પરીક્ષાની સીઝન ચાલી રહી છે તેવામાં આજકાલના સ્ટુડન્ટ્સ એ પણ નક્કી કરીને રાખતા હોય છે કે, 12મા ધોરણ પછી આગળ શું કરવું? ઘણા એવા વિદ્યાર્થીઓ જેઓને વિદેશમાં ભણવું છે, તેમના માટે પણ વિઝામાં આવેલા ક્રાંતિકારી ફેરફારો, ખાસ કરીને `e-Visa' સિસ્ટમ અને અન્ય નવા નિયમો વિશે આજે આપણે વાત કરીશું. યુનાઇટેડ કિંગ્ડમે તેની ઈમિગ્રેશન સિસ્ટમને સંપૂર્ણપણે આધુનિક અને ડિજિટલ બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ભર્યું છે. વર્ષોથી ચાલી આવતી પાસપોર્ટ પર વિઝા સ્ટિકર લગાવવાની અને BRP કાર્ડ આપવાની પરંપરા હવે ભૂતકાળ બની રહી છે. ફેબ્રુઆરી 2026 સુધીમાં યુકે તેના તમામ વિઝાને `e-Visa'માં રૂપાંતરિત કરી રહ્યું છે. આપણે આ ડિજિટલ પરિવર્તન, વિદ્યાર્થીઓ માટેના કડક નિયમો અને ભારતીયોને થનારા ફાયદાઓ વિશે જ વાત કરી રહ્યા છીએ, જેમાં મારી પાસે આવેલા સવાલોમાનો એક સવાલ એ છે કે,

આ e-Visa શું છે અને

તે કેવી રીતે કામ કરે છે?

e-Visa એ તમારા વિઝા સ્ટેટસનો એક ડિજિટલ રેકોર્ડ છે. અત્યાર સુધી જ્યારે કોઈ ભારતીયને યુકેના વિઝા મળતા, ત્યારે તેમના પાસપોર્ટ પર એક સ્ટિકર લગાવવામાં આવતું અથવા તેમને પ્લાસ્ટિકનું BRP કાર્ડ આપવામાં આવતું, પરંતુ હવે નવી સિસ્ટમ મુજબ દરેક પ્રવાસીએ `UK Visas and Immigration' (UKVI)ની વેબસાઈટ પર પોતાનું ઓનલાઈન એકાઉન્ટ બનાવવાનું રહેશે. તમારો વિઝા ડિજિટલી તમારા પાસપોર્ટ નંબર સાથે લિંક હશે. જ્યારે તમે એરપોર્ટ પર જશો, ત્યારે એરલાઇન્સ અને બોર્ડર ઓફિસરો ફક્ત તમારો પાસપોર્ટ સ્કેન કરીને જોઈ શકશે કે તમારી પાસે માન્ય વિઝા છે કે નહીં.

જો તમારે કોઈ મકાન ભાડે લેવું હોય અથવા નોકરી માટે વિઝા સ્ટેટસ સાબિત કરવું હોય, તો તમે તમારા એકાઉન્ટમાંથી એક `શેર કોડ' જનરેટ કરી શકશો, જે સામેની વ્યક્તિને આપતાં તે તમારી વિગતો ઓનલાઈન ચેક કરી શકશે. આ સાથે સાથે 2025-26માં વિદ્યાર્થીઓ માટે થયેલા ફેરફારોમાં પણ ઘણા મહત્ત્વના ફેરફારો આવ્યા છે. યુકે જનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે છેલ્લા એક વર્ષમાં આવેલા ફેરફારોમાં સરકારે ઈમિગ્રેશન સંખ્યા ઘટાડવા માટે કેટલાક કડક નિયમો અમલી બનાવ્યા છે.

જાન્યુઆરી 2025થી ફક્ત એવા જ વિદ્યાર્થીઓ પોતાના પરિવારને સાથે લઈ જઈ શકે છે જેઓ PhD અથવા Research-based Postgraduate કોર્સ કરી રહ્યા હોય. સામાન્ય માસ્ટર્સ કરનારા વિદ્યાર્થીઓ હવે પરિવારને સાથે લઈ જઈ શકતા નથી. યુકેમાં ભણ્યા પછી મળતા 2 વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક (PSW) વિઝા હજુ ચાલુ છે, પરંતુ 2026થી તેના નિયમો વધુ કડક થવાની શક્યતા છે. 2026ના અંત સુધીમાં માસ્ટર્સ ગ્રેજ્યુએટ્સ માટે આ સમયગાળો 24 મહિનાથી ઘટાડીને 18 મહિના કરવાની દરખાસ્ત પર વિચારણા ચાલી રહી છે.

વિદ્યાર્થીઓએ હવે તેમના લિવિંગ એક્સપેન્સ (રહેવા-ખાવાનો ખર્ચ) પેટે વધુ રકમ બેંકમાં બતાવવી પડે છે. લંડનમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ રકમ આશરે 1,483 પાઉન્ડ પ્રતિ માસ અને લંડન બહાર માટે 1,136 પાઉન્ડ પ્રતિ માસ કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 થી સ્કેલ્ડ વર્કર અને અન્ય કેટેગરીમાં સ્વિચ થવા માટે અંગ્રેજીનું સ્તર B1થી વધારીને B2 કરવાની તૈયારી છે.

ભારતીયોને આ ફેરફારોથી

શું ફાયદો થશે?

એમાં કેટલાક નિયમો કડક લાગી શકે છે, પરંતુ ડિજિટલ સિસ્ટમથી ભારતીયોને અનેક ફાયદા છે. જેમ કે, દસ્તાવેજો ખોવાઈ જવાનો ડર નહીં રહે. અગાઉ ઘણા ભારતીયોના BRP કાર્ડ અથવા પાસપોર્ટ ખોવાઈ જવાથી તેઓ મુશ્કેલીમાં મુકાતા હતા. હવે વિઝા ડિજિટલ હોવાથી કાર્ડ ચોરાઈ જવાનો કે ખોવાઈ જવાનો કોઈ ભય નથી. આ સાથે તેમના ઇમિગ્રેશનની પ્રક્રિયા ખૂબ ઝડપી બની છે. એરપોર્ટ પર લાંબી લાઈનોમાં ઊભા રહેવાને બદલે ડિજિટલ વેરિફિકેશનથી પ્રક્રિયા ઝડપી બનશે.

ત્યારે વળી પાસપોર્ટને લગતી કોઈ અપડેટ હશે તો એ પણ સરળતાથી કરી શકશે. જો તમે નવો પાસપોર્ટ કઢાવો અથવા તમારું સરનામું બદલાય, તો તમારે ફરીથી નવા વિઝા સ્ટિકર માટે પૈસા ખર્ચવાની જરૂર નથી. તમે તમારા UKVI એકાઉન્ટમાં લોગિન કરીને વિગતો જાતે જ અપડેટ કરી શકશો. આનાથી છેતરપિંડીમાં ખાસ ઘટાડો જોવા મળશે. વિઝા એજન્ટો દ્વારા કરવામાં આવતી નકલી સ્ટિકરની છેતરપિંડી હવે બંધ થશે, કારણ કે બધું જ લાઈવ ડેટાબેઝ પર આધારિત હશે.

વર્ષ 2026માં ETA (Electronic Travel Authorisation)ની નવી અપડેટ આવવાથી ભારતીયો પાસે બ્રિટિશ અથવા આઇરિશ ડ્યુઅલ સિટીઝનશિપ છે અથવા જેમને વિઝાની જરૂર નથી, તેમના માટે ETA ફરજિયાત કરવામાં આવ્યું છે. આ એક નાની ઓનલાઈન પરવાનગી છે, જે પ્રવાસના 3 દિવસ પહેલાં લેવી જરૂરી છે. યુકેની વિઝા સિસ્ટમ હવે સંપૂર્ણપણે હાઈ-ટેક બની ગઈ છે.

ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે હવે `ડિજિટલ સાક્ષરતા' અનિવાર્ય છે. જો તમે 2026માં યુકે જવાનું વિચારી રહ્યા હોવ, તો વહેલી તકે તમારું UKVI એકાઉન્ટ બનાવી લેવું અને તમારા ભૌતિક દસ્તાવેજોને ડિજિટલ રેકોર્ડ સાથે લિંક કરી લેવા હિતાવહ છે.

ઘણા લોકો પાસે જૂનું BRP કાર્ડ છે, તો તમારા જૂના BRP કાર્ડને e-Visaમાં કેવી રીતે ટ્રાન્સફર કરવું તેની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા માટે સૌ પહેલાં તમારે તમારું UKVI એકાઉન્ટ બનાવવું પડશે. જેમાં તમારે યુકે સરકારની સત્તાવાર વેબસાઇટ gov.uk/evisa પર જઈને તમારું UKVI એકાઉન્ટ બનાવવું પડશે. આ માટે તમારે તમારો ઈ-મેલ આઈડી અને પાસવર્ડ સેટ કરવાનો રહેશે. ત્યારબાદ `UK Immigration: ID Check' એપ ડાઉનલોડ કરી તમારા સ્માર્ટફોન પર આ એપ ડાઉનલોડ કરો. આ એપ તમારા દસ્તાવેજોને સ્કેન કરવા અને તમારી ઓળખની ખાતરી કરવા માટે જરૂરી છે. બધા જ દસ્તાવેજોને સ્કેન કરાવ્યા બાદ એપમાં સૂચના મુજબ તમારા BRP કાર્ડને સ્કેન કરો. તમારા ફોનના NFC ફીચરનો ઉપયોગ કરીને કાર્ડમાં રહેલી ચિપને રીડ કરો. ત્યારબાદ તમારા પાસપોર્ટને પણ સ્કેન કરો.

 આટલું કર્યા પછી તમારો ફોટો લો. એપ દ્વારા તમારો લાઈવ ફોટો (Selfie) લેવામાં આવશે, જે તમારા જૂના બાયોમેટ્રિક ડેટા સાથે મેચ કરવામાં આવશે. એપમાં પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારે ફરીથી બ્રાઉઝર પર જઈને તમારી વિગતો (જેમ કે, સરનામું, સંપર્ક વિગતો વગેરે) ચેક કરવાની રહેશે અને એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે. એકવાર તમારી વિગતો સફળતાપૂર્વક વેરિફાઈ થઈ જાય, પછી તમને UKVI તરફથી એક ઈ-મેલ આવશે કે તમારો e-Visa હવે તૈયાર છે.

આ થોડી હેક્ટિક અને જટિલ લગતી પ્રક્રિયા છે, પણ જૂની પ્રક્રિયા કરતાં ઘણા સમયની બચતકર્તા છે. ત્યારે આ પ્રક્રિયામાં અમુક બાબતો ધ્યાનમાં રાખજો, જે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ભલે તમારો e-Visa બની જાય, તેમ છતાં 2026ના અંત સુધી અથવા તમારા કાર્ડની એક્સપાયરી ડેટ સુધી તમારે તમારું ભૌતિક BRP કાર્ડ સાથે રાખવું હિતાવહ છે, ખાસ કરીને જ્યારે તમે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતા હોવ. જો તમે નવો પાસપોર્ટ કઢાવો, તો તરત જ તમારા UKVI એકાઉન્ટમાં જઈને નવા પાસપોર્ટની વિગતો અપડેટ કરવી જરૂરી છે, જેથી એરપોર્ટ પર કોઈ સમસ્યા ન થાય. જોકે, BRP માંથી e-Visaમાં ટ્રાન્સફર કરવાની આ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો