આપણે અગાઉ આ ફિલ્મ વિશે વાત કરી ગયા છીએ, પરંતુ ગયા અઠવાડિયે અલવિદા ફરમાવી ગયેલા `ઇન્ટેન્સ એક્ટર' નાના પાટેકરની, તેમની કળા મારફતે સામાજિક નિસબતની વાત કરવી હોય, તો `પ્રહાર' ફિલ્મની જેટલી ચર્ચા થાય તેટલી ઓછી છે. નાનાએ ઘણી યાદગાર ફિલ્મો અને શાનદાર કિરદાર કર્યાં છે, પરંતુ 1991માં તેમણે જ નિર્માણ કરેલી `પ્રહાર' તેમની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ હતી અને તેમાં મેજર વી. એસ. ચૌહાણનો તેમનો કિરદાર તેમના દિલથી નજીક હતો. આ ફિલ્મ હિન્દી સિનેમાના ઈતિહાસ અને નાનાની કારકિર્દીમાં સીમાચિહ્નરૂપ છે.  

તેમણે જ લખી હોય અને નિર્દેશિત કરી હોય તેવી આ તેમની એકમાત્ર ફિલ્મ. એક જાંબાઝ હીરો તરીકે તેમની કારકિર્દી એકદમ ચમકતી હતી, ત્યારે નાનાએ એક એવી ફિલ્મ બનાવી હતી, જે ન તો ખુદને મોટા સ્ટાર બનાવવા માટે હતી કે ન તો બોક્સઓફિસ છલકાવી દેવા માટે હતી. ભારતીય સામાજિક-રાજકીય સિસ્ટમમાં જે પ્રકારનો સડો અને ભ્રષ્ટાચાર પેઠેલો છે, તેનાથી વ્યથિત નાનાએ વ્યાવસાયિક હિતોને બાજુએ મૂકીને કોઈક એવી વાત કરવાનો પ્રયાસ કર્યો હોય, જે તેમના આત્માની નજીક અને જે સમાજની ચેતનાના હિતમાં હોય.  

ભારતીય સૈન્યના બેકગ્રાઉન્ડવાળી આ ફિલ્મ માટે નાના પાટેકરે ખૂબ મહેનત કરી હતી. ફિલ્મમાં આર્મી કમાન્ડોની ભૂમિકા માટે નાનાએ બેલગામમાં સેનાના યુનિટમાં બાકાયદા ટ્રેનિંગ લીધી હતી. નાનાની નિષ્ઠા જોઇને ઘણા સૈનિકોએ કહેલું કે તમે તો સેનામાં હોવા જોઈતા હતા. `પ્રહાર' ફિલ્મ પછી નાનાને સેના તરફથી માનદ કેપ્ટનની પદવી પણ આપવામાં આવી હતી અને તત્કાલીન રાષ્ટ્રપતિ આર. વેંકટરામન તરફથી ફિલ્મ માટે પ્રશંસા પત્ર આપવામાં આવ્યો હતો.   

`પ્રહાર' સમાજમાં અનૈતિકતા અને અરાજકતાથી વ્યથિત એક સૈનિકની કહાની હતી. નાનાએ તેમાં જે તીવ્રતા અને આક્રોશ સાથે આ વાત મૂકી હતી, તેનાથી અમુક વર્ગને એવું લાગ્યું હતું કે નાના દેશમાં સૈનિક-શાસનની તરફદારી કરે છે. જગ્યાના અભાવે હું તેની વાર્તા નથી કહેતો (ફિલ્મ ઓટીટી કે યુ ટ્યૂબ પર ઉપલબ્ધ છે), પણ અહીં ફિલ્મ પાછળની ઊંડી મનોભાવના સમજવાનો પ્રયાસ છે.  

`પ્રહાર'ને કેવળ સૈનિક કે આતંકવાદ પર બનેલી ફિલ્મ ગણવી કદાચ તેને અન્યાય કરવા જેવું છે. નાનાએ આ ફિલ્મ મારફતે એક મહત્ત્વનો સવાલ પૂછ્યો હતો: યુદ્ધના મેદાનમાં દુશ્મન સામે લડવા માટે જે સાહસ, અનુશાસન અને નિર્ણાયકતાની જરૂર પડે છે, શું એવી જ માનસિકતા નાગરિક જીવનમાં પણ એટલી જ ઉપયોગી નથી? અને એથીય મોટો સવાલ: જ્યારે સમાજની સામે કોઈ સ્પષ્ટ દુશ્મન દેખાતો ન હોય, ત્યારે ડર, ખામોશી, અપરાધ અને અન્યાય સામે કોણ લડે છે. આ સવાલો આજના ભારતમાં પણ ઊભેલા છે અને `પ્રહાર' ફિલ્મ આજે પણ એટલી જ પ્રાસંગિક છે.   

મેજર ચૌહાણનું સૈનિક જીવન એકદમ સ્પષ્ટ છે; તે આદેશ કરે છે, અનુશાસન માંગે છે અને તેના જવાનોને માનસિક-શારીરિક સ્તરે ખડતલ બનાવે છે, પણ ફિલ્મની અસલી દિલચસ્પી ત્યારે શરૂ થાય છે જ્યારે એ સૈનિકની માનસિકતા યુદ્ધના મેદાનમાંથી નીકળીને આમ સમાજની ભ્રષ્ટતા સામે ઊભી રહે છે.   

મેજર ચૌહાણની ટ્રેનિંગ તેને કહે છે કે દુશ્મનને ઓળખવો અને તેનો સામનો કરવો એ જ સાહસ છે, પરંતુ શહેરી જીવનમાં તેને ધીરે-ધીરે અહેસાસ થાય છે કે સમાજનો સૌથી ખતરનાક દુશ્મન હંમેશાં બંદૂક લઈને સામે નથી આવતો, ક્યારેક તે અપરાધના રૂપમાં આવે છે, તો ક્યારેક ભ્રષ્ટ વ્યવસ્થાના રૂપમાં, ક્યારેક ડરના રૂપમાં આવે છે, તો ક્યારેક ચુપ્પીના રૂપમાં, જ્યાં લોકો બધું જુએ છે પણ બોલતા નથી.  

અહીં આ ફિલ્મ સૌથી મહત્ત્વનો મુદ્દો ઉઠાવે છે; આખરે સમાજમાં અપરાધીઓ કેમ તાકાતવર બની જાય છે? કેવળ એટલા માટે કે તેની પાસે હથિયાર છે? કે પછી એટલા માટે કે તેની સામે ઊભેલા લોકો ડરપોક છે? અપરાધ જેટલો મહત્ત્વનો છે, એનાથી વધુ મહત્ત્વ એ સામાજિક ચુપ્પી છે, જે અપરાધને તાકાત આપે છે. એક માણસ ખોટું કામ કરી રહ્યો છે અને બાકી લોકો વિચારે છે `આપણે શું લેવા-દેવા?' નાના પાટેકરની `પ્રહાર' વાસ્તવમાં આ માનસિકતા પરનો પ્રહાર છે.   

પરંતુ નાનાની ખૂબી એ છે કે તેઓ મેજર ચૌહાણને એક નિર્દોષ અને આદર્શ પુરુષ તરીકે પેશ નથી કરતા. ચૌહાણ સાહસિક છે, ઈમાનદાર છે અને અન્યાય સામે બાંધછોડ નથી કરતો, પરંતુ તે જે રસ્તો અપનાવે છે તે આદર્શ નથી. મેજર ઈચ્છે છે કે સમાજના લોકોમાં એક સૈનિક જેવું અનુશાસન હોવું જોઈએ, પરંતુ યુદ્ધમાં જે નિર્ણાયકતાની જરૂર હોય છે, લોકતાંત્રિક સમાજમાં એ નિર્ણાયકતા ક્યારેક ખતરનાક સાબિત થઇ શકે છે એટલે મેજર ચૌહાણનું સાહસિક ચારિત્ર્ય એક તરફ આપણને આકર્ષિત કરે છે, પણ તેની અંદર જે આક્રોશ છે તે આપણને ગભરાવી પણ મારે છે. કદાચ નાના પાટેકરના વ્યક્તિત્વમાં પણ આ જ વાત હતી.  

મેજર ચૌહાણમાં એક કઠોરતા છે, એક બેચેની છે અને ડરી જવાય તેવી તીવ્રતા પણ છે. તે તેના જવાનોને ખાલી ટ્રેનિંગ જ નથી આપતો, તેમને અંદરથી તોડીને ફરીથી ઊભા પણ કરે છે. મેજર માટે કેવળ શરીર જ મહત્ત્વનું છે, પણ તે જે સમાજમાં આવે છે, ત્યાં શરીરની સાથે બુદ્ધિ પણ છે અને ડરના કારણે તેમની અંદર પ્રતિરોધની ક્ષમતા છીનવાઈ ગઈ છે. એ અર્થમાં `પ્રહાર' યુદ્ધની નહીં, માણસની અંદરની લડાઈની ફિલ્મ છે.  

એટલા માટે જ ફિલ્મનો અંત અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે. ફિલ્મના મુખ્ય સવાલનું કોઈ આસાન કે સીધું સમાધાન આપવાને બદલે નાના પાટેકર દર્શકને એક એવા દૃશ્ય સામે ઊભો કરે છે, જે ફિલ્મ પૂરી થયા પછી પણ મનમાં ચાલતું રહે છે. મેજર ચૌહાણ સેંકડો બાળકોને સૈન્યની તાલીમ આપી રહ્યો છે અને એ દૃશ્ય સાથે ફિલ્મનો અંત આવે છે, પરંતુ અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે; આ તમામ બાળકો નગ્ન છે. આ નગ્નતા માત્ર દૃશ્યાત્મક ચોંકાવનારી બાબત નથી; તે એક શક્તિશાળી પ્રતીક છે. નાના પાટેકર એ કહેવા માગે છે કે જન્મ સમયે બધાં બાળકો એકસરખાં હોય છે. તેઓ સમાજે ઊભી કરેલી ઓળખો, ભેદભાવ, પૂર્વગ્રહો, રિવાજો અને માન્યતાઓથી હજુ મુક્ત છે. તેઓ કોઈ જાતિ, ધર્મ, વર્ગ કે સામાજિક ઓળખ લઈને જન્મતા નથી. તેઓ જાણે કાચી માટી છે અને તેમને ઘડવાની, તેમને સાહસ અને શિસ્ત શીખવવાની જવાબદારી મેજર ચૌહાણ પોતાના હાથમાં લે છે.  

પરંતુ આ જ દૃશ્ય બીજો સવાલ પણ પૂછવા મજબૂર કરે છે; જો બાળકો હજુ કાચી માટી છે, તો આપણે તેમને શું શીખવી રહ્યા છીએ? અન્યાય સામે ઊભા રહેવાનું સાહસ કે પછી તે હિંસા, યુદ્ધ અને સતત સંઘર્ષની માનસિકતા? શું શિસ્ત અને સાહસનો અર્થ હંમેશાં સૈન્યશિસ્ત અને લડવાની તૈયારી જ છે?  

આ દ્વિઅર્થી અંત જ `પ્રહાર'ને માત્ર દેશભક્તિ કે યુદ્ધની એક સામાન્ય ફિલ્મ બનતી અટકાવે છે. ફિલ્મ આપણને સાહસની જરૂરિયાત સમજાવે છે, પરંતુ સાથે એ વિચારવા પણ મજબૂર કરે છે કે આપણે આવતી પેઢીને લડવાનું શીખવી રહ્યા છીએ કે સાચા અર્થમાં જીવવાનું? 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો