આપણા ગુજરાતીઓની એક ખાસિયત છે. આપણને ફરવાનો ગજબનો શોખ છે, પણ આપણે સીધાસાદા પ્રવાસી નથી. આપણે તોફાની ટૂરિસ્ટ છીએ. બીજા લોકો ક્યાંક ફરવા જાય ત્યારે એ લોકો ત્યાંની સંસ્કૃતિ, ઇતિહાસ અને કુદરતી સૌંદર્યની પૂછપરછ કરે છે. ગુજરાતી ફરવા જાય ત્યારે સૌ પ્રથમ હોટલના રૂમમાં તપાસ કરે કે `ચા બનાવી શકાય કે નહીં?' જાણે પ્રવાસે નહીં, ચાની કીટલી ખોલવા આવ્યા હોય!  

ગુજરાતીનો પ્રવાસ શરૂ થાય એ પહેલાં જ ઘરમાં તૈયારી શરૂ થઈ જાય છે. કપડાં કરતાં વધારે જગ્યા થેપલાં, ભાખરી, ચેવડો, ગાંઠિયા, ખાખરા અને અથાણાં માટે રાખવામાં આવે. એવું લાગે કે પ્રવાસે નહીં, પણ વેરાન વિસ્તારમાં જઈ રહ્યા છે.  

પહાડ ઉપર પહોંચ્યા પછી બીજા પ્રવાસીઓ સુંદર દૃશ્યો જોઈને મંત્રમુગ્ધ થઈ જાય, જ્યારે ગુજરાતી તરત પૂછે, `અહીં બેસીને થેપલાં ખાઈ શકાય એવી જગ્યા છે?' પછી હિમાલયની ગોદમાં પ્લાસ્ટિકની થેલીમાંથી નાસ્તાઓનું પ્રાગટ્ય થાય. બાજુમાં બેઠેલો વિદેશી આશ્ચર્યથી જુએ કે આ લોકો ફરવા આવ્યા છે કે કેટરિંગનો ધંધો શરૂ કરવા?  

સાઇટ સીઇંગ દરમિયાન પણ ગુજરાતીનું વર્તન અનોખું હોય છે. કોઈ સરસ જગ્યાએ જાણકાર સમજાવી રહ્યો હોય કે, `આ બાજુ આવો, અહીંથી મસ્ત દૃશ્ય દેખાય છે.' ત્યાં પાછળથી ગુજરાતીનો અવાજ આવે `આ બાજુ આવો, અહીંયાં મસ્ત ચા મળે છે.'  

ગુજરાતી માટે ફોટોગ્રાફી પણ એક અલગ જ વિષય છે. સ્થળ ગમે તે હોય, ફોટા તો એવા લેવામાં આવે કે પાછળનું દૃશ્ય ભલે ન દેખાય, પોતાનો ચહેરો વધુ દેખાવો જોઈએ. કાશ્મીરની બર્ફીલી વાદીઓમાં ફોટા પાડી સોશિયલ મીડિયા પર ચડાવી લખે `એન્જોય્ડ કાશ્મીર સ્નો'. ફોટામાં કાશ્મીર કે સ્નો કશું જ ન દેખાતું હોય, ખાલી એમનાં મોઢાં જ દેખાતાં હોય.  

શાંત અને રમણીય સ્થળે પહોંચ્યા પછી લોકો પ્રકૃતિનો આનંદ માણે, જ્યારે ગુજરાતી ત્યાં પહોંચી એવું વાતાવરણ બનાવે કે જાણે પાર્ટી ચાલતી હોય. એક બસમાં આવેલા પચાસ લોકો મોટેથી અંતાક્ષરી રમી ત્યાંનાં પક્ષીઓને સ્થળાંતર કરવા મજબૂર કરી દે.  

અને જો સહેજ ખુલ્લી જગ્યા મળી જાય તો ગરબાનો કાર્યક્રમ આપોઆપ શરૂ થઈ જાય. કાશ્મીર, કન્યાકુમારી કે સ્વિટ્ઝર્લેન્ડ હોય, રેલવે સ્ટેશન કે એરપોર્ટ હોય, ગુજરાતીનું સૂત્ર સ્પષ્ટ છે, `જ્યાં હોય જગ્યા, ત્યાં રમો ગરબા.'  

હોટલમાં બુફે ડિનર હોય ત્યારે ગુજરાતીનો અલગ ઉત્સાહ જોવા મળે. પહેલા ત્રણ ચક્કર મારીને આખા મેનુનું સર્વેક્ષણ કરી આવે. પછી થાળીમાં એટલી વસ્તુઓ ભરી આવે કે હોટલવાળાને લાગે કે હવે રસોડું બંધ કરી દેવું જોઈએ.  

સવારે હોટલમાં નાસ્તો મફત હોય તો કેટલાક લોકો એવો નાસ્તો કરે કે સીધા સાંજના જમણ સુધી ભૂખ જ ન લાગે. કેટલાક તો સફરજન, કેળાં અને બિસ્કિટ પણ રૂમમાં લઈ જાય. એમને લાગે કે આ બધું ન લઈએ તો હોટલવાળાને નુકસાન થશે.  

કોઈ વસ્તુ માટે `કૉમ્પ્લિમેન્ટરી' લખેલું હોય ત્યારે તો મફતની વસ્તુઓ માટે આપણે રીતસર લૂંટફાટ ચલાવીએ છીએ.  

કચરાની બાબતમાં પણ આપણે અનોખા છીએ. ઘરે ડુંગળીનું ફોતરું પણ જમીન પર ન નાખનારા લોકો પ્રવાસમાં બોટલ, નાસ્તાનાં પડીકાં ગમે ત્યાં છુટ્ટાં ફેંકી પોતાની કચરારૂપી યાદગીરી મૂકતા જાય છે.  

એટલે જ દુનિયાના કોઈ પણ ખૂણે જો કોઈ વ્યક્તિ પહાડની ટોચ પર બેસીને ઢેબરાં ખાઈ રહ્યો હોય, બાજુમાં ગરબાની તાળી પડતી હોય, પાછળથી અવાજ આવતો હોય, `અરે! ફોટો પાડ, વોટ્સએપમાં મૂકવો છે' તો સમજી જજો કે ગુજરાતી પ્રવાસી પોતાના મિશન પર છે.  

ગુજરાતી જ્યાં પ્રવાસે જાય ત્યાં થેપલાં, ગાંઠિયા, ગરબા અને ઘોંઘાટ સાથે પોતાનું આગવું ગુજરાત ઊભું કરી દે છે. હોટલવાળાને પૂછે, `અહીં ખીચડી-કઢી મળશે?' અને જો ન મળે તો પોતાની બેગમાંથી આખું રસોડું બહાર કાઢી દે.  

કેટલાક ગુજરાતી તો એવા હોય છે કે પ્રવાસ પૂરો કરીને પાછા આવે ત્યારે કપડાં કરતાં વધારે નાસ્તો બચાવીને લાવે. ઘરે આવીને ગર્વથી કહે, `આખા પ્રવાસમાં બહારનું ખાધું જ નહીં!' એટલે ક્યારેક એવું લાગે કે ગુજરાતીઓ ફરવા નથી જતા, પણ થેપલાંને વિશ્વભ્રમણ કરાવવા લઈ જતા હોય છે! 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો