આસો મહિનાની નવરાત્રી શરૂ થવા વચ્ચે માત્ર થોડા કલાકો બાકી છે. નવરાત્રી એટલે થનગનાટ અને તરવરાટનો ઉત્સવ, પરંતુ કહેવાય નવરાત્રી, વાસ્તવમાં તો શું દિવસ અને શું રાત. રાત્રિમાં આહ્લાદક સ્વરૂપ ધારણ કરતો આ માત્ર એક તહેવાર નથી, પણ નવ દિવસ અને નવ રાતનો એક એવો પરંપરાગત મહોત્સવ છે, જેની તરસ આખું વરસ અનુભવાતી હોય છે. નવરાત્રી એટલે મા શક્તિ સાથે વ્યક્તિગત શક્તિના મિલનનો મહોત્સવ, ગુજરાતની ગરિમા, અસ્મિતા, ઓળખાણ. નવરાત્રી દરમ્યાન શેરીઓમાં, પોળોમાં, મેદાનો, એસી ડોમમાં બાળપણથી બુઢાપો ગરબે ઘૂમવા ઊમટી પડે છે. વિશ્વ ફલક પર વિસ્તરેલી નવરાત્રી ઓહ, આહથી આહા સુધી વિસ્તરે છે.   

ઓહ! એટલે આશ્ચર્ય તો ખરું જ, સાથે કેટલાક માટે અફસોસ સૂચવતો ઉદ્ગાર પણ ખરો. ઘણા માટે નવરાત્રીના દિવસો આશ્ચર્ય, કેટલાક માટે તૈયારીઓની ચિંતા, મીઠી મૂંઝવણ, ઓહ! કેટલાક માટે ચિંતા `પાસ મળશે કે નહીં?' તો કેટલાક માટે થોડા શારીરિક માનસિક તણાવ સાથે શરૂ થાય છે. જે લોકોને આધુનિક નવરાત્રી તો શું નવરાત્રી જ સમજમાં નથી આવતી, તેઓ માટે હંમેશા આશ્ચર્ય જ રહે છે. જ્યારે કેટલાક માટે મૂંઝવણ એ વાતની રહે છે કે નવ નવ દિવસ શું પહેરશું, ક્યાં રમવા જશું, કેવા ગરબા-રાસ-દાંડિયા રમશું વગેરે વગેરે મૂંઝવણો થતી રહે છે. શારીરિક માનસિક તણાવ પહેલા બીજા દિવસે અનુભવાય, જ્યારે ગરબા રમીને ઘરે આવીએ, ત્યારે આખું શરીર કળતર કરે છે. પગ જકડાઈ જાય ત્યારે મનમાંથી નીકળે છે; `ઓહ, હજી તો આઠ-નવ દિવસ બાકી છે. રાત્રે ગરબા રમતી વખતે અને ખેલૈયાઓનો થનગનાટ જોઈને જે આશ્ચર્ય થાય તે! જ્યારે કોઈ અદ્ભુત સ્ટેપ કરે કે કોઈનો ભવ્ય ટ્રેડિશનલ ડ્રેસ જોઈએ, ત્યારે મોઢામાંથી આપોઆપ નીકળી જાય `ઓહ! શું સરસ લાગી રહ્યું છે!' જેમને મન આ તહેવાર સમય-શક્તિ-ધનનો બગાડ છે તેમને મન `ઓહ! બાપ રે, નવરાત્રી આવી ગઈ!'   

આહ! એટલે ગાયબ થતો થાક અને ચડતો ભક્તિનો આનંદ; જ્યારે ઉત્સાહ ઉમંગ વચ્ચે થાક મીઠો બની જાય છે, યૌવન હિંડોળે ચડે સાથે જ પ્રૌઢ કે વૃદ્ધો ઉંમર ભૂલી યુવાનીના જોશે સમર્પણ અને ભક્તિમગ્ન બને છે. જ્યારે મા અંબાની ભક્તિ અને ગરબાના તાલમાં શરીરનો દુખાવો ગાયબ થઈ જાય છે. મોડી રાત્રે ગરબા રમીને, પસીનાથી લથબથ થઈને પણ હજી થોડુંક વધારે રમી લઈએ એવો સુખદ અહેસાસ થાય છે. આખી રાત ભારે ચણિયાચોળી કે કેડિયું પહેરીને, હિલ્સ કે મોજડીમાં કલાકો સુધી ગરબા ઘૂમ્યા પછી જ્યારે સવારે પગનો દુખાવો કે થાક પણ મીઠો લાગે ત્યારે `આહ! રાત્રે તો બહુ ગરબા ગાયા.' આહ!ના તબક્કામાં ભક્તિ અને ઉત્સાહ ચરમસીમા પર હોય છે, સાથે જ ઉત્સાહ બેવડાતો જાય છે, ઉમંગ ઘાટો થાય છે.  

આહા! પરમાનંદ અને સંતોષની સ્થિતિ; જ્યાં ઉત્સવ પોતાના સર્વોચ્ચ શિખરે પહોંચે છે. રાસ ગરબાના જુદાં જુદાં પગલાં સાથે અનેક રસ ભળતાં આખું વાતાવરણ ઊર્જાથી ભરાઈ જાય છે. ગરબાના છેલ્લા તાલ સાથે પરમાનંદની અનુભૂતિ થાય છે, થાક ઓગળી જાય ને હૃદય એક અદ્ભુત સંતોષ અને આનંદથી ભરાઈ જાય છે. મન પોકારી ઊઠે છે, ગરબા પૂરા થયા પછી વહેલી સવારે જે પરમ આનંદ મળે ત્યારે `આહા! મજા આવી ગઈ કે આહા! શું જિંદગી છે!'   

નવરાત્રી શીખવે છે કે શરૂઆત ભલે `ઓહ!'(ચિંતા)થી થાય, પણ જો તેમાં ભક્તિ અને સમર્પણ ભળે, તો તેનો અંત હંમેશાં `આહા!'(પરમાનંદ)માં જ થાય છે. તન મનને નવપલ્લવિત કરતું પર્વ, જોમ જુસ્સા અને જોશ ભરતી નવરાત્રી એટલે સાચે જ `ઓહ! આહ! આહા'નો અદ્ભુત ત્રિવેણી સંગમ.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો