યા પછી નીકળેલા લાવામાંથી બનેલા પર્વતોના બનેલાં છે. આ સ્થળને પ્રાચીન વિશ્વની આઠમી અજાયબી તરીકે પણ ઓળખવામાં આવે છે.

લાલિબેલાનો ઇતિહાસ

12મી સદીના અંતમાં અને 13મી સદીની શરૂઆતમાં, જ્યારે જેરુસલેમ પર મુસ્લિમ શાસક સલાઉદ્દીન અયુબીનો કબજો થયો, ત્યારે ઇથોપિયન ખ્રિસ્તીઓ માટે ત્યાંની યાત્રા કરવી અશક્ય બની ગઈ. તે સમયે ઇથોપિયાના ઝાગ્વે વંશના રાજા ગેબ્રે મેસ્કેલ લાલિબેલાએ પોતાના રાજ્યમાં જ એક નવું જેરુસલેમ બનાવવાનું નક્કી કર્યું, જેથી તેમના પ્રજાજનોએ પવિત્ર ભૂમિનાં દર્શન માટે દરિયો પાર ન કરવો પડે. આ શહેરનું મૂળ નામ રોહા હતું, પરંતુ રાજાના અવસાન બાદ તેમના સન્માનમાં તેનું નામ લાલિબેલા રાખવામાં આવ્યું. રાજા પોતે એક સંત તરીકે પૂજાય છે.

બાંધકામની એન્જિનિયરિંગ પદ્ધતિ

લાલિબેલાનાં ચર્ચની સૌથી આશ્ચર્યજનક બાબત તેનું એન્જિનિયરિંગ છે. આ કોઈ પથ્થર પર પથ્થર ગોઠવીને કરેલું ચણતર નથી, પણ નેગેટિવ આર્કિટેક્ચર છે. એટલે કે ઉપરથી નીચેની તરફ બાંધકામ કરવામાં આવ્યું છે. કારીગરોએ પહેલાં જમીન પર ચર્ચનો આકાર દોર્યો હશે. ત્યારબાદ પહાડની ચારે બાજુ ઊંડી ખાઈ ખોદીને પથ્થરનો એક મોટો ટુકડો અલગ પાડ્યો હશે. એ પથ્થરના વિશાળ બ્લોકને ઉપરથી નીચેની તરફ કોતરીને છત, બારીઓ, દરવાજા, સ્તંભો અને માળ બનાવવામાં આવ્યા. બાહ્ય આકાર તૈયાર થયા બાદ, પથ્થરની અંદર જઈને રૂમ, વેદી અને ગુંબજ કોતરવામાં આવ્યા. વિચાર કરો કે એક નાની ભૂલ આખા ચર્ચના માળખાને તોડી શકે તેમ હતી, છતાં દરેક માપ ચોક્કસ હતું. આટલાં વર્ષો પહેલાં એન્જિનિયરિંગની આટલી અદ્ભુત પદ્ધતિ આજના એન્જિનિયરો માટે સંશોધન અને ચર્ચાનો વિષય છે. મુખ્ય ચર્ચનું વિભાજન 11 ચર્ચને બે મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યા છે.

ઉત્તરી સમૂહ

બીટ મેધાને આલમ : આ વિશ્વનું સૌથી મોટું એક જ પથ્થરમાંથી બનેલું ચર્ચ છે. તે પ્રાચીન ગ્રીક મંદિર જેવું દેખાય છે અને તેમાં 34 ભવ્ય સ્તંભો છે.

બીટ મરિયમ : આ ચર્ચ વર્જિન મેરીને સમર્પિત છે અને તેની અંદરની કોતરણી સૌથી સુંદર છે.

પૂર્વી સમૂહ

આ સમૂહમાં બીટ એમેન્યુઅલ અને બીટ અબ્બા લિબાનોસ જેવાં ચર્ચ છે. કહેવાય છે કે બીટ અબ્બા લિબાનોસ રાજા લાલિબેલાની પત્નીએ રાજાની યાદમાં માત્ર એક રાતમાં બનાવડાવ્યું હતું.

બીટ ગિઓર્ગિસ (સેન્ટ જ્યોર્જનું ચર્ચ) : આ તમામમાં સૌથી પ્રખ્યાત છે. તે બાકીનાં ચર્ચથી અલગ છે. તે જમીનમાં 15 મીટર ઊંડો એક વિશાળ ક્રોસ આકારનો ખાડો છે. ઉપરથી જોતાં તે જમીનની સપાટી પર માત્ર એક ક્રોસ દેખાય છે. તે લાલિબેલાનું સૌથી છેલ્લું અને શ્રેષ્ઠ નિર્માણ માનવામાં આવે છે.

આધ્યાત્મિક રહસ્ય અને ભોંયરાઓ

આ બધાં જ ચર્ચ એકબીજા સાથે ભૂગર્ભ ટનલ દ્વારા જોડાયેલા છે. આ ટનલ અંધારી અને સાંકડી છે, જે શ્રદ્ધાળુઓ માટે નરકમાંથી સ્વર્ગ તરફની યાત્રાનું પ્રતીક મનાય છે. આજે પણ અહીં હજારો સાધુઓ અને પાદરીઓ ગુફાઓમાં રહીને તપસ્યા કરે છે.

આજે લાલિબેલાનો સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં થાય છે. દર વર્ષે 7 જાન્યુઆરીએ ઇથોપિયન ક્રિસમસ લેડેટ અને લાખો શ્રદ્ધાળુઓ સફેદ શમ્મા એટલે કે પરંપરાગત વસ્ત્ર પહેરીને એકઠા થાય છે. રાત્રિના સમયે હજારો મીણબત્તીઓના પ્રકાશમાં આ પથ્થરના ચર્ચ જીવંત થઈ ઊઠે છે.

આધુનિક ટેક્નોલોજી વગર માત્ર ટાંકણું અને હથોડી વડે આખા પહાડને મંદિરમાં ફેરવી દેવો એ ચમત્કારથી ઓછું નથી. તે આફ્રિકાના ભવ્ય ભૂતકાળ અને તેની સ્થાપત્ય કલાની નિપુણતાનો જીવંત પુરાવો છે.