યુરોપ જવાનું સપનું દરેક ભારતીયના મનમાં હોય છે, પરંતુ વર્ષોથી શેંગેન વિઝા મેળવવાની જટિલ પ્રક્રિયા અને ટૂંકી વેલિડિટી પ્રવાસીઓ માટે માથાનો દુખાવો બની રહી હતી.

જોકે, એપ્રિલ 2024થી અમલમાં આવેલા અને 2026માં વધુ સુવ્યવસ્થિત થયેલા નવા નિયમોએ ભારતીય પ્રવાસીઓ માટે ખુશીનાં દ્વાર ખોલી દીધાં છે. છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતીય પ્રવાસીઓ માટે યુરોપના 29 દેશોમાં ફરવા માટે શેંગેન વિઝા મેળવવા એ એક લાંબી અને કંટાળાજનક પ્રક્રિયા હતી. દરેક વખતે નવી ટ્રિપ માટે ફરીથી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા, એપોઇન્ટમેન્ટ લેવી અને વિઝા ફી ભરવી પડતી હતી, પરંતુ હવે યુરોપિયન યુનિયને ખાસ કરીને ભારતીયો માટે `વિઝા કાસ્કેડ રેજિમ' નામની નવી સિસ્ટમ દાખલ કરી છે. ભારતીયો માટે યુરોપ પ્રવાસ હવે સરળ બન્યો છે.

શું છે આ `કાસ્કેડ રેજિમ' સિસ્ટમ?

નવી નિયમાવલી મુજબ, જે ભારતીયો વારંવાર યુરોપની મુસાફરી કરે છે અને જેમનો `ટ્રાવેલ હિસ્ટ્રી' સ્વચ્છ છે, તેમને હવે લાંબી અવધિના મલ્ટિપલ એન્ટ્રી વિઝા મળશે. આ સિસ્ટમ ત્રણ તબક્કામાં કામ કરે છે. જેનો પહેલો તબક્કો એ છે કે, જો તમે છેલ્લાં 3 વર્ષમાં ઓછામાં ઓછા બે વાર શેંગેન વિઝા મેળવ્યા હોય અને તેનો કાયદેસર ઉપયોગ કર્યો હોય, તો તમે હવે સીધા જ 2 વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝા માટે પાત્ર છો. જ્યારે બીજો તબક્કો કહે છે કે, આ 2 વર્ષના વિઝાના સફળ ઉપયોગ બાદ, જો તમારા પાસપોર્ટની વેલિડિટી પૂરતી હશે, તો તમને 5 વર્ષના લાંબા ગાળાના વિઝા મળી શકે છે. ત્રીજો તબક્કો જણાવે છે કે, એકવાર તમારી પાસે 5 વર્ષના વિઝા આવી જાય, પછી તમે કોઈ પણ વધારાની પરવાનગી વગર 29 દેશોમાં ગમે ત્યારે જઈ શકો છો.

ભારતીયો માટે રાહત કે પડકાર?

નવા નિયમો અંગે ભારતીય જનતામાં મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. મોટાભાગના લોકો તેને આવકારે છે, પરંતુ કેટલાંક પાસાંઓ હજુ પણ ચિંતાનો વિષય છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના બિઝનેસમેન અને હાઈ નેટવર્થ પ્રવાસીઓ માટે આ વરદાન સમાન છે. દર વર્ષે ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાના ખર્ચ અને સમયની મોટી બચત થશે. સીધા 2 વર્ષ અને ત્યારબાદ 5 વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝા મેળવી શકે છે. આનાથી વારંવાર વિઝા અરજી કરવાની કડાકૂટ મટી જશે. હવે લોકો છેલ્લી ઘડીએ ફ્લાઇટ બુક કરાવીને યુરોપ જઈ શકશે, કારણ કે તેમની પાસે પહેલેથી જ માન્ય વિઝા હશે. દર વખતે નવી ટ્રિપ માટે વિઝા ફી, એજન્ટ કમિશન અને ડોક્યુમેન્ટેશનનો ખર્ચ નહીં કરવો પડે. લાંબા ગાળાના વિઝા હોવાથી પ્રવાસીઓ છેલ્લા સમયે સસ્તી ફ્લાઇટ બુક કરાવીને 29 યુરોપિયન દેશોમાં ગમે ત્યારે જઈ શકશે. 5 વર્ષના વિઝાધારકો માટે આ લગભગ `વિઝા-ફ્રી' જેવો જ અનુભવ છે, જે ભારત અને EU વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતીક છે. વેપારીઓ અને પ્રોફેશનલ્સ માટે મીટિંગ્સ કે કોન્ફરન્સમાં હાજરી આપવી અત્યંત સરળ બનશે.

પડકારો સાથે સાથે ચિંતાઓ

આંકડા દર્શાવે છે કે હજુ પણ હજારો ભારતીયોના વિઝા રિજેક્ટ થાય છે, જેના કારણે કરોડો રૂપિયાની વિઝા ફી ડૂબી જાય છે. જનતા ઈચ્છે છે કે રિજેક્શનનાં કારણો વધુ પારદર્શક બને. નવા નિયમો છતાં, VFS ગ્લોબલ પર એપોઇન્ટમેન્ટ સ્લોટ મેળવવા હજુ પણ લોઢાના ચણા ચાવવા જેવું છે. મધ્યમ વર્ગના પ્રવાસીઓ માને છે કે જ્યાં સુધી એપોઇન્ટમેન્ટ પ્રક્રિયા ઝડપી નહીં બને, ત્યાં સુધી આ નિયમોનો પૂર્ણ લાભ નહીં મળે. 2026માં યુરોપ વિઝા પ્રક્રિયાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા તરફ જઈ રહ્યું છે, જેની ભારતીય પ્રવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેથી સ્ટીકર વિઝા માટે પાસપોર્ટ જમા કરાવવાની જરૂર ન રહે. 2 કે 5 વર્ષના વિઝા માત્ર તેમને જ મળશે જેમનાં પાછલાં 3 વર્ષમાં બે વાર વિઝા સફળતાપૂર્વક વપરાયા હોય. નવા પ્રવાસીઓ માટે હજુ પણ પ્રક્રિયા જૂની જ છે. નવા નિયમો છતાં સ્લોટ મેળવવા મુશ્કેલ છે, જેના કારણે પ્રવાસીઓએ પ્લાનિંગમાં મુશ્કેલી વેઠવી પડે છે. જો વિઝા રિજેક્ટ થાય, તો ભરેલી મોટી ફી પરત મળતી નથી, જે મધ્યમ વર્ગના પ્રવાસીઓ માટે આર્થિક ફટકો છે. વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરવા પર ભવિષ્યમાં કાયમી પ્રતિબંધનું જોખમ રહે છે.

 એકંદરે નવા શેંગેન વિઝા નિયમો એ ભારતીય પ્રવાસીઓ માટે સન્માનની વાત છે. તે દર્શાવે છે કે યુરોપિયન દેશો હવે ભારતીયોને `લો-રિસ્ક' અને `ટ્રસ્ટેડ ટ્રાવેલર્સ' તરીકે જોઈ રહ્યા છે. જોકે, એપોઇન્ટમેન્ટની સમસ્યા અને વિઝા રિજેક્શનના નાણાકીય નુકસાન સામે હજુ પણ જનતામાં થોડો રોષ છે. જો પ્રક્રિયા વધુ ડિજિટલ અને ઝડપી બને, તો આવનારાં વર્ષોમાં યુરોપ જનારા ભારતીયોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળશે. ત્યારે મૂળ સવાલ એ છે કે, યુરોપના શેંગેન વિઝા માટે તમારે કયા ડોક્યુમેન્ટ્સની તૈયારી રાખવી પડશે? લિસ્ટ 2026ના લેટેસ્ટ નિયમો મુજબ જરૂરી દસ્તાવેજોની યાદીમાં મૂળ પાસપોર્ટ જે છેલ્લાં 10 વર્ષમાં ઇશ્યૂ થયેલ હોય અને તમારી પરત આવવાની તારીખ પછી ઓછામાં ઓછી 3 મહિનાની વેલિડિટી ધરાવતો હોય. પાસપોર્ટમાં 2 કોરા પેજ હોવા અનિવાર્ય છે. વિઝા એપ્લિકેશન ફોર્મ જે ઓનલાઇન ભરેલું અને સહી કરેલું હોય. ફોટોગ્રાફ્સ, કવર લેટર: તમારી મુસાફરીનો હેતુ, તારીખો અને આખા પ્રવાસનું આયોજન દર્શાવતો પત્ર. ઓછામાં ઓછું 30,000 યુરોનું કવરેજ ધરાવતું મેડિકલ ઇન્શ્યોરન્સ, જે આખા શેંગેન વિસ્તારમાં માન્ય હોય. હોટલ બુકિંગના કન્ફર્મ કાગળો અથવા જો કોઈ સગાને ત્યાં રોકાવાના હોય તો તેમનો ઇન્વિટેશન લેટર, રિઝર્વેશન અથવા રાઉન્ડ ટ્રિપ કન્ફર્મ ટિકિટ, આ સિવાય કેટલાક આર્થિક પુરાવા પણ જરૂરી છે. જો તમે 2 કે 5 વર્ષના લાંબા ગાળાના વિઝા મેળવવા માંગતા હોવ, તો તમારા જૂના પાસપોર્ટ અને તેમાં રહેલા અગાઉના શેંગેન વિઝાની નકલ જોડવાનું ભૂલશો નહીં. આ તમારી `ટ્રાવેલ હિસ્ટ્રી' સાબિત કરવામાં મદદ કરશે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો