દર વર્ષની માફક આ વર્ષે પણ ફરી એક વખત નવું વર્ષ આવી ગયું (ખરું થયું નંઈ?) અને નવું વર્ષ આવે ત્યારે આપણે બધા બે કામ અવશ્ય કરીએ જ છીએ. એક તો ખોટું-ખોટું, કૃત્રિમ, સિન્થેટિક હસીને એકબીજાને `સાલ મુબારક' કરીએ છીએ અને બીજું `સંકલ્પો' લઈએ છીએ. `આ વર્ષે હું રોજ વહેલો ઊઠીશ', `હું ડેઇલી- રેગ્યુલર કસરત કરીશ', `આ વર્ષે તો હું તીખું-તળેલું, ચીઝ-માખણવાળું આચરકૂચર ખાવાનું ઓછું કરી જ નાંખીશ', `હું કારણ વગર ગુસ્સે થવાની આદત પર કંટ્રોલ કરીશ જ', `મારી ચીજવસ્તુઓને એકદમ વ્યવસ્થિત રાખીશ', `બધાં જ કામો હું હવેથી ટાઇમસર કરીશ'. બસ, આવા જ જાતજાતના સંકલ્પો આપણે મનોમન લઈ લઈએ છીએ, પરંતુ કપ-રકાબી જેમ ફોડવા માટે હોય છે, ઢાળ જેમ દોડવા માટે હોય છે, ઢીલ જેમ છોડવા માટે હોય છે તેમ સંકલ્પો તોડવા માટે હોય છે.

નવા વર્ષના બધા જ સંકલ્પોનું લગભગ બીજા કે ત્રીજા દિવસે જ બાળમરણ થઇ જતું હોય છે અને આપણે `જૈસે થે'ની પોઝિશનમાં આવી જઇએ છીએ. સુજ્ઞજનોની ભાષામાં કહીએ તો સંકલ્પ પ્રવૃત્તિનું અમલીકરણ દુષ્કર અને દોહ્યલું હોવા છતાં તેની પ્રક્રિયા અત્યંત રોચક ને રસપ્રદ છે. ટૂંકમાં, સંકલ્પો કરી તોડવાની મજા કંઇક ઔર જ હોય છે. આ તો સામાન્ય જીવોની વાત છે, પણ જાણીતી હસ્તીઓ સંકલ્પ કરે (અને તોડી પણ નાખે) તો એમના સંકલ્પો કેવા હોય? લેટ્સ ઇમેજિન. આઇયે બડે લોગોં કે સંકલ્પોં કે બારે મેં કરતે હૈં `ટેઢી બાત'.

ક્રિકેટર : આ વર્ષે હું માત્ર ને માત્ર ક્રિકેટ પર જ કોન્સન્ટ્રેટ કરીશ. પાર્ટીબાજી લફરાંબાજીથી દૂર રહીશ અને મોડલ્સ, હિરોઇનો સામે તો નજર ઉઠાવીને જોઈશ પણ નહીં. (અલ્યા ભૈ, કૂતરાની પૂંછડી સીધી થાય?)

ફિલ્મ/ વેબ સીરિઝના ડિરેક્ટર : આ વર્ષે હું સારી-સુંદર-સહ્ય-સેન્સિબલ ફિલ્મો બનાવીશ. મારી ફિલ્મમાં ગાળાગાળી નહીં હોય, હિંસક દૃશ્યો નહીં હોય અને `ગંદા દૃશ્યો' નહીં જ હોય. (ટૂંકમાં તું ફિલ્મ નહીં બનાવે.)

આઈટમ સોંગ પર ડાન્સ કરનાર : હું `સુઘડ' વસ્ત્રો પરિધાન કરીશ અને બીભત્સ લટકાઝટકાવાળા ડાન્સ નહીં કરું. (અલી, તો તને જોશે કોણ?)

કાયમના કૌભાંડી : આ વર્ષે કૌભાંડ કરવાનું હું સપનામાં પણ નહીં વિચારું! (અલ્યા ઓ, તો તું આખું વરસ જાગરણ જ કરીશ એમને?)

ગાયક ધ સિંગર : હું આ વર્ષે સારાં, સુરીલાં ગીતો ગાઈશ. મારાં ગીતોના શબ્દો લોકોને સમજાય એવા, ગાવા ગમે એવા હશે. (મતલબ કે તારાં ગીતોમાં માત્ર મ્યુઝિક હશે સિંગિંગ નહીં હોય એમને?)

સરકારી કર્મચારી : હું નિષ્ઠાથી બધું કામ કરીશ. કામચોરી નહીં કરું, ભ્રષ્ટાચાર નહીં કરું. લાંચ તો નહીં જ લઉં. (એટલે કે તું રાજીનામું આપી ઘરભેગો થઈ જઈશ.)

ફ્લોપ હીરો (ઉર્ફે ફ્રોમ જીરો ટુ જીરો) : આ વર્ષે હું માત્ર મોટા બેનરની ફિલ્મો જ કરીશ એવું મેં નક્કી કર્યું છે (તું તો નક્કી કરે ભઇલા પણ મોટા બેનરવાળા તને નહીં લે એનું શું?)

રાજકારણીઓ : જનતાના ભલા માટે કામ કરીશું. પ્રજાનું ભલું કરીશું. દેશસેવા કરીશું. (હા... હા... હા... વોટ અ જોક સરજી.)

નાપાક પાકિસ્તાની નેતા : આ વર્ષે ભારતમાં ત્રાસવાદ ફેલાવવાની પ્રવૃત્તિ નહીં કરીએ. ત્રાસવાદીઓને પકડી પકડી ભારતને સોંપી દઇશું. (એમ? તો તો તમે સાવ `નવી બજા2' થઇ જશો).

ન્યૂઝ ચેનલવાળા : અમે સાચા સમાચાર દેખાડીશું. ફેક ન્યૂઝ નહીં ફેલાવીએ. ઉશ્કેરણીજનક સમાચાર નહીં દેખાડીએ. એટલે તમે બ્લેન્ક સ્ક્રીન જ દેખાડ્યા કરશો, હેં ને?

શિક્ષક (જો કભી સાધારણ નહીં હોતા) : હું આ વર્ષે વિદ્યાર્થીઓને સરસ રીતે ભણાવીશ, ઊઠાં નહીં ભણાવું. ટ્યૂશન તો નહીં જ કરું. (એટલે તું હવે શિક્ષક નહીં રહે.)

ભેળસેળિયા વેપારી : અમે કોઈ પણ વસ્તુમાં જરા પણ ભેળસેળ નહીં કરીએ. બધી વસ્તુઓ શુદ્ધ અને સ્વચ્છ વેચીશું. (એટલે તમે દુકાનનાં પાટિયાં પાડી દેશો અને ધંધો બંધ કરી દેશો એવું જ ને?)

અમિતાભ ધ બચ્ચન : આ વર્ષે હું ફિલ્મોમાં અભિનય નહીં કરું (કશો વાંધો નઈ, તમે અભિનય ન કરતા. ખાલી આઇને ઊભા જ રે'જો, તોયે બીજા કરતાં તમારો અભિનય સારો લાગશે.)

વિનુ ધ વાહિયાત : આ વર્ષે હું હાસ્યલેખ નહીં લખું. (તો બકા, આમેય તું ક્યાં લખતો'તો!)

બોલો, કેવા લાગ્યા બધાના નવા વર્ષના સંકલ્પો?

આવા સંકલ્પો કોઈ ક્યારેય લેવાના નથી એટલે બધું એમનું એમ જ ચાલવાનું છે. તો મિત્રો, વિક્રમ સંવત બે હજાર બ્યાસીમાં ચિંતા છોડી મોજ કરજો.