3 મેના રવિવારે અખબારમાં ફોટા સાથે નોંધ વાંચવા મળી, `બ્રિટનના લંડનસ્થિત પ્રતિમા, જે `અંધ દેશભક્તિ' પર આકરા સવાલ ઉઠાવે છે. મૂર્તિમાં એક સૂટ-બૂટ પહેરેલો વ્યક્તિ હાથમાં ઝંડો લઈને આગળ વધી રહ્યો છે, પરંતુ લહેરાતા મોટા બ્રિટિશ રાષ્ટ્રીય ધ્વજે (યુનિયન જેક) તેની આંખોને ઢાંકી રાખી છે અને વ્યક્તિ અજાણી ખાઈ તરફ ડગલાં ભરી રહ્યો છે એમ દર્શાવ્યું છે. તે સંકેત આપે છે કે અંધ રાષ્ટ્રવાદ માણસને જોખમ તરફ લઇ જઈ શકે છે. આ મૂર્તિ બેન્કસીની શૈલીમાં સત્તા અને સમાજ પર તીખો, પ્રતીકાત્મક પ્રહાર છે. જેનું શીર્ષક `લંડનમાં અંધ રાષ્ટ્રવાદ પર કટાક્ષ કરતી મૂર્તિ ચર્ચાનો વિષય'.' મૂર્તિ નહિ, મૂર્તિ બનાવનાર ચર્ચાનો વિષય હોવો જોઈએ.

છણાવટ કરતાં પહેલાં જણાવવાનું કે રાષ્ટ્રવાદ કે દેશભક્તિ ક્યારેય, હા, ક્યારેય અંધ નથી હોતાં. કોઈ પણ દેશના નાગરિકો માટે, તેમના દેશના હિતને પ્રાધાન્ય આપતો રાષ્ટ્રવાદ કે દેશભક્તિ અંધ હોય જ નહિ, ભારત અને ભારતીયોનો પણ નહિ. રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્રપૂજા. સ્વદેશવાદ એમના માટે અંધ છે જેમને રાષ્ટ્રવાદનો ભય છે અને દેશભક્તિ એટલે સ્વદેશપ્રેમ, દેશપ્રીતિ એમના માટે અંધ છે, જેમને દેશભક્તિથી નુકસાન થઇ રહ્યું છે.

અરે! પ્રખર અને પ્રચંડ રાષ્ટ્રવાદ કે દેશભક્તિ ન હોત તો આઝાદી તો દૂર, આઝાદીનું આંદોલન શરૂ પણ ન થઇ શક્યું હોત. મંગલ પાંડેથી ભગતસિંહ સહિત શહીદ થનારા સંભવિત જ ન હોત. બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન 1947-48ના પાકિસ્તાન સામેના પ્રથમ યુદ્ધમાં શહીદ ન થયા હોત. એપીજે અબ્દુલ કલામ જેવા મિસાઇલમેન મળ્યા જ ન હોત. ડૉ. કલામ એક કટ્ટર રાષ્ટ્રવાદી જેઓ માનતા હતા કે રાષ્ટ્ર ધર્મ કરતાં ઉપર છે. સરદાર વલ્લભભાઈ જેવા રાષ્ટ્રપુરુષ રાજારજવાડાં એક કરી જ ન શક્યા હોત અને પ્રખર અને પ્રચંડ રાષ્ટ્રવાદ કે દેશભક્તિ વિના રાજારજવાડાં રાષ્ટ્રમાં ભળવા રાજી જ ન થયાં હોત.

ચીન માટે ભારતનો રાષ્ટ્રવાદ તેમજ ભારતીયોની દેશભક્તિ અંધ છે, કેમ કે દસેક વર્ષથી જાગૃત થયેલા ભારતના રાષ્ટ્રવાદથી, ભારતીયોની દેશભક્તિથી ચીનને ફક્ત ભય જ નથી, અરબો-ખરબો રૂપિયાનું નુકસાન પણ થઇ રહ્યું છે. એક સમયે ઔદ્યોગિક તેમજ ધંધાકીય રીતે, ચીનના પીઠ્ઠુ રાષ્ટ્ર તરીકે આગળ વધી રહેલો દેશ નેતાગીરીના બદલાવ સાથે અચાનક પ્રજામાં જાગૃત થયેલ રાષ્ટ્રવાદ તેમજ દેશભક્તિની ભાવનાથી ઔદ્યોગિક, ધંધાકીય બાબતે સ્પર્ધાત્મક આત્મનિર્ભર તેમજ વૈશ્વિક નેતૃત્વની બાબતે મજબૂત થઇ ગયો છે. પાકિસ્તાન માટે ભારતનો રાષ્ટ્રવાદ તેમજ ભારતીયોની દેશભક્તિ અંધ છે, કારણ કે મનફાવે તેમ નકલી નોટો છાપી ભારતમાં ઘુસાડી શકાતી નથી. પાળીપોષી મોટા કરેલા આતંકવાદીઓના હુમલા પછી ડોઝિયરના બદલે `હેવી ડોઝ' મળે છે. સ્વાદ તો તુર્કીયે અને માલદીવ પણ ચાખી ચૂક્યા છે.

એમના માટે અંધ છે જેઓ અન્ય રાષ્ટ્રોના હિતૈષી છે અને તેમને માટે અન્ય રાષ્ટ્રનું હિત સર્વોપરી છે. ભારતને ઘેરવાની ચીનની રણનીતિ સામેનો જવાબ `ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ'ને `ખુલ્લી લૂંટ' ગણાવી વિરોધ કરવા આંદામાન અને નિકોબાર ટાપુ પહોંચી જાય છે તેમના માટે રાષ્ટ્રવાદ અંધ જ છે.

ભારતીયોના રાષ્ટ્રવાદે આજે વિશ્વ મંચ પર સૌથી શક્તિશાળી રાજકીય શક્તિઓમાં દેશને સ્થાન અપાવ્યું છે. પ્રજા પોતાના દેશની ટીકા કે ખામીઓ સાંભળવા તૈયાર નહીં હોય. તેને આત્યંતિક ગણાવી `અંધ દેશભક્તિ' અને પોતાનાં રાષ્ટ્રીય પ્રતીકો, દંતકથાઓ અને વ્યક્તિ પૂજા પર વધુ ભાર મૂકે, રાષ્ટ્ર પ્રત્યે અઢળક ગૌરવ અનુભવે તેને આત્યંતિક બતાવી `અંધ રાષ્ટ્રવાદ' કહી બદનામ કરવામાં આવે છે. અમુક તત્ત્વોને અનુકૂળ ન આવે એટલે `અંધ'નું લેબલ ચિપકાવી દેવાનું? આવાં પૂતળાંઓનો સંદર્ભ જ શા માટે આપવો જોઈએ? ઉપરોક્ત લંડનસ્થિત મૂર્તિ ચીપકાવેલી છે અને તેને ગૌરવાન્વિત તરીકે પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે તેઓ ધૂર્ત છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો