અખબારી આલમ સાથે પડઘાતા શબ્દ છે `પેજ 3' (Page 3), ત્રીજું પાનું; તુંડે તુંડે મતિર્ભિન્નાની જેમ રાષ્ટ્રે રાષ્ટ્રે મતિર્ભિન્ના સમ આનો અર્થ થાય છે તે પણ કુખ્યાતિ કે ખ્યાતિ સાથે. વળી, કુખ્યાતિ કે ખ્યાતિનો આધાર સંપૂર્ણપણે કયા દેશમાં છો તેના પર રહેલો છે, કારણ કે આ શબ્દપ્રયોગ યુનાઇટેડ કિંગ્ડમ અને ભારતમાં મીડિયાની બે તદ્દન ભિન્ન ઘટનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતમાં ઉચ્ચ વર્ગની છીછરી સંસ્કૃતિ અને પેઇડ ન્યૂઝ સાથે સંકળાયેલ છે. ભારતીય પત્રકારત્વમાં, `પેજ 3 સંસ્કૃતિ' એ દૈનિક મનોરંજન પુરવણીઓનો ઉલ્લેખ કરે છે, જે અતિ ધનિક લોકોના ગ્લેમરસ નાઇટલાઇફ, ખાનગી પાર્ટીઓ અને ફેશન શોનું દસ્તાવેજીકરણ કરે છે. 1990ના દાયકાના ઉત્તરાર્ધમાં ઉદ્ભવેલી આ બાબતે `પેજ 3 પીપલ' (P3Ps) તરીકે ઓળખાતા લોકોનો એક નવો વર્ગ ઊભો કર્યો. સામાજિક હસ્તીઓ, ડિઝાઈનરો અને પ્રભાવકો (ઈન્ફ્લુએન્સર્સ) કોઈ નક્કર સિદ્ધિને કારણે નહીં, પરંતુ માત્ર વિશિષ્ટ પાર્ટીઓમાં જોવા મળવા અને ત્યાં તેમના ફોટા ખેંચાવાને કારણે પ્રખ્યાત થયા.   

`પેજ 3' સામાજિક મેળાવડાઓના અહેવાલ આપવાના માધ્યમમાંથી વ્યાવસાયિક સાહસમાં પરિવર્તિત થતાં ખૂબ જ કુખ્યાત બન્યું. અગ્રણી પ્રકાશનોએ વ્યક્તિઓને સ્થાન આપવા માટે ફી વસૂલવાનું શરૂ કર્યું; આનો અર્થ એ થયો કે પૂરતા પૈસા ધરાવતી કોઈ પણ વ્યક્તિ કોઈ મોટા અખબારમાં પ્રસિદ્ધિ અને જગ્યા ખરીદી શકતી હતી. એટલું જ નહિ વાચકોની જાણ બહાર જ વાસ્તવિક લાગે તે રીતે સમાચારો એવી રીતે લખવામાં આવતા, જેથી વાચકો તેને સત્ય માની લેતા. આ કામ આજકલ ઘણા સોશિયલ મીડિયા પ્રભાવકો કરે છે. તેમાં વારંવાર ગ્રામીણ ગરીબીનું વર્ણન કરતાં ભયંકર પાનાંઓ સાથે મોંઘા શેમ્પેઇન પીતા ભદ્ર વર્ગનાં ચિત્રો પ્રકાશિત કરવામાં આવતાં હતાં, જે ભારતના આર્થિક વિભાજનને સ્પષ્ટપણે ઉજાગર કરે. ઉપરછલ્લી, અત્યંત ભૌતિકવાદી જીવનશૈલીને પ્રોત્સાહન આપતા લેખો અને અવારનવાર ફેશન ડિઝાઇનર્સ, સામાજિક હસ્તીઓ (સોશિયલાઇટ્સ), મોડલ્સ, રિમિક્સ મ્યુઝિક કલાકારો તેમજ ગ્લેમરસ અને ધનિક વ્યક્તિઓના ફોટાઓ પ્રકાશિત કરવામાં આવતા. ભારતની પાર્ટી-સંસ્કૃતિ અને મહાનગરોની જીવનશૈલી; ખાસ કરીને મુંબઈ, દિલ્હી અને બેંગલુરુની ઉચ્ચ વર્ગ(હાઈ સોસાયટી)ને આવરી લેતા. આ બધાને `પેજ 3 સંસ્કૃતિ' તરીકે વિકસાવવામાં, ખપાવવામાં આવ્યું હતું. મધુર ભંડારકરે આ વિષયને આવરી લેતી હિન્દી ફિલ્મ બનાવી હતી, જેને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો.  

`ધ સન' એક બ્રિટિશ ટેબ્લોઇડ અખબાર છે. ટેબ્લોઇડ એટલે અડધિયું છાપું. ધ સન સૌ પ્રથમ 15 સપ્ટેમ્બર, 1964ના રોજ બ્રોડશીટ તરીકે પ્રકાશિત થયું હતું અને વર્તમાન માલિક દ્વારા ખરીદવામાં આવ્યા બાદ 1969માં તે `ટેબ્લોઇડ' બની ગયું હતું. માર્ચ 2018 સુધી યુનાઇટેડ કિંગ્ડમમાં `ધ સન' દૈનિક સમાચારપત્રનું પરિભ્રમણ સૌથી વધુ હતું. અખબારનો હેતુ `રાજકીય કટ્ટરપંથીઓ' સાથે `સામાજિક કટ્ટરપંથીઓ' વાચકો ઉમેરવાનો હતો, પરંતુ બ્રોડશીટ સંસ્કરણને આર્થિક નુકસાન થયું અને મોટી સંખ્યામાં વાચકોને આકર્ષવામાં તેને સંઘર્ષ કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયન મીડિયા દિગ્ગજ રૂપર્ટ મર્ડોકે 1969માં આ અખબાર ખરીદ્યું અને તેને કોમ્પેક્ટ ટેબ્લોઇડ ફોર્મેટમાં ફેરવ્યું. (1970-80ના દાયકામાં માર્ગારેટ થેચરને મજબૂત સમર્થન આપ્યું હતું અને બાદમાં 1997માં ટોની બ્લેરની લેબર પાર્ટીને ટેકો આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી). કોમ્પેક્ટ ટેબ્લોઇડ અખબારે 1970થી શરૂઆત કરી પેજ 3ની. બ્રિટિશ પેજ 3નો ભારતમાં પ્રભાવ તો પડ્યો જ, પરંતુ મનોજ કુમારની ફિલ્મ પૂરબ ઔર પશ્ચિમમાં સાયરા બાનુને બતાવવામાં આવી છે તેમ ભારતમાં આવતાં આવતાં તેનું સ્વરૂપ થોડું ઘણું પરિવર્તન પામ્યું. જોકે, તેનો ભાવાર્થ એનો એ જ રહ્યો - ગ્લેમર, ગ્લેમરસ, ગ્લેમરાઇઝ; મોહક, ચિત્તાકર્ષક, સૌંદર્ય મોહિની. ભારતીય પેજ 3ના જન્મદાતા બ્રિટિશ ધ સન દ્વારા પેદા કરાયેલા `પેજ 3'ની જન્મથી મૃત્યુ સુધીની કરમકહાણી પણ એટલી જ રોમાંચક છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો