તબીબી વિજ્ઞાન ક્ષેત્રે અંગ પ્રત્યારોપણ બાબતે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. અમેરિકામાં ડાયાબિટીસ તથા કિડનીની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલી એક યુવતીમાં 22 નવેમ્બર, 2025ના રોજ જિનેટિકલી મોડિફાઇડ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. આ પ્રક્રિયાને તબીબી ભાષામાં `ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન' કહેવાય છે. આ પ્રયોગ એટલા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયો કે આ ટ્રાન્સપ્લાન્ટ કરેલી કિડની દર્દીના શરીરમાં સતત નવ મહિના સુધી કોઈ પણ મોટી મુશ્કેલી વગર સફળતાપૂર્વક કાર્યરત રહી. સામાન્ય રીતે માનવ શરીર અન્ય પ્રાણીઓનાં અંગોને તરત રિજેક્ટ કરી દે છે, પરંતુ આ કેસમાં નવ મહિનાનો લાંબો સમયગાળો વિજ્ઞાન માટે એક મોટો ચમત્કાર અને સફળતા માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કિડની ફેલ્યોર એક મોટી સમસ્યા છે અને વિશ્વભરમાં કિડની દાતાઓની ભારે અછત પ્રવર્તે છે. આવા કપરા સમયમાં પ્રાણી અંગ પ્રત્યારોપણની આ સફળતા ભવિષ્યમાં હજારો દર્દીઓને નવજીવન આપવા માટે આશાનું નવું કિરણ બની છે. વૈજ્ઞાનિકો માટે આ પરિણામ સંશોધનો માટે પાયારૂપ સાબિત થશે. અલબત્ત આ ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન એક અકસીર ઇલાજ સાબિત થશે તેમજ જે તે દર્દીઓ પોતાની જાતને વધુ સ્વસ્થ પણ અનુભવી શકશે.
ગિરસુનો 4000 વર્ષ જૂનો પુલ
ઇરાકના બગદાદ અને બસરા વચ્ચે આવેલું પ્રાચીન સુમેરિયન શહેર `ગિરસુ' (આધુનિક તેલોહ) વૈશ્વિક ઇતિહાસમાં પુરાતત્ત્વીય અજાયબીઓનું કેન્દ્ર બન્યું છે. અહીં ખોદકામ દરમિયાન મળી આવેલો આશરે 4000 વર્ષ જૂનો પુલ વિશ્વના સૌથી જૂના માનવનિર્મિત પુલો પૈકીનો એક મનાય છે. પાકી ઈંટો અને વિશિષ્ટ બાંધકામ ધરાવતો આ પૌરાણિક પુલ માત્ર એક નિર્માણ નથી, પરંતુ સદીઓ જૂની ઈજનેરી કુશળતાનો જીવંત દસ્તાવેજ છે. આ પુલ પ્રાચીન સમયમાં એક મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પર અવરજવર માટે ઉપયોગમાં લેવાતો હતો. આ અતિ પ્રાચીન પુલ ઉપરાંત, પુરાતત્ત્વવિદો દ્વારા ગિરસુ ખાતે સઘન ઉત્ખનન ચાલુ છે. સંશોધકો અહીંથી સુમેરિયન સંસ્કૃતિનાં પ્રાચીન મંદિરો, તકતીઓ, શિલાલેખો, નહેરો અને પૌરાણિક અવશેષો પણ શોધી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આ ખોદકામ મેસોપોટેમિયાની પ્રારંભિક શહેરી સંસ્કૃતિ, વહીવટી તંત્ર અને ધાર્મિક જીવનશૈલીના ઘણાં વણઉકેલાયેલાં રહસ્યો પરથી પડદો ઉઠાવશે. આ પૌરાણિક વારસો માનવ ઇતિહાસના અદ્ભુત પુરાવા પૂરા પાડે છે. અલબત્ત, આ શોધ વિશ્વ માટે અત્યંત મહત્ત્વની છે, કારણ કે તે સભ્યતાના ઉદય, પ્રારંભિક ઈજનેરી કૌશલ્ય અને જળ વ્યવસ્થાપનને વૈશ્વિક સ્તરે સમજવા માટે પાયારૂપ ઐતિહાસિક પુરાવા પણ પૂરા પાડે છે.
ઘાટ્ટા લાલ-કેસરી રંગનું રહસ્યમય તળાવ
ઉત્તરી તાન્ઝાનિયામાં આવેલું `લેક નેટ્રોન' કુદરતની અજીબોગરીબ રચનાનું ઉત્તમ ઉદાહરણ છે. ખૂબ જ દૂરથી પણ નજરે ચડતો આ તળાવનો ઘાટ્ટો લાલ અને કેસરી રંગ તેને દુનિયાનું એક અદ્ભુત દૃશ્ય બનાવે છે. જે માટેનું મુખ્ય કારણ અત્યંત ખારા અને ગરમ પાણીમાં પાંગરતી લાલ રંગની શેવાળ તથા વિશિષ્ટ બેક્ટેરિયા છે. જોકે, આ સુંદરતા પાછળ એક ભયાનક વાસ્તવિકતા છુપાયેલી છે. જ્વાળામુખીની રાખ અને સોડિયમ કાર્બોનેટના ઊંચા પ્રમાણને કારણે તળાવનું પાણીમાં ખૂબ જ આલ્કલાઇન છે. સામાન્ય પક્ષીઓ કે પ્રાણીઓ જો આ પાણીમાં પડે, તો ક્ષારના સ્તરને લીધે તેમનું શરીર ધીમે-ધીમે પથ્થર જેવું સખત બનીને સુકાઈ જાય છે. આ પ્રાણઘાતક સ્થિતિ મોટાભાગના જીવો માટે મોતની મુસીબત બની રહે છે. આમ છતાં, આ જીવલેણ પરિસ્થિતિ `લેસર ફ્લેમિંગો' માટે એક અનોખો આશીર્વાદ સાબિત થાય છે. ફ્લેમિંગોના પગની જાડી અને સખત ચામડી તેમને આ દાહક ક્ષારથી બચાવે છે. શિકારી પશુઓ આ ઝેરી પાણીમાં પ્રવેશી શકતાં ન હોવાથી ફ્લેમિંગો અહીં નિર્ભય બનીને માળા બાંધે છે અને ઈંડાં મૂકે છે. તળાવની લાલ શેવાળ તેમનો મુખ્ય ખોરાક બને છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો