જો તમે સમાચારો ધ્યાનથી વાંચતા હોવ અને સોશિયલ મીડિયાના પ્રવાહો સાથે સંપર્કમાં રહેતા હોવ, તો તાજેતરમાં બહુ ચર્ચાયેલી એક રાજકીય હલચલ તમારા ધ્યાનમાં હશે જ. થયું એવું કે કોઈકે એક રાજકીય પાર્ટી જેવું નામ ધરાવતું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી નાખ્યું અને પછી તો સોશિયલ મીડિયા પર રીતસરના બે પક્ષ પડી ગયા. રાબેતા મુજબ બંને પક્ષોએ એકબીજા પર `ટ્રોલ' હોવાના આક્ષેપો પણ લગાડ્યા. ખૈર, રાજકારણ આપણો વિષય નથી, પણ આ ટ્રોલ શબ્દ ધ્યાને ધરવા જેવો છે.   


સોશિયલ મીડિયાના આગમન પછી દુનિયાભરના સમાચારો મોબાઈલ વાટે આપણી મુઠ્ઠીમાં આવી ગયા. ત્યાં સુધી બધું બરાબર હતું. એક જાગૃત નાગરિક તરીકે આપણે દુનિયાદારી અને વૈશ્વિક પ્રવાહોથી વાકેફ રહેવું જ જોઈએ, પણ સમસ્યા ત્યારે પેદા થઇ જ્યારે લોકો હજારો કિલોમીટર દૂરની સમસ્યા માટે થઈને પોતાના જ ગામમાં રહેતા લોકો સાથે લમણા લેવા માંડ્યા! વૈજ્ઞાનિક અભ્યાસો સૂચવે છે કે સોશિયલ મીડિયા પર ડેવલપ થઇ રહેલી આ પેટર્નને કારણે મોટા જનસમૂહના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પેદા થઇ રહી છે!   

વર્ષ 2024 દરમિયાન કમ્યુનિકેશન સાઇકોલોજીને લગતા એક અભ્યાસમાં અઢીસો જેટલા લોકોની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા સાઈટ પર એમને દિવસમાં પાંચ વખત ટ્રેક કરવામાં આવ્યા. થયું એવું કે આ સમૂહ પૈકીના જે લોકો રાજકીય ચર્ચાઓ અને મુદ્દાઓ પરત્વે ઉગ્ર બની જતા હતા, એમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બીજા નોન-પોલિટિકલ ઇન્ટરેસ્ટ ધરાવતા યૂઝર્સની સરખામણીએ કથળેલું હતું! તેઓ દરેક નાની-મોટી બાબત ઉપર રિએક્શન્સ આપતા જોવા મળ્યા.   

પોલિટિકલ કન્ટેન્ટમાં રચેલાપચેલા લોકો ઘણી વાર ઊંચું સ્ટ્રેસ લેવલ, ઓછી ઊંઘ અને ટેમ્પર (ક્રોધ) મેનેજમેન્ટ અંગેની સમસ્યાઓમાં ફસાય છે. તણાવ (tension) અને બેચેની-વ્યગ્રતા (anxiety) એટલે માણસજાતના સૌથી મોટા દુશ્મન. એમાં વળી પોલિટિકલ ચર્ચાઓને કારણે ક્રોનિક સ્ટ્રેસથી માંડીને હાઈ બ્લડપ્રેશર સહિતની લાંબા ગાળાની શારીરિક સમસ્યાઓય વકરે. સિસ્ટમની સાચી-ખોટી સમસ્યાઓ અંગે દેશના મોટા મોટા આઈએએસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ કે અર્થશાસ્ત્રીઓ કરતાંય વધુ ટેન્શન લઇ લો તો આવું જ થાય! સૌથી કરુણ બાબત એ છે કે આવાં કી-બોર્ડ વોરિયર્સ પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી લાવી શકતાં, ઊલટાનું બીજા મિત્રો, સગાંસંબંધીઓથી માંડીને અજાણ્યા લોકો સાથે અમથી દુશ્મની વહોરીને પોતે ડિપ્રેશનનો શિકાર બને છે! એમાં ને એમાં તબિયત ઔર બગડે. ટૂંકમાં, આ આખું વિષચક્ર છે.   

હવે આ વિષચક્રમાંથી છૂટવાનો માર્ગ શું? સાદો ઉપાય છે `ડિજિટલ ડિટોક્સ'. તમે મોબાઈલ ઊંચો મૂકીને રિઅલ લાઈફ મિત્રો કે પરિવાર સાથે સમય વિતાવો એ શ્રેષ્ઠ ઉપાય છે. માનો કે તમે મોબાઈલ છોડી નથી શકતા અથવા તમને કોઈ ટોકવાવાળું ન હોય, તો શું કરવું? આવા સંજોગોમાં તમારા માટે મોબાઈલનું આકર્ષણ છોડવું અસંભવ બની જાય. આવા સમયે કામ આવે છે લેટેસ્ટ ટેક્નોલોજી, જે રીતસર તમારા મોબાઈલમાં રહેલી સોશિયલ મીડિયા એપ્સને રીતસર `બ્લોક' કરી દે. જેથી તમારી પાસે મોબાઈલ મચડવાનો ઓપ્શન જ ન રહે!   

NFC વહારે ધાશે

Brick અને Unpluq બંને સ્ક્રીન ટાઈમ ઘટાડવા અથવા કંટ્રોલ કરવા માટેના વિશેષ પ્રકારનાં ફિઝિકલ ટૂલ છે, જે તમારા સ્માર્ટ ફોનને `ડમ્બ ફોન' બનાવી મૂકે છે. આ ટૂલ્સ વિશે જાણતા પહેલાં જરા NFC ટેક્નોલોજી વિશે જાણવું પડે. Near Field Communication (NFC) એ એક એવી ટેક્નોલોજી છે, જેના વડે બે ઉપકરણો એકબીજાની ખૂબ નજીક (2-4 સે.મી.) આવે ત્યારે વાયર જેવા કોઈ પણ પ્રકારના ફિઝિકલ જોડાણ વિના એટલે કે `વાયરલેસ' કમ્યુનિકેશન કરી શકે છે.   

Brickની વાત કરીએ તો આ એક કદમાં અત્યંત નાનકડો, ચોરસ આકારનો ઓબ્જેક્ટ હોય છે. આ ઓબ્જેક્ટ એટલો ટચૂકડો હોય કે સાઈકલની ચાવીના કી-ચેઈન તરીકે વાપરી શકાય. તમારે ખાસ કશું નથી કરવાનું. બસ જ્યારે સોશિયલ મીડિયા એપ્સથી દૂર રહેવું હોય, ત્યારે ફોનમાં જઈને Brickની એપ્લિકેશન દ્વારા તમારા મગજનું દહીં કરતી તમામ એપ્સ બંધ કરી દેવાની. કલાકો સુખમાં વિતાવ્યા બાદ જો એમ લાગે કે થોડું ઘણું સોશિયલ મીડિયા સર્ફ કરી લેવું છે, તો પેલા કી-ચેઈન જેવડા ટચૂકડા સાધનને મોબાઈલની એકદમ નજીક લઇ જવું અથવા મોબાઈલ સાથે ટેપ કરવું. 

આમ કરવાથી એપ્સ અનલોક થઇ જશે.   

હવે તમે કહેશો કે આ તો ઉલ્લુ બનાવવાના ધંધા છે. મોબાઈલની એપ્સ લોક કરવા માટે તો બીજાં ઘણાં સોફ્ટવેર્સ ઉપલબ્ધ છે. તો આ બ્રિક વસાવીને શું કાંદો કાઢવાનો? અહીં હ્યુમન સાઈકોલોજી સમજવાની જરૂર છે. તમે જુઓ, બ્રિકવાળાએ એપ્સ અનલોક કરવા માટે એક અલગ ઉપકરણ આપ્યું છે, જે તમે મોબાઈલથી દૂર બને તો બીજા રૂમમાં રાખી શકો છો. એટલે જેટલી વાર ફોનની એપ્સ અનલોક કરવી હશે, એટલી વાર ઊભા થઈને બાજુના રૂમમાં પેલું કી-ચેઈન છાપ રમકડું લેવા જવું પડશે! આથી મોટાભાગના લોકો કમનેય મોબાઈલ બાજુએ મૂકીને કામે લાગી જશે.   

આશા રાખીએ કે ટેક્નોલોજી અપગ્રેડેશન સાથે આવા બીજાય અકસીર ઈલાજ આવે અને ફાલતુ બાબતો પાછળ ખર્ચાતો લોકોનો સ્ક્રીન ટાઈમ ઘટે.      


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: