દુનિયાના તમામ શોધકર્તા પ્લસ વૈજ્ઞાનિકો માટે સમુદ્રનું પેટાળ રહસ્યોથી ભરપૂર રહ્યું છે. આજે પણ સમુદ્રના પેટાળમાં એવા જીવ જોવા મળે છે, જે અગાઉ ક્યારેય જોવા મળ્યા હોતા નથી. થોડા સમય પહેલાં જ જાપાની રિસર્ચરને સમુદ્રની 29,977 ફૂટની ઊંડાઈએ એક `મિસ્ટીરિયસ' જીવ મળ્યો, જેણે સૌ કોઇને આશ્ચર્યમાં નાખી દીધા. યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પ્રોફેસર જેસ્મિન અને તેમની ટીમ ફિલિપાઇનના સમુદ્ર(Philippine Sea)માં રિસર્ચ કરી રહી હતી, તે દરમિયાન તેમના હાઇ-ડેફિનિશન કેમેરામાં એક સફેદ રંગનો પારદર્શી રહસ્યમય જીવ જીવંત અવસ્થામાં જોવા મળ્યો, કારણ કે 30,000 ફૂટની ઊંડાઈએ પાણીનું દબાણ સમુદ્રની સપાટી કરતાં લગભગ 1000 ગણું વધારે હોય છે. અલબત્ત, જો આપણે તે ઊંડાઇએ જઇએ તો આપણું તો કચુંબર જ બની જાય! પરંતુ આ જીવ સુરક્ષિત બિનધાસ્ત ત્યાં ફરતો હતો. મૂળ આ જીવ કોઇ માછલી કે અન્ય કોઇ સમુદ્રી કીડા સાથે મેળ ખાતો નથી! તેથી રિસર્ચરોએ આ જીવનું નામ હાલ પૂરતું `એનિમેલિયા ઇન્સર્ટા સેડિસ' રાખ્યું છે. એક રીતે આ જીવ `સી સ્લગ'(sea slug) જેવો લાગે છે, પરંતુ તેના શરીર પર અજીબ પ્રકારનો ઉભાર જોવા મળે છે, જે તેને અલગ પાડે છે. હાલમાં આ જીવ વિશે સંશોધન ચાલી રહ્યું છે.
આ સ્ત્રી કૂતરાં-બિલાડાં નહીં, ઝેરી સાપ પાળે છે!
ઘણી મહિલાઓ પોતાની એકલતા દૂર કરવા અથવા તો પોતાને ખુશ રાખવા ઘરમાં પેટ્સ પાળતી હોય છે. કોઇ મહિલા બિલાડી-કૂતરાં કે માછલી પાળે છે, તો કોઇ મહિલા પોપટ, કબૂતર કે લવ બર્ડ પાળતી હોય છે, પરંતુ સાઉથ ચાઈનાની એક મહિલા આ બધા પેટ્સને બાદ કરતાં સાપ પાળવાનું વધુ પસંદ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે, તે મહિલા જે સાપ પાળે છે તેમાંથી મોટાભાગના ઝેરી છે! ચીનના ગુઇલિન સિટીમાં રહેતી કિન નામની મહિલાના ફાર્મમાં અંદાજિત 60 હજારથી પણ વધુ સાપ છે, જેમાં ફાઇલ-સ્ટેર સાપ (ખૂબ જ ઝેરી) અને કોબરા સાપનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, કિનનું બાળપણ સાપની વચ્ચે જ વીત્યું હતું, કારણ કે તેના પિતા પણ સાપ ઉછેર સાથે સંકળાયેલા હતા. કિન પોતાના આ સ્નેક ફાર્મથી અધધ રૂપિયાની કમાણી કરે છે. સ્નેક ફાર્મમાંથી તે સાપનું ઝેર વેચે છે, જે ખાસ કરીને તબીબી સંશોધન માટે વપરાય છે. આ સિવાય પણ તે સાપ લે-વેચનો સફળ બિઝનેસ કરે છે. નોંધનીય છે કે, એક સાપ મહિનામાં બે વાર ઝેર આપી શકે છે.
રોબોટે 21 કિ.મી. હાફ મેરેથોનમાં રકોર્ડ સર્જ્યો
ટેક્નોલોજીના આ યુગમાં રોબોટે દરેક ક્ષેત્રે માનવીને હંફાવી રહ્યો છે તેમાં કોઇ બેમત નથી. થોડા દિવસ પહેલાં જ એઆઇ સંચાલિત રોબોટ જે તે વ્યક્તિની જીભ પ્લસ મૂડ પારખીને તેને અનુરૂપ વાનગી પોતાના હાથે જ બનાઇને સર્વ કરે છે તે ટોક ઓફ ધ વર્લ્ડ સાબિત થયું હતું. જ્યારે હવે ચીનના બીજિંગમાં એક રોબોટે રનિંગમાં રેકોર્ડ બ્રેક કરીને ટેક્નોલોજીની દુનિયામાં કાઠું કાઢ્યું છે. ચીનની એક ખાનગી કંપનીએ `લાઇટનિંગ' નામનો રોબોટ બનાવ્યો હતો અને તેને મેરેથોનમાં સામેલ કર્યો હતો. કુલ 21 કિમી.ની આ મેરેથોનને લાઇટનિંગે 50 મિનિટ 26 સેકન્ડમાં પૂરી કરી હતી. અલબત્ત, માનવ જગતમાં આ રેકોર્ડ 57 મિનિટ 20 સેકન્ડનો છે. પ્રસ્તુત લાલ રંગનો લાઇટનિંગ રોબોટ સૌ કોઇના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે, કારણ કે તેની રનિંગ અદ્દલ કોઇ પ્રોફેશનલ એથ્લીટ જેવી જ હતી. મૂળ તેની બેટરી પ્લસ કૂલિંગ સિસ્ટમને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે, તે કોઇ પણ પ્રકારની લાંબી દોડ સરળતાથી પૂર્ણ કરી શકે છે. ટૂંકમાં, વિશ્વમાં દરેક ક્ષેત્રે રોબોટ અને એઆઈનો ભારે દબદબો જોવા મળી રહ્યો છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો