શું પ્રાણીઓ માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી છે?
આપણે હંમેશાં એવું માનતા આવ્યા છીએ કે પૃથ્વી પર માણસ જ સૌથી હોશિયાર જીવ છે. આપણી વિચારવાની શક્તિ, ટેક્નોલોજી અને ભાષા આપણને અન્ય જીવોથી અલગ પાડે છે, પરંતુ વિજ્ઞાનીઓ જેમ-જેમ પ્રકૃતિના ઊંડાણમાં ઊતરતા ગયા, તેમ-તેમ તેમને એવા પુરાવા મળ્યા જેણે માનવ હોશિયારીના અહંકારને હચમચાવી દીધો છે. પ્રકૃતિમાં એવાં અનેક પ્રાણીઓ છે, જે માત્ર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતાથી જ નહીં, પણ પોતાની યાદશક્તિ, સમજદારી અને ટીમવર્કથી પણ વૈજ્ઞાનિકોને હેરાન કરી દે છે. જાણીએ પૃથ્વીના એવા `બુદ્ધિશાળી પાડોશીઓ' વિશે કે જેઓ ક્યારેક પઝલ્સ ઉકેલે છે તો ક્યારેક ભવિષ્યનું આયોજન પણ કરે છે.
ચિમ્પાન્ઝી : આપણા સૌથી નજીકના સંબંધી
ચિમ્પાન્ઝી અને માણસોના ડીએનએ(DNA)માં 99% સમાનતા છે. આ માત્ર આંકડો નથી, પણ તેમની વર્તણૂકમાં પણ દેખાય છે. કેટલાક ચિમ્પાન્ઝીઓએ તો માણસો પાસેથી `સાઇન લેંગ્વેજ' (સંકેત ભાષા) શીખીને વાતો પણ કરી છે. રસપ્રદ વાત એ છે કે મેમરી ગેમ્સ (યાદશક્તિની રમતો)માં ચિમ્પાન્ઝી ઘણીવાર માણસોને પણ હરાવી દે છે. તેમની વસ્તુઓને યાદ રાખવાની અને ઝડપથી નિર્ણય લેવાની ક્ષમતા અદ્ભુત છે.
હાથી : જે ક્યારેય ભૂલતા નથી
જમીન પરના સૌથી વિશાળકાય મગજ ધરાવતા હાથીઓ પોતાની યાદશક્તિ માટે દુનિયાભરમાં જાણીતા છે. તેઓ વર્ષો જૂના રસ્તાઓ અને પાણીના સ્રોતો યાદ રાખે છે. હાથીઓમાં ભાવનાત્મક બુદ્ધિ પણ ખૂબ ઊંચી હોય છે. જ્યારે તેમના પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થાય, ત્યારે તેઓ લાંબા સમય સુધી શોક મનાવે છે અને પોતાના સાથીઓનાં હાડકાં પાસે ઊભા રહીને શ્રદ્ધાંજલિ આપતા હોય તેવું વર્તન કરે છે.
બૉટલનોઝ ડોલ્ફિન : સમુદ્રની સમજદાર કલાકાર
ડોલ્ફિન એક અત્યંત સામાજિક અને બુદ્ધિશાળી પ્રાણી છે. શું તમે જાણો છો કે દરેક ડોલ્ફિનનું પોતાનું એક ખાસ નામ (Whistle) હોય છે? તેઓ એકબીજાને નામથી બોલાવે છે. તેઓ અરીસામાં પોતાને ઓળખી શકે છે, જે સાબિત કરે છે કે તેમનામાં આત્મ-જાગૃતિ છે. શિકાર કરતી વખતે તેઓ જે રીતે ટીમવર્ક અને વ્યૂહરચના બનાવે છે, તે કોઈ લશ્કરી ઓપરેશનથી ઓછું નથી હોતું.
શ્વાન : માણસના વફાદાર અને હોશિયાર મિત્ર
શ્વાન એટલે કે કૂતરાંઓ માત્ર વફાદાર જ નથી, પણ તેમની સમજણશક્તિ પણ અદ્ભુત છે. `બોર્ડર કોલી' જેવી જાતિનાં કૂતરાંઓ 200થી વધુ શબ્દો અને આદેશો સમજી શકે છે. તેઓ માણસના હાવભાવ અને ઈશારા વાંચવામાં સૌથી શ્રેષ્ઠ છે. તેઓ માત્ર આદેશ પાળતા નથી, પણ આપણી ભાવનાઓને સમજીને આપણને સાથ પણ આપે છે.
ઓક્ટોપસ : આઠ હાથ અને અગણિત યુક્તિઓ
સમુદ્રના ઊંડાણમાં રહેતો ઓક્ટોપસ સમસ્યાઓ ઉકેલવામાં માહેર છે. તે કાચની બરણીનું ઢાંકણું ખોલી શકે છે અને કોઈ પણ ભુલભુલામણી(Maze)માંથી બહાર નીકળી શકે છે. ઓક્ટોપસ એટલા કુતૂહલવશ હોય છે કે તેઓ ઘણીવાર રમકડાં સાથે રમતા પણ જોવા મળે છે. તેમની નર્વસ સિસ્ટમ પણ ખૂબ જ જટિલ અને અનોખી હોય છે.
બકરીઓ : ભવ્ય યાદશક્તિ ધરાવે છે
આપણને લાગે કે બકરીઓ તો બસ ઘાસ ચરવામાં જ મગ્ન હોય છે, પણ સંશોધનો કહે છે કે તેમની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે. તેઓ જટિલ પઝલ્સ ઉકેલી શકે છે અને તાળાં કેવી રીતે ખોલવાં તે પણ શીખી શકે છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે તેઓ એકવાર શીખેલી વસ્તુ કે રીતને મહિનાઓ સુધી યાદ રાખી શકે છે. તેઓ સામાજિક રીતે પણ ખૂબ સજાગ હોય છે.
આ બુદ્ધિશાળી જીવો આપણને એ શીખવે છે કે પૃથ્વી પર માત્ર માણસનું જ આધિપત્ય નથી. દરેક જીવ પાસે પોતાની એક આગવી શક્તિ અને સમજદારી છે. જ્યારે આપણે આ પ્રાણીઓની ક્ષમતાઓને જોઈએ છીએ, ત્યારે પ્રકૃતિ પ્રત્યે આપણો આદર અનેકગણો વધી જાય છે. ખરેખર, બુદ્ધિ માત્ર ભાષા કે ગણિતમાં નથી, પણ પ્રકૃતિ સાથે તાલ મિલાવીને જીવવામાં પણ છે.