દુનિયામાં એવા અનેક કિલ્લાઓ આવેલા છે, જે પોતાની કોઇ ને કોઇ વિશેષતાને કારણે જાણીતા બન્યા છે. આ કિલ્લામાં નિજો કિલ્લાનો સમાવેશ થાય છે. જાપાનના ક્યોટો શહેરમાં આવેલ આ કિલ્લો જેને મહેલ પણ કહેવામાં આવે છે, એ જાપાનના સૌથી પ્રખ્યાત અને ઐતિહાસિક કિલ્લાઓમાં સ્થાન ધરાવે છે. લાકડા અને પથ્થરમાંથી બનાવવામાં આવેલ નિજો કિલ્લો તેના ઇતિહાસ, રાજકીય કાવાદાવા, સ્થાપત્ય તથા કલાનું જીવંત પ્રતીક છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયેલો આ કિલ્લો જાપાનના ઐતિહાસિક કિલ્લાઓમાં સ્થાન ધરાવે છે.
નિજો કિલ્લાનો ઇતિહાસ
નિજો કિલ્લાનો ઇતિહાસ જાપાનના એડો કાળ સાથે જોડાયેલો છે. આ કિલ્લાનું નિર્માણ ઈ.સ. 1601માં જાપાનના શક્તિશાળી મિલિટરી શાસક એટલે કે પ્રથમ તોકુગાવા શોગુન એટલે કે `તોકુગાવા ઇએયાસુ'એ કરાવ્યું હતું અને ઈ.સ. 1603માં તે પૂર્ણ થયું હતું. તે સમયે જાપાનના સમ્રાટ માત્ર નામના વડા હતા અને વાસ્તવિક સત્તા `શોગુન' એટલે કે લશ્કરી સરમુખત્યારના હાથમાં હતી. ક્યોટોમાં સમ્રાટના શાહી મહેલની બિલકુલ નજીક આ કિલ્લો બનાવવાનો મુખ્ય હેતુ સમ્રાટ પર નજર રાખવાનો અને શોગુનની શક્તિનું પ્રદર્શન કરવાનો હતો.
ઈ.સ. 1626માં તોકુગાવા ઇએયાસુના પૌત્ર `તોકુગાવા ઇએમિત્સુ'એ આ કિલ્લાનો વિસ્તાર કર્યો અને તેને વધુ ભવ્ય બનાવ્યો. રસપ્રદ વાત એ છે કે, જે કિલ્લાથી તોકુગાવા વંશના શાસનની શરૂઆત થઈ હતી, તે જ કિલ્લામાં ઈ.સ. 1867માં 15મા શોગુન `તોકુગાવા યોશિનોબુ'એ પોતાની સત્તા સત્તાવાર રીતે સમ્રાટ મેઇજીને પરત સોંપી દીધી હતી. આ ઘટનાને જાપાનના ઇતિહાસમાં `મેઇજી રિસ્ટોરેશન' કહે છે, કારણ કે તેણે જાપાનમાં 250 વર્ષ જૂની શોગુન શાહીનો અંત આણ્યો હતો.
નિજો કિલ્લાના સ્થાપત્યની ભવ્યતા
નિજો કિલ્લો આશરે 2,75,000 ચોરસ મીટરમાં ફેલાયેલો છે. નિનોમારુ પેલેસને આ કિલ્લાનું હાર્ટ કહે છે. આ મહેલ સંપૂર્ણપણે લાકડામાંથી બનેલો છે અને તેમાં છ અલગ-અલગ ઇમારતો એકબીજા સાથે જોડાયેલી છે. મહેલમાં 33 જેટલા ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. આ ઓરડાઓ સામાજિક દરજ્જાના આધારે અલગ-અલગ કાર્યો માટે અનામત રાખવામાં આવ્યા હતા.
મહેલની અંદરની દીવાલો અને દરવાજા પર સોનાના વરખનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એની ઉપર પ્રખ્યાત કલાકારો દ્વારા સુંદર ચિત્રો દોરવામાં આવ્યા છે, જેમાં વાઘ, ચિત્તા અને પવિત્ર પાઈનના વૃક્ષો દર્શાવવામાં આવ્યાં છે. આ ચિત્રો આવનાર મહેમાનો અથવા વિરોધી રાજાઓ પર શોગુનનો પ્રભાવ પાડવા માટે બનાવવામાં આવ્યાં હતાં, એવું કહેવાય છે. નિજો કિલ્લાની દિવાલો બનાવવા માટે વિશાળ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલાક પથ્થરો એટલા મોટા છે કે તેને કિલ્લા સુધી ખેંચી લાવવા માટે તે સમયે 300થી વધુ મજૂરોની જરૂર પડી હતી. આ પથ્થરો પર આજે પણ તે સમયના સામંતોનાં ચિહ્નો કોતરેલાં જોઈ શકાય છે.
આશ્ચર્યજનક બાબતો
નિજો કિલ્લા સાથે જોડાયેલી સૌથી રોમાંચક અને આશ્ચર્યજનક બાબત તેનું ખાસ પ્રકારનું ફ્લોરિંગ છે, જેને ઉગુઇસુબારીઅથવા નાઇટીંગેલ ફ્લોર્સ એટલે કે ગાતાં ભોંયતળિયાં કહેવામાં આવે છે.
પ્રાચીન એલાર્મ સિસ્ટમ : મહેલના કોરિડોરમાં લાકડાનાં પાટિયાં એવી વૈજ્ઞાનિક પદ્ધતિથી ગોઠવવામાં આવ્યાં છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ તેના પર ચાલે, ત્યારે લાકડાની નીચે ગોઠવેલી લોખંડની ક્લિપ્સ હલે છે અને તેમાંથી `નાઇટીંગેલ' પક્ષીના કિલકિલાટ જેવો મધુર અવાજ આવે છે.
નિનજાઓથી રક્ષણ : આ કોઈ આકસ્મિક ભૂલ નહોતી, પરંતુ શોગુનની સુરક્ષા માટે જાણીજોઈને બનાવવામાં આવેલી એક અદ્ભુત સિક્યોરિટી સિસ્ટમ હતી. તે જમાનામાં શોગુનના દુશ્મનો તેમને મારવા માટે ગુપ્ત હત્યારાઓ એટલે કે `નિનજા'ને મોકલતા હતા. આ ફ્લોરની ખાસિયત એ છે કે ગમે એટલા ધીમા પગલે એના ઉપર ચાલવામાં આવે તો પણ આ ફ્લોર પરથી અવાજ આવતો જ હતો, જેનાથી શોગુનના અંગરક્ષકો એલર્ટ થઈ જતા હતા. આજે પણ અહીં ચાલીએ ત્યારે આ અવાજ સ્પષ્ટ રીતે સાંભળાય છે. જાપાનીઝ લેન્ડસ્કેપિંગયુક્ત બગીચાઓ
કિલ્લાની અંદર નિનોમારુ ગાર્ડન આવેલો છે. તે જાપાનીઝ લેન્ડસ્કેપિંગનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ બગીચાની વચ્ચોવચ એક મોટું તળાવ છે, જેમાં ત્રણ નાના ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ નસીબ અને દીર્ઘાયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. બગીચામાં પથ્થરોની ગોઠવણ એવી રીતે કરવામાં આવી છે કે મહેલના ઓરડામાંથી જોતાં તે એક સુંદર પેઇન્ટિંગ જેવું દેખાય. આ ઉપરાંત બગીચાની ફરતે ચેરી અને પ્લમનાં વિવિધ વૃક્ષો રોપવામાં આવ્યાં છે.
નિજો કિલ્લો એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે પ્રાચીન સમયમાં કલા અને સુરક્ષા ટેક્નોલોજીનો સમન્વય કરવામાં આવતો હતો. આ કિલ્લો સમુરાઇ સંસ્કૃતિના વૈભવ અને જાપાનના ઇતિહાસના મોટા રાજકીય પરિવર્તનોનો સાક્ષી રહ્યો છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
